દેસાઈ, ધીરુભાઈ અંબેલાલ (જ. 9 મે 192૦, સૂરત) : પ્રખર ધારાશાસ્ત્રી તથા ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. પિતા જૂના મુંબઈ રાજ્યના મહેસૂલ ખાતાના અમલદાર. પ્રાથમિક શિક્ષણ દિહેણ અને સૂરત ખાતે. સૂરતની એમ.ટી.બી. કૉલેજમાંથી 1942માં ગ્રૅજ્યુએટ તથા સાર્વજનિક લૉ કૉલેજમાંથી 1944માં એલએલ.બી. થયા. ત્યારપછી સાર્વજનિક લૉ કૉલેજમાં કાયદાના પ્રાધ્યાપક તરીકે માનાર્હ કામગીરી બજાવી. 1945માં સૂરતમાં વકીલાત શરૂ કરી (1945–6૦) અને ફોજદારી કાયદાના ક્ષેત્રમાં નામના મેળવી. 196૦માં આસિસ્ટન્ટ જજ નિમાયા અને પછી સમયાન્તરે ડિસ્ટ્રિક્ટ જજ અને 1968માં ગુજરાતની વડી અદાલતના ન્યાયાધીશ નિમાયા.

1973માં લેબર લૉ કમિટીના ચૅરમૅન બન્યા. સરકારી કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ, માધ્યમિક અને પ્રાથમિક શિક્ષકો અને ગુજરાત યુનિવર્સિટીના બિનશૈક્ષણિક કર્મચારીઓના વેતનમાળખામાં રાજ્યના પે કમિશનના ચૅરમૅન તરીકે ધરખમ સુધારા કર્યા. 1977માં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ નિમાયા, જ્યાંથી 1985માં નિવૃત્ત થયા. મજૂર કાયદા સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે ગુજરાત સરકારને સેવાઓ આપી હતી. તદુપરાંત ન્યાયિક સુધારણા સમિતિના સભ્ય તરીકે તેમણે કામગીરી કરી. ઑગસ્ટ, 1985માં ત્રણ વર્ષ માટે લૉ કમિશનના અધ્યક્ષ નિમાયા; તે જ અરસામાં ન્યાયિક સુધારણા આયોગના  ચૅરમૅન તરીકે નિમાયા અને ભારતના ન્યાયતંત્રને સ્પર્શતા 18 હેવાલ સુપરત કર્યા.

ધીરુભાઈ અંબેલાલ દેસાઈ

તેમણે ઇન્ડો-જર્મન ફ્રેન્ડશિપ સોસાયટીના પ્રતિનિધિ તરીકે જર્મનીની મુલાકાત લીધી હતી.

તેઓ ગુજરાત રાજ્ય કાનૂની સહાય સમિતિના ઉપપ્રમુખ, બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદના કુલપતિ અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સેનેટના સભ્ય હતા. ઘણાં વર્ષ સુધી સૂરતની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સદસ્ય હતા. હાલ તેઓ સૂરતમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.

તેમણે અનેક વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપેલાં, જેમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સ્મારક વ્યાખ્યાન, ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન વ્યાખ્યાન, સી. એમ. ગાંધી સંશોધનસંસ્થા વાર્ષિક વ્યાખ્યાન અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં સરદાર પટેલના બંધારણીય યોગદાન વિશેના વ્યાખ્યાનનો સમાવેશ થાય છે.

‘લૉ ઑવ્ ક્રાઇમ્સ’ના બે ગ્રંથ; ‘લૉ રિફૉર્મ્સ ઇન ઇન્ડિયા’ અને ‘સોશિયલ જસ્ટિસ’ – એ તેમનાં પુસ્તકો તથા કાયદાવિષયક સંખ્યાબંધ લેખો પ્રસિદ્ધ થયાં છે.

ચિનુપ્રસાદ વૈ. જાની