દેસાઈ, ભૂલાભાઈ જીવણજી (જ. 13 ઑક્ટોબર 1877, ચીખલી, જિ. વલસાડ; અ. 6 મે 1946, મુંબઈ) : પ્રખર ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્યસેનાની, કૉંગ્રેસના નેતા. તેમના પિતા જીવણજી વકીલ હતા અને વકીલાત કરવા વલસાડમાં વસ્યા હતા. ભૂલાભાઈ 1895માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા. તેમણે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરીને વર્ડ્ઝવર્થ પારિતોષિક તથા ઇતિહાસમાં ડિસ્ટિંક્શન મેળવવા બદલ શિષ્યવૃત્તિ મેળવી. ત્યારબાદ અમદાવાદની ગુજરાત કૉલેજમાં અંગ્રેજી અને ઇતિહાસના અધ્યાપક તરીકે જોડાયા. આ દરમિયાન એલએલ.બી. તથા તે પછી ઍડવોકેટની પરીક્ષાઓ પસાર કરીને મુંબઈમાં વકીલાત શરૂ કરી. થોડાં વર્ષોમાં તેમણે નામાંકિત ધારાશાસ્ત્રી તરીકેની પ્રતિષ્ઠા મેળવી. 1916માં તે શ્રીમતી બેસન્ટની હોમરૂલ લીગમાં જોડાયા અને કેટલીક સભાઓને સંબોધી. કેટલાંક વરસ સુધી તેઓ લિબરલ પક્ષના સભ્ય પણ રહ્યા હતા. બારડોલી તાલુકામાં સરકારે કરેલા મહેસૂલવધારા સામે વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ સત્યાગ્રહ કર્યો. છેવટે સમાધાન થયા બાદ જિલ્લા ન્યાયાધીશ બ્રૂમફિલ્ડના અધ્યક્ષપદે સરકારે નીમેલા તપાસપંચ સમક્ષ ખેડૂતો વતી ભૂલાભાઈએ કરેલી રજૂઆતના પરિણામે ખેડૂતોને લાખો રૂપિયાનો લાભ થયો. એના આધારે પંજાબ અને મધ્યપ્રદેશમાં પણ ખેડૂતોને મહેસૂલમાં ફાયદો થયો. આ રીતે તેમણે સામાન્ય લોકોના વકીલ તરીકેની પ્રતિષ્ઠા મેળવી. 193૦માં લિબરલ પક્ષમાંથી છૂટા થઈને તે કૉંગ્રેસમાં જોડાયા. બ્રિટિશ માલના બહિષ્કારની આવશ્યકતા સમજીને મુંબઈમાં તેમણે સ્વદેશી સભા સ્થાપી. મુંબઈમાં 25 જુલાઈ, 1932ના રોજ તેમની ધરપકડ કરીને, સ્વદેશી સભાની તેમની પ્રવૃત્તિઓને અનુલક્ષીને એક વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી. 1934–35માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની કારોબારી સમિતિના સભ્ય બન્યા. આ દરમિયાન સ્વરાજ પક્ષને પુનર્જીવિત કરી નવેમ્બર, 1934માં ગુજરાતમાંથી તેઓ કેન્દ્રની ધારાસભામાં ચૂંટાયા. વડી ધારાસભામાં 1935થી કૉંગ્રેસ પક્ષના નેતા તરીકેની કામગીરીથી તેમને પ્રશંસા તથા પ્રતિષ્ઠા મળ્યાં.
દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયા બાદ, કૉંગ્રેસે 194૦માં વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો. કૉંગ્રેસની કારોબારી સમિતિના સભ્ય તથા મુંબઈ પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે તેમણે સત્યાગ્રહ કર્યો, તેમની ધરપકડ થઈ અને આશરે દસ મહિનાની જેલ ભોગવી. વડી ધારાસભાના કૉંગ્રેસના નેતા ભૂલાભાઈ તથા મુસ્લિમ લીગના નેતા લિયાકત અલીખાન વચ્ચે 1945માં વચગાળાની સરકારની રચના માટે ‘દેસાઈ લિયાકત કરાર’ થયા. તેને ગાંધીજીએ માન્ય રાખ્યા હોવા છતાં પાછળથી ભૂલાભાઈ વિશે ગેરસમજો પેદા થઈ હતી.
1945ના અંતમાં દિલ્હીના લાલ કિલ્લામાં આઝાદ હિંદ ફોજના સેનાપતિઓ વિરુદ્ધના કેસમાં ભૂલાભાઈએ બચાવપક્ષના મુખ્ય ધારાશાસ્ત્રી તરીકે કરેલી તેજસ્વી અને પ્રભાવશાળી દલીલોએ તેમને અવિસ્મરણીય પ્રશંસા અને પ્રતિષ્ઠા અપાવ્યાં હતાં. તેમાં તેમની અપૂર્વ બૌદ્ધિક પ્રતિભા તથા દેશભક્તિનાં દર્શન થાય છે. આ દરમિયાન તેમણે કરેલા અથાક પરિશ્રમના ફળસ્વરૂપે, મુંબઈ ગયા બાદ તેઓ બીમાર પડ્યા અને અવસાન પામ્યા.
ચિનુપ્રસાદ વૈ. જાની