દેસાઈ, દિનકરરાવ નરભેરામ (જ. 1 જુલાઈ 1889, ગોધરા, જિ. પંચમહાલ; અ. 21 એપ્રિલ 1959, મુંબઈ) : સ્વાતંત્ર્યસેનાની. કૉંગ્રેસ-પક્ષના નેતા. મુંબઈ રાજ્યના શિક્ષણ, કાયદો અને નાગરિક પુરવઠા મંત્રી.
ભરૂચમાં માધ્યમિક શિક્ષણ લીધા બાદ દિનકરરાવ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1910માં બી. એ. તથા 1912માં એમ.એ. થયા. 1913માં એલએલ.બી. થઈને તેમણે ભરૂચમાં વકીલાત શરૂ કરી. તેઓ દીવાની શાખાના અગ્રણી વકીલ, તથા ભરૂચ જિલ્લા વકીલમંડળના બે વર્ષ માટે પ્રમુખ હતા.
દિનકરરાવે 1917થી સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓ આરંભી, એ વર્ષે ભરૂચ નગરપાલિકાના સભ્ય ચૂંટાયા તથા 1935 પર્યંત તેના સભ્ય રહ્યા. તે દરમિયાન 9 વર્ષ તેમણે તેના પ્રમુખ તરીકે, 17 વર્ષ ભરૂચ મ્યુનિસિપલ શાળામંડળના અધ્યક્ષ તરીકે તથા 3 વર્ષ જિલ્લા શાળામંડળના અધ્યક્ષ તરીકે કામ ર્ક્યું. આ દરમિયાન તેમણે ભરૂચ જિલ્લામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું. મુંબઈ ઇલાકામાં આ પગલું ભરનાર ભરૂચ જિલ્લો પ્રથમ હતો.
તેમણે સવિનય કાનૂનભંગની ચળવળમાં 193૦ અને 1932માં, 194૦–41ના વ્યક્તિગત સત્યાગ્રહમાં તથા 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લઈને આશરે ચાર વરસનો કારાવાસ ભોગવ્યો હતો. તેમણે ભરૂચ જિલ્લા કૉંગ્રેસ સમિતિના મંત્રી તથા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સભ્ય તરીકે કામ કર્યું હતું. તેમણે 1935–37 દરમિયાન ગુજરાત ખેડૂત રાહત સમિતિના કોષાધ્યક્ષ તરીકે ખેડૂતોને માટે રાહતનાં કાર્યો કર્યાં. 1937માં તેઓ મુંબઈની ધારાસભાના સભ્યપદે ચૂંટાયા તથા ધારાસભાના પ્રતિનિધિ તરીકે મુંબઈ યુનિવર્સિટીની સેનેટના સભ્ય તરીકે ચૂંટાઈને 1937થી 1944 સુધી કામ કર્યું.
મુંબઈની ધારાસભાના સભ્ય તરીકે 1946માં તેઓ ફરી વાર ચૂંટાયા અને બી. જી. ખેરના મંત્રીમંડળમાં કાયદો તથા નાગરિક પુરવઠા મંત્રી નિમાયા. આ દરમિયાન ડિસેમ્બર, 1948માં વૉશિંગ્ટનમાં ભરાયેલ સંયુક્ત રાષ્ટ્રોની ખોરાક અને ખેતીવિષયક સંસ્થાના ચોથા અધિવેશનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. તેમણે મુંબઈ રાજ્યમાં રોજિંદી જીવનજરૂરિયાતની વસ્તુઓ લોકોને વાજબી ભાવે પૂરી પાડવાના હેતુથી મુંબઈ રાજ્ય ગ્રાહક સહકારી મંડળીની સ્થાપના કરી.
મુંબઈમાં આરે મિલ્ક કૉલોની સ્થાપવાની યોજના તેમનું મહત્વનું પ્રદાન ગણાય છે. તેમાં તેમણે પોતાની દીર્ઘર્દષ્ટિ, હિંમત તથા વ્યાપારી સૂઝ દર્શાવ્યાં. તેના પરિણામે તેમની દેખરેખ હેઠળ મુંબઈના લોકોને વાજબી ભાવે બાટલીમાં ચોખ્ખું દૂધ પૂરું પાડતી આરે મિલ્ક કૉલોની અસ્તિત્વમાં આવી. અન્ય રાજ્યોએ તેમાંથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવી એવી યોજનાનો અમલ કર્યો. આ ક્ષેત્રમાં તેમની નોંધપાત્ર સેવાની કદર રૂપે મુંબઈના નાગરિકોએ તેમને માનપત્ર આપ્યું તથા 21 જુલાઈ, 1956ના રોજ મુંબઈના તત્કાલીન રાજ્યપાલના હસ્તે આરે મિલ્ક કૉલોનીમાં તેમની તામ્રપ્રતિમા ખુલ્લી મૂકવામાં આવી.
ઈ. સ. 1952માં દિનકરરાવ મુંબઈની ધારાસભામાં પુન: ચૂંટાયા અને ધારાસભા કૉંગ્રેસ પક્ષના નાયબ નેતાપદે પણ ચૂંટાયા. તેમને કાયદો, શિક્ષણ અને મુંબઈની દૂધ-યોજનાના મંત્રી નીમવામાં આવ્યા. શિક્ષણમંત્રી તરીકે તેમણે મુંબઈ રાજ્યનાં બધાં ગામોમાં પ્રાથમિક તથા બધા જિલ્લાઓમાં ટૅકનિકલ શિક્ષણ સુવિધા વિસ્તારવાનાં પગલાં ભર્યાં. માધ્યમિક શાળાનું સંચાલન મુંબઈ પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ નોંધાયેલ ટ્રસ્ટને સોંપવામાં આવશે તો જ ગ્રાન્ટ આપવામાં આવશે એવો કાયદો તેમણે પસાર કરાવ્યો. દલિતોમાં શિક્ષણના પ્રચાર માટે તેમણે પછાત વિસ્તારોમાં નિવાસી આશ્રમશાળાઓ ખોલી. શિક્ષણમંત્રી હતા તે દરમિયાન પ્રતિવર્ષ નાટ્યમહોત્સવ, સંગીતમહોત્સવ તથા કલાપ્રદર્શન યોજીને પારિતોષિકો અને નાણાકીય મદદ કરીને લલિત કલાઓના વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રથા પાડી. પ્રાદેશિક ભાષાઓમાં લખેલાં જાણીતાં પુસ્તકોના લેખકોને પારિતોષિકો આપવાની તથા પ્રત્યેક જિલ્લામાં એક ‘ઓપન ઍર થિયેટર’ બાંધવા સ્થાનિક સત્તાને ગ્રાન્ટ આપવાની યોજના પણ તેમને આભારી છે.
ડિસેમ્બર, 1952માં યુનેસ્કો દ્વારા યોજાયેલ દક્ષિણ એશિયા તથા પૅસિફિકના દેશોમાં ફરજિયાત શિક્ષણ વિશેના અધિવેશનમાં ભારતીય પ્રતિનિધિમંડળની તેમણે આગેવાની સંભાળી. આ અધિવેશનમાં અધ્યક્ષ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી.
કાયદામંત્રી તરીકે તેમણે 195૦નો બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ્સ ઍક્ટ પસાર કરાવી, ચૅરિટી-કમિશનરોની નિમણૂક કરાવી, જે જાહેર સખાવતોની કામગીરી પર બારીક નજર રાખે છે. દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થઈ ત્યારે, 1 નવેમ્બર, 1956ના રોજ, નાદુરસ્ત તબિયતના કારણે તેમણે મંત્રીપદનો ત્યાગ કર્યો.
3 ડિસેમ્બર, 1956ના રોજ ધારવાડ મુકામે કર્ણાટક યુનિવર્સિટી દ્વારા તેમને ‘ડૉક્ટર ઑવ્ લૉઝ’ની માનદ ઉપાધિ આપવામાં આવી. તેઓ ભરૂચ કેળવણી મંડળના પ્રમુખ તથા સેવાશ્રમ હૉસ્પિટલના મૅનેજિંગ ટ્રસ્ટી હતા.
જયકુમાર ર. શુક્લ