દેસાઈ, નાનુભાઈ (જ. 19૦2, કાલિયાવાડી, નવસારી; અ. 1967) : પ્રારંભિક સ્ટન્ટ ચલચિત્રોના નિર્માતા તથા દિગ્દર્શક. મુંબઈ આવી અરદેશર ઈરાની(1886–1969)ની સ્ટાર ફિલ્મ કંપનીમાં જોડાયા. દોરાબશા કોલા અને નવરોજી પાવરી સાથે ભાગીદારી કરી. 1924માં સ્થપાયેલી સરસ્વતી ફિલ્મમાં ભોગીલાલ દવેના સાથી બન્યા. 1925માં દવે સાથે તેમણે સ્થાપેલા શારદા સ્ટુડિયોનો પાયો નંખાયો. 1929માં સરોજ ફિલ્મ કંપની સ્થાપી, જેનું નામ પાછળથી સરોજ મૂવીટોન કરાયું. સાગર કંપનીના વિભાજન પછી તેમણે અમર પિક્ચર્સની સ્થાપના કરી. 1923થી 1928ના ગાળામાં 2૦ ચલચિત્રોનું નિર્માણ કર્યું. તેમાં મુખ્યત્વે સ્ટન્ટ-કથાઓ તથા બહારવટિયા જેવાની કથાઓ વણી. ઉદાહરણ : ‘ચાંપરાજ હાડો’ (1923), ‘બાજીરાવ મસ્તાની’ તથા ‘મુંબઈની મોહિની’ (1926), ‘ભેદી ત્રિશૂલ’ (1927), ‘માયા મહેલ’ (1928). અંતિમ વર્ષોમાં પક્ષીરાજ સ્ટુડિયોમાં સામગ્રી-અધિકારી તરીકે કાર્ય કર્યું.

લઘુબંધુ ધીરુભાઈ દેસાઈ (19૦8–9૦) મુંબઈમાં જે. જે. કલાશાળામાં પ્રશિક્ષણ લઈ 1927માં તેમના શારદા સ્ટુડિયોમાં જોડાયા. 1933માં વિષ્ણુ સિનેટોન નામનો ધ્વનિ-અંકનની સુવિધાવાળો પોતાનો સ્વતંત્ર સ્ટુડિયો સ્થાપ્યો. 1928થી 1975 સુધીમાં તેમણે 64થી વધારે હિંદી-ગુજરાતી ચિત્રો ઉતાર્યાં. તેમાં મોટાભાગનાં ચિત્રો પૌરાણિક કથાઓ પર આધારિત હતાં. બીજાં સ્ટન્ટ-ચિત્રો હતાં; કોઈક સામાજિક કથાનક ધરાવતાં હતાં. ધીરુભાઈએ પહેલું ચિત્ર 1928માં ‘માયાના રંગ’ તથા છેલ્લું 1975માં ‘ડાકૂ ઔર ભગવાન’ આપ્યું.

બંસીધર શુક્લ