દેસાઈ, નારાયણ મહાદેવભાઈ (જ. 24 ડિસેમ્બર 1924, વલસાડ; અ. 15 માર્ચ 2૦15, વેડછી) : ગાંધીવાદી રચનાત્મક અને ભૂદાન કાર્યકર, લેખક અને યુવકોના નેતા. તેમના પિતાશ્રી મહાદેવભાઈ મહાત્મા ગાંધીના અંગત મંત્રી અને સ્વાતંત્ર્યસૈનિક હતા. તેમનાં માતા દુર્ગાબહેન પણ સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન બે વાર જેલમાં ગયાં હતાં. નારાયણ બાળપણમાં ગાંધીજી સાથે સાબરમતી તથા સેવાગ્રામ(વર્ધા)ના આશ્રમોમાં રહ્યા હતા. તેમણે શાળાનો અભ્યાસ સાબરમતી આશ્રમ તથા ગૂજરાત વિદ્યાપીઠના વિનયમંદિરમાં કર્યો હતો. ત્યારબાદ ગાંધીજી અને મહાદેવભાઈની દેખરેખ હેઠળ જાતે અભ્યાસ કર્યો. તેઓ ગાંધીજીને વર્તમાનપત્રો વાંચી સંભળાવતા. નારાયણભાઈએ ‘વસ્ત્રવિદ્યા’ એટલે કાંતણ-વણાટ તથા ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, હિંદી, બંગાળી, મરાઠી અને ઊડિયા ભાષાઓનો અભ્યાસ કર્યો છે.
1942ની ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન તેમણે ઓલપાડ તાલુકાનાં ગામોમાં ફરીને તલાટીઓ તથા પોલીસ પટેલો પાસે રાજીનામાં અપાવ્યાં હતાં. 1947માં તેઓ વેડછી(જિ. સૂરત)ની ગ્રામશાળામાં જોડાયા અને 1952 સુધી મોહનભાઈ પરીખ સાથે તેનો હવાલો સંભાળ્યો. વિનોબા ભાવેએ ભૂદાન ચળવળ શરૂ કરી ત્યારે તેમણે ગ્રામશાળા છોડી અને જૂન, 1952માં તેમાં જોડાયા. ગુજરાતમાં આશરે 12 હજાર કિમી.ની પદયાત્રા કરીને તેમણે 1,215 હેક્ટર જમીન મેળવી અને બીજી 1,215 હેક્ટર જમીન જમીનવિહોણા મજૂરોને વહેંચી. 1958માં તેમણે ગુજરાતમાં વિનોબાની પદયાત્રા ગોઠવી ને તેમની સાથે ફર્યા. તેઓ 1952થી અખિલ ભારત સર્વસેવા સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય હતા. 196૦માં વારાણસીમાં આ સંગઠનના વિદ્યાલયમાં તેઓ જોડાયા. તેમણે ભારતના પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે લેબેનૉનના બ્રુમાનામાં ભરાયેલ વિશ્વ શાંતિસેના(world peace brigade)ની પરિષદમાં ભાગ લીધો હતો. 1962માં અખિલ ભારત શાંતિસેના મંડળ સ્થાપવામાં આવ્યું ત્યારે જયપ્રકાશ નારાયણ તેના અધ્યક્ષ અને નારાયણ તેના મંત્રી બન્યા. જયપ્રકાશે 1971માં તેનું અધ્યક્ષપદ છોડ્યા બાદ નારાયણ 1971થી 1978 સુધી તેના કન્વીનર રહ્યા. તેમણે બાંગ્લાદેશના નિર્વાસિતોની રાહતનું કાર્ય ઉપાડી લીધું. શાંતિસેનાના કાર્ય માટે તેઓ શેખ મુજીબુર રહેમાનને મળ્યા ત્યારે મુજીબે બાંગ્લાદેશમાં કાર્ય કરવા શાંતિસેનાને વિનંતી કરી, પરંતુ કમનસીબે ભારત અને બાંગ્લાદેશની સરકારોએ તેમાં રસ લીધો નહિ. દેસાઈએ 1978થી 1981 સુધી રાષ્ટ્રીય લોકસમિતિના મંત્રી તરીકે કામ કર્યું. તેમણે શાંતિસેનામાં 12 હજાર સ્વયંસેવકોની ભરતી કરી હતી. દેશમાં અમદાવાદ, ભિવંડી, કૉલકાતા, રૂરકેલા સહિત 15 મોટાં રમખાણોમાં દરમિયાનગીરી કરીને તેમણે શાંતિ સ્થાપી હતી. યુવાશાંતિદળ(youth peace corps)ના કાર્ય માટે તેઓ દસ હજાર જેટલા યુવકોના સંપર્કમાં આવ્યા. તેમણે 3૦ દેશોની યુવકપ્રવૃત્તિઓનો તુલનાત્મક અભ્યાસ રજૂ કરતું પુસ્તક હિંદીમાં ‘વિશ્વ કી તરુણાઈ’ નામથી પ્રગટ કર્યું. ચેકોસ્લોવૅકિયાના શાંત પ્રતિકાર વિશે લખેલા તેમના પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ ‘ટૅન્ક સામે લોક’ નામથી પ્રગટ થયો છે.
નારાયણભાઈ એશિયન રીજિયન ઑવ્ ધ વર્લ્ડ પીસ બ્રિગેડની સમિતિના સભ્ય હતા. તેઓ 1966થી 1973 સુધી આંતરરાષ્ટ્રીય યુદ્ધવિરોધી સમિતિના સભ્ય પણ હતા. 1959માં ઘાના(આફ્રિકા)માં ભરાયેલ વર્લ્ડ એસેમ્બ્લી ઑવ્ યૂથના અધિવેશનમાં તેમણે હાજરી આપી હતી. 1961–62માં તેમણે વિશ્વ શાંતિસેનાના કાર્ય માટે કેટલાક દેશોની મુલાકાત લીધી. અહિંસાની તાલીમ આપવા માટે તેઓ 1965માં ઇટાલીના પેરૂગિયા ગયા હતા. ગાંધી શતાબ્દીના વર્ષ 1969માં તેમણે પ્રવચનો આપવા માટે સોવિયેત સંઘ તથા યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિશ્વપ્રવાસ યોજ્યો હતો. તેમણે ‘દુષ્કાળ વિરુદ્ધ યુવાન’ (Youth against Famine) નામની યોજના 1973માં ભારત સરકાર સમક્ષ રજૂ કરી. આયોજન પંચે તે યોજના સ્વીકારી અને તદનુસાર 65 હજાર યુવકોને તાલીમ આપવામાં આવી. ગુજરાતના નવનિર્માણ આંદોલનને ટેકો આપતા હોવા છતાં તેની હિંસક પદ્ધતિના વિરોધમાં તેમણે અને બબલભાઈ મહેતાએ 1974માં ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા. જયપ્રકાશ નારાયણને વેલોરમાં ઑપરેશન કરાવવાનું હતું, ત્યારે બિહારની ચળવળને દોરવણી આપવાની જવાબદારી તેમણે નારાયણ દેસાઈ તથા બીજાઓને સોંપી. તેમણે સોળ મહિના સુધી તે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમની આગેવાની હેઠળ ‘બિહાર બંધ’નો કાર્યક્રમ તથા દરેકમાં એક લાખથી વધારે લોકોનાં એવાં ત્રણ સરઘસ કાઢવામાં આવ્યાં. તેમને બિહારમાંથી હદપાર કરવામાં આવ્યા ત્યારે તેમણે અન્ય રાજ્યોમાં જઈને તે ચળવળનો પ્રચાર કર્યો.
1975માં દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે નારાયણ દેસાઈ ગુજરાતમાં આવ્યા અને ‘સરમુખત્યારશાહીને સમજીએ’, ‘કૉંગ્રેસજનોં કો ખુલા પત્ર’, ‘અહિંસક પ્રતિકાર’ તથા ‘અહિંસક પ્રતિકારની પદ્ધતિઓ’ – એમ ચાર પુસ્તિકાઓ પ્રગટ કરી. તેમાંની પ્રથમ ત્રણ ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો. તેમણે ગુજરાતી સામયિક ‘ભૂમિપુત્ર’માં લેખો લખ્યા. તેમાંના એક લેખ માટે સરકારે ‘ભૂમિપુત્ર’ વિરુદ્ધ અદાલતમાં કેસ કર્યો અને દેસાઈ પણ તે કાનૂની લડાઈમાં જોડાયા. કટોકટી દરમિયાન તેમણે હિન્દીમાં ‘યકીન’ અખબાર શરૂ કર્યું, પરંતુ સરકારે રૂપિયા પચીસ હજારની જામીનગીરી માગવાથી તે બંધ કરીને તેમણે સાઇક્લોસ્ટાઇલ કરેલ અંકો પ્રકટ કર્યા. 1975માં સરદાર પટેલની શતાબ્દી ઊજવવા માટે તેમણે એક પદયાત્રા બારડોલીથી સાબરમતી અને બીજી પદયાત્રા પોરબંદરથી સાબરમતી સુધીની યોજી. તે 2 ઑક્ટોબર(ગાંધીજયંતી)ના રોજ શરૂ થઈ અને 31 ઑક્ટોબર (સરદાર પટેલ જયંતી)ના રોજ પૂરી થઈ. તેમણે ‘હૅન્ડબુક ફૉર શાંતિસૈનિક્સ’, ‘ટોવર્ડ્ઝ એ નૉન-વાયોલન્ટ રેવૉલ્યૂશન’ અને ‘હૅન્ડબુક ફૉર સત્યાગ્રહીઝ’ પુસ્તકો પ્રગટ કર્યાં છે. ગાંધીજીનાં સંસ્મરણો વર્ણવતા તેમના ગુજરાતી પુસ્તક ‘સંત સેવતાં સુકૃત વાધે’ને ગુજરાત સરકારે પુરસ્કાર આપ્યો હતો. તેનો હિન્દી, મરાઠી, તમિળ, મલયાળમ તથા અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો છે. આ ઉપરાંત તેમણે હિંદી તથા અંગ્રેજીમાં અન્ય પુસ્તકો લખ્યાં છે. તેમણે તેમના પિતા મહાદેવભાઈનું જીવનચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ નામથી લખ્યું છે. તેને 1993માં ભારતીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ ઉપરાંત દર્શક ફાઉન્ડેશન તરફથી રૂપિયા એક લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું.
તેમણે ગાંધીજીનું વિસ્તૃત જીવનચરિત્ર ‘‘મારું જીવન એ જ મારી વાણી’’ શીર્ષક હેઠળ ચાર ભાગમાં લખ્યું છે. તેમને ગુજરાત સાહિત્ય સભા તરફથી ઈ. સ. 2૦૦1માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. તેમને ભારતીય જ્ઞાનપીઠ તરફથી 2૦૦8માં ‘સરસ્વતી સન્માન’ તથા ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ તરફથી 2૦13માં ‘સવ્યસાચી ઍવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગાંધીજી વિશે તેમણે ‘ગાંધીકથા’ કહેવાના કાર્યક્રમો કર્યા છે. તેમને 1999માં જમનાલાલ બજાજ ઍવૉર્ડ, તથા 1998માં યુનેસ્કો તરફથી મદનજિત સિંહ ઇનામ અહિંસા અને સહિષ્ણુતાના પ્રચાર માટે મળ્યાં છે. તેમને 2૦૦4માં ભારતીય જ્ઞાનપીઠ તરફથી મહાત્મા ગાંધીનું જીવનચરિત્ર લખવા માટે 18મો મૂર્તિદેવી ઍવૉર્ડ એનાયત થયો છે. તેઓ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદે પણ રહી ચૂક્યા છે.
જયકુમાર ર. શુક્લ