દેસાઈ, નીરુભાઈ (જ. 13 જાન્યુઆરી 1912, અમદાવાદ; અ. 1 ડિસેમ્બર 1993, અમદાવાદ) : જાણીતા ગુજરાતી પત્રકાર, સ્વાતંત્ર્યસેનાની અને જાહેર કાર્યકર. નીરુભાઈનો જન્મ મધ્યમ વર્ગના બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં થયો હતો. તે ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન 1929માં પ્રિન્સિપાલ શીરાઝ સામેની વિદ્યાર્થીઓની હડતાળમાં તેમણે ભાગ લીધો હતો. તે કૉલેજની વિદ્યાર્થી સમિતિના સભ્ય હતા. 193૦માં તેમણે ધરાસણા તથા વીરમગામના સત્યાગ્રહોમાં ટુકડીના આગેવાન તરીકે ભાગ લીધો અને પોલીસના હાથે માર ખાધો હતો. 1932માં સવિનય કાનૂનભંગની ચળવળના બીજા તબક્કામાં પણ સત્યાગ્રહ કરીને તેમણે જેલ ભોગવી હતી. 1934માં કૉંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના થયા બાદ નીરુભાઈ અમદાવાદની શાખાના મંત્રી બન્યા હતા અને 1942 સુધી તે હોદ્દા પર કામ કર્યું હતું. 194૦માં વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો. નીરુભાઈએ 1941માં તેમાં ભાગ લઈ ધરપકડ વહોરી લીધી અને તેમણે લગભગ બાર મહિનાની જેલ ભોગવી હતી. નીરુભાઈ ત્રીસીની શરૂમાં સામ્યવાદ તરફ ઢળેલા હતા. પરંતુ ત્યારબાદ તેમાંથી છૂટા થયા હતા. તેમણે વર્ષો સુધી યુવકપ્રવૃત્તિ, વ્યાયામપ્રવૃત્તિ તથા વિદ્યાર્થીપ્રવૃત્તિમાં આગેવાનીભર્યો ભાગ લીધો હતો. સ્વાતંત્ર્યઆંદોલનને વેગ આપવા તેમણે યુવકોની અનેક શિબિરોનું સંચાલન કર્યું હતું. 1936માં તેઓ અમદાવાદમાં યુવકસંઘના મંત્રી હતા. તે યુવકોને ગાંધીજીનો કાર્યક્રમ અપનાવવા તથા સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવા અનુરોધ કરતા હતા. અમદાવાદમાં પ્રીતમનગરમાં 1937માં નીરુભાઈએ જયંતિ દલાલ, ચીનુભાઈ પટવા, પિનાકિન ઠાકોર વગેરે સાથે અવેતન નાટ્યપ્રવૃત્તિ માટે રંગમંડળ દ્વારા નાટકો ભજવ્યાં હતાં.

નીરુભાઈ દેસાઈ

‘હિંદ છોડો’ ચળવળ શરૂ થતાં અગાઉ નીરુભાઈએ અર્જુનલાલ લાલાની સૂચનાથી અમદાવાદમાં વૉર્ડવાર સભ્યો નોંધી લડત માટે સંગઠન સાધવાના પ્રયાસો કર્યા હતા. 9મી ઑગસ્ટ, 1942ની વહેલી સવારે અમદાવાદમાં 17 કૉંગ્રેસી આગેવાનોની ધરપકડ કરવામાં આવી તેમાં નીરુભાઈનો સમાવેશ થતો હતો. આ લડત દરમિયાન તેમને આશરે દોઢ વરસ અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. આ લડતને અનુલક્ષીને તેમણે ‘ઘુવડ બોલ્યું’ નામની નવલકથા લખી હતી. તેમાં પ્રસંગ, પાત્ર, વસ્તુઘટના, વાતાવરણ વગેરેનું નિરૂપણ બેતાલીસની લોકક્રાંતિની ઘટનાઓમાંથી પ્રેરાઈને કરવામાં આવ્યું છે.

નીરુભાઈ વ્યવસાયે પત્રકાર હતા. તે પ્રયોગશીલ અને ર્દષ્ટિવંત પત્રકાર હતા. તેઓ 1939માં જયંતિ દલાલ સાથે ગતિ પ્રકાશનના ‘રેખા’ માસિકમાં જોડાયા. 1945માં તેઓ ‘ગુજરાત સમાચાર’ દૈનિક ચલાવતા લોકપ્રકાશન લિમિટેડમાં જોડાયા અને તેના ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં ‘સોદાગર’ ઉપનામથી આર્થિક સમીક્ષા લખતા. એમને ગુજરાતમાં આર્થિક પત્રકારત્વના પ્રણેતા ગણવામાં આવે છે.

આ ઉપરાંત ‘વ્યાપાર’ સાપ્તાહિકમાં અનેક વર્ષો સુધી તેમણે અર્થતંત્રને લગતા લેખો લખ્યા. આર્થિક પત્રકારત્વના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે તેમને ‘વ્યાપાર’ના ભૂતપૂર્વ તંત્રી ગિલાણીની સ્મૃતિમાં શરૂ કરાયેલ પુરસ્કાર પણ એનાયત થયો હતો. ‘ગુજરાત સમાચાર’ના સાંધ્ય દૈનિક ‘લોકનાદ’ના, ગુજરાતી ડાઇજેસ્ટ ‘શ્રીરંગ’ માસિકના તથા ફિલ્મ-સાપ્તાહિક ‘ચિત્રલોક’ના તંત્રી તરીકે તેમણે તે સામયિકોને પોતાની આગવી ર્દષ્ટિથી વૈવિધ્યસભર અને લોકપ્રિય બનાવ્યાં. ગુજરાતી પત્રકારત્વમાં રાજકારણ ઉપરાંત કલા, સાહિત્ય, સંસ્કૃતિ, રમતગમત, પર્વતારોહણ વગેરે વિષયોને સ્થાન આપવા સહિત તેમણે વિવિધ ક્ષેત્રે પાંગરતી પ્રતિભાઓને કટારલેખકો તરીકે પણ ચમકાવી. ‘ગુજરાત સમાચાર’ની રવિવારની પૂર્તિમાં તેમની કલમે લખાયેલી ‘વાસરિકા’ કટાર દ્વારા ગુજરાતના ઇતિહાસની ઓછી જાણીતી ઘટનાઓ તથા વ્યક્તિઓ ઉપર પ્રકાશ ફેંક્યો. તેમના તલસ્પર્શી અધ્યયન અને સંશોધનના પરિપાક સમી ‘વાસરિકા’ ગુજરાતી પત્રકારત્વના મહત્વના લેખવિભાગોમાં ગણી શકાય. તેઓ એક નિર્ભીક પત્રકાર હતા.

મહેશ ઠાકર