દેસાઈ, પદ્મા (જ. 12 ઑક્ટોબર 1931 સુરત, અ. 29 એપ્રિલ 2023 ન્યૂયોર્ક, યુએસએ) : સોવિયેત રશિયાના વિદ્વાન અભ્યાસુ અને ભારતીય-અમેરિકન વિકાસ અર્થશાસ્ત્રી.
તેમનો જન્મ એક ગુજરાતી અનાવિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માતાનું નામ શાંતા અને પિતાનું નામ કાલિદાસ. તેમણે 1951માં મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં બી.એ. કર્યું. 1953માં એ જ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એ. કર્યું. 1960માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. હાર્વર્ડ ખાતે પીએચ.ડી.ના અભ્યાસ સમયે અમેરિકન એસોસિએશન ઑફ યુનિવર્સિટી વુમનનાં ફેલો હતાં. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગથી કરી. તેમણે 1957થી 1959 સુધી ત્યાં કામ કર્યું. ત્યારબાદ તેઓ 1959થી 1968 દરમિયાન દિલ્હી યુનિવર્સિટી ખાતે દિલ્હી સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં અર્થશાસ્ત્રના એસોસિયેટ પ્રોફેસર રહ્યાં. 1980માં કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયાં. નવેમ્બર 1992માં તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં તુલનાત્મક આર્થિક પ્રણાલીઓના ગ્લેડીસ અને રોલેન્ડ હેરિમન પ્રોફેસર બન્યા અને યુનિવર્સિટીમાં સેન્ટર ફોર ટ્રાન્ઝિશન ઇકોનોમીના ડિરેક્ટર બન્યા. તેઓ 1980થી 2015માં નિવૃત્તિ સુધી કોલંબિયા ખાતે અર્થશાસ્ત્રના પ્રોફેસર રહ્યાં. તેમણે સોવિયેત અર્થતંત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના સભ્ય હતા. તેમણે 1995માં રશિયન નાણા મંત્રાલયના યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેઝરી સલાહકાર તરીકે સેવા આપી હતી. 2001માં એસોસિયેશન ફોર કોમ્પેરેટિવ ઈકોનોમિક સ્ટડીઝના પ્રમુખ હતા. તેઓ પ્રતિષ્ઠિત PEN અમેરિકા ચેપ્ટરના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ભારતીય-અમેરિકન અર્થશાસ્ત્રી અને કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને કાયદાના પ્રોફેસર જગદીશ ભગવતી સાથે લગ્ન કર્યા હતા.
સોવિયેત યુનિયન અને ભારત અંગેનાં તેમનાં કાર્યને લીધે તેઓ વિશ્વ-આદરણીય અર્થશાસ્ત્રી અને રશિયા, દક્ષિણ એશિયા અને વિકાસશીલ અર્થતંત્રોના નિષ્ણાત તરીકે પ્રખ્યાત થયાં. તેમણે સોવિયેત યુનિયનમાં આર્થિક આયોજનના મુદ્દાઓ પર અભ્યાસપૂર્ણ લેખો પ્રોફેશનલ જર્નલોમાં પ્રકાશિત કર્યા હતા. તેમના લેખો ન્યૂયોર્ક ટાઈમ્સ, ફાઈનાન્સિયલ ટાઈમ્સ અને વોલ સ્ટ્રીટ જર્નલમાં અવારનવાર છપાતાં હતાં. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. ઈન્ડિયાઃ પ્લાનિંગ ફોર ઈન્ડસ્ટ્રિયલાઈઝેશન પુસ્તક અર્થશાસ્ત્રી જગદીશ ભગવતી સાથે મળીને લખ્યું હતું. તેમને મિડલબરી કૉલેજ અને કોલંબિયા યુનિવર્સિટી તરફથી માનદ પદવીઓ પણ મળી હતી. તેમને 2009માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
અનિલ રાવલ