દેસાઈ, પ્રદ્યુમ્ન કંચનરાય

March, 2016

દેસાઈ, પ્રદ્યુમ્ન કંચનરાય (જ. 5 ફેબ્રુઆરી 19૦5, ભાવનગર; અ. 1984, ભાવનગર) : ગુજરાતના એક જાણીતા પ્રકૃતિવિદ. પક્ષી તરફનો પ્રેમ તેમના પિતાશ્રી કંચનરાય તરફથી વારસામાં મળેલો. કંચનરાયે તો કાબરને પણ પોપટની જેમ બોલતાં શીખવ્યું હતું. પ્રાણીવિજ્ઞાની રૂબિન ડેવિડ એમના ખાસ મિત્ર હતા.

પોતાના પિતાશ્રી સાથે ઘરના પાંજરામાં, એટલે કે બંધિત (captive) અવસ્થામાં જંગબારી(African grey parrot)નું પ્રજનન અને ઉછેર કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. વળી તે ચંડૂલ(lark)ને પકડવાની તાલીમ આપવામાં પારંગત હતા. 1925માં તેઓ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નિકટ સંબંધમાં આવ્યા અને નીલમબાગ મહેલમાં ચીડિયાઘર વિકસાવ્યું. આ ઘરમાં પરિન્દા (Birds of paradise), મકાઉ અને કાકાકૌઆ જેવાં પક્ષીઓને પણ પાળ્યાં હતાં. તેમણે નીલમબાગમાં માછલીઘરની સ્થાપના પણ કરી હતી.

પ્રદ્યુમ્નભાઈએ ‘પ્રકૃતિ’ સામયિકમાં પ્રાણીઓનો પરિચય કરાવતા લેખો પ્રસિદ્ધ કર્યા છે. તેમણે લખેલાં કેટલાંક નોંધપાત્ર પુસ્તકો છે : (1) ‘એ વન્ડરફુલ ફૉલ્ક્ધારી’, (2) ‘ગુજરાતનાં પક્ષીઓ’, (3) ‘પંખીજગત’, (4) ‘વનવગડામાં વસનારાં’, (5) ‘ગીરની ભીતરમાં’, (6) ‘કુદરતની કેડીએ’ (ભાગ 1 અને 2) અને (7) ‘શ્રેષ્ઠ શિકારકથાઓ’. છેલ્લાં બે પુસ્તકો અનુક્રમે ગુજરાત સરકાર અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલ છે.

ઉપેન્દ્ર રાવળ