દેસાઈ, પ્રબોધ દિનકરરાવ (જ. 14 ડિસેમ્બર 193૦, ભરૂચ; અ. 17 મે 2૦૦4) : ખ્યાતનામ ન્યાયવિદ. ભારતની વિવિધ વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિ. તેમના પિતા દિનકરરાવ મુંબઈ રાજ્યના શિક્ષણ, કાયદો અને નાગરિક પુરવઠા મંત્રી હતા. પ્રબોધભાઈએ ભરૂચમાં માધ્યમિક શિક્ષણ લઈ 1946માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. તેમણે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ, યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ સોશિયૉલૉજી તથા સરકારી લૉ કૉલેજમાં અભ્યાસ કરી મુંબઈ યુનિવર્સિટીની બી.એ. (195૦), એમ.એ. (1952) તથા એલએલ.બી.(1953)ની પરીક્ષાઓ પસાર કરી. તેમણે 1955માં મુંબઈની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. ગુજરાતની વડી અદાલતની 196૦માં સ્થાપના થતાં તેઓ વકીલાત કરવા અમદાવાદ આવ્યા. આ દરમિયાન તેમણે કાયદાની વિવિધ શાખાઓમાં કૌશલ મેળવ્યું. તેમણે ગુજરાત હાઈકોર્ટ ઍડવોકેટ્સ ઍસોસિયેશનના સેક્રેટરી તરીકે તથા સિટી લૉ કૉલેજમાં અધ્યાપક તરીકે (1967–68) પણ સેવાઓ આપી.

પ્રબોધ દિનકરરાવ દેસાઈ

ગુજરાતની વડી અદાલતના અધિક ન્યાયમૂર્તિ તરીકે 197૦માં તથા ન્યાયમૂર્તિ તરીકે 1974માં તેમની નિમણૂક થઈ. 1983માં તેમને કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે તથા એ જ વર્ષે હિમાચલ પ્રદેશના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે બઢતી મળી. 1986માં છ સપ્તાહ માટે તેમણે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે કામગીરી બજાવી હતી. કૉલકાતાની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે 1988–9૦ દરમિયાન તથા મુંબઈની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે 199૦–92 સુધી યશસ્વી કામગીરી બજાવીને તેઓ નિવૃત્ત થયા.

ન્યાયમૂર્તિ તરીકે તેમણે કરવેરા, કંપની, કાયદો, મજૂર-કાયદા, અકસ્માત વળતરના મુકદ્દમા, દત્તકવિધાન વગેરે વિશે મૌલિક વિચારો વ્યક્ત કર્યા હતા. તેઓ લોકહિતકારી ચુકાદા આપતા. હિમાચલ પ્રદેશના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે તેમણે બંધવા મજૂરો, અનાથ બાળકો, કુષ્ઠ-રોગીઓ, પર્યાવરણ વગેરે બાબતોને લગતા પ્રગતિશીલ ચુકાદા આપ્યા. સપ્ટેમ્બર, 1984માં હિમાચલ પ્રદેશની નીચલી અદાલતોમાં સમાધાનની યોજનાનો અમલ કર્યો, જેને લીધે બે વર્ષના સમયગાળામાં વીસ હજાર મુકદ્દમાનો નિકાલ થઈ શક્યો. આ યોજનાને ન્યાયતંત્રમાં આવકાર મળ્યો.

ભારત સરકારે 1989–9૦ની પડતર મુકદ્દમા અંગેની સમિતિના સભ્યપદે તેમની નિમણૂક કરી, જેમાં તેમણે મહત્વની કામગીરી બજાવી. તેમણે 1992માં ઇન્ડો-બ્રિટિશ ફોરમમાં ભારતના પ્રતિનિધિ તરીકે મુખ્ય ન્યાયમૂર્તિ સાથે હાજરી આપી. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ રામાસ્વામીએ પંજાબની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કહેવાતી ગેરરીતિઓ આચરેલી, તે અંગે તપાસ કરવા નિમાયેલી ત્રણ સભ્યોની સમિતિમાં તેમણે સભ્ય તરીકે અસરકારક કામ કરી 1992માં હેવાલ આપ્યો હતો.

ચિનુપ્રસાદ વૈ. જાની