દેસાઈ, ઠાકોરભાઈ મણિભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1903, વેગામ, દક્ષિણ ગુજરાત; અ. 15 જૂન 1971, અમદાવાદ) : ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની. કૉંગ્રેસના આગેવાન. ઠાકોરભાઈએ પ્રાથમિક શિક્ષણ વેગામની શાળામાં તથા માધ્યમિક શિક્ષણ ભરૂચ અને થાણાની હાઈસ્કૂલમાં લીધું હતું. 1919માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં દાખલ થયા. સરકારી કૉલેજો છોડવાની ગાંધીજીની હાકલને માન આપી ઇન્ટરની પરીક્ષા આપ્યા વગર જ ગુજરાત કૉલેજ તેમણે છોડી અને ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થઈ સ્નાતક થયા. કાકાસાહેબ સાથે રહી સત્યાગ્રહ આશ્રમમાં શિક્ષક તરીકે કાર્ય કરતાં ‘યંગ ઇન્ડિયા’ તથા ‘નવજીવન’ સાપ્તાહિકોનું કામ કર્યું. 1926માં વેગામ જઈને હળપતિઓના રાત્રીવર્ગો ચલાવવા ઉપરાંત તાલુકા કૉંગ્રેસ સમિતિના મંત્રી તરીકે તેમણે કૉંગ્રેસ-સંગઠનનું કામ કર્યું. 1930ની દાંડીકૂચથી આરંભીને 1942ની ‘હિંદ છોડો’ સુધીનાં રાષ્ટ્રીય આંદોલનોમાં એમણે ભાગ લઈને જેલવાસ પણ વેઠ્યો. રાષ્ટ્રીય આંદોલનોમાં ગામેગામ ફરીને સૈનિકોની ભરતી કરવી, દારૂતાડીની દુકાનો પર પિકેટિંગ, સભા, સરઘસ વગેરે લડતની પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન કરવાનું કામ એમણે સંભાળ્યું.
આ સમય દરમિયાન એમણે રાષ્ટ્રીય ભાવનાવાળા મિત્રો સાથે રહીને અને ભવિષ્યમાં આવનારી દેશની આઝાદીની લડત માટે સંગઠિત થવા મિત્રો સાથે નવસારીમાં એક હાઈસ્કૂલની સ્થાપના કરી. આ જ શાળામાંથી ભાવનાશાળી શિક્ષકો અને વિદ્યાર્થીઓનું એક મોટું જૂથ, 1942ની લડતમાં જોડાયું.
1937માં મુંબઈમાં કૉંગ્રેસનું પ્રધાનમંડળ રચાયું તેમાં મોરારજીભાઈ દેસાઈ મહેસૂલ-મંત્રી બન્યા ત્યારે તેમણે તેમના અંગત મદદનીશ તરીકે કાર્ય કર્યું.
1940માં સૂરત જિલ્લા કૉંગ્રેસ સમિતિના મંત્રી બની સૂરત જિલ્લા લોકલ બોર્ડની ચૂંટણીમાં એમણે અસરકારક ભાગ ભજવ્યો. 1942માં ‘હિંદ છોડો’ લડત ચલાવવા નવસારી પરત આવી લાલભાઈ નાયક સાથે મળીને કાર્યકરોને દોરવણી આપવા માંડી.
‘હિંદ છોડો’ લડતમાં શરૂઆતમાં ભાંગફોડની પ્રવૃત્તિનો ઠાકોરભાઈએ આગ્રહપૂર્વક વિરોધ કર્યો હતો; પરંતુ પાછળથી મર્યાદિત પ્રમાણમાં ભાંગફોડની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. એમાં સરકારી ચોરા તેમજ પટેલ-તલાટીનાં દફતરો બાળવાં, ટપાલનો સરસામાન તથા દફતરો લૂંટવાં અને બાળવાં, રેલવે-વ્યવહાર ખોરવવો વગેરે કાર્યક્રમો યોજ્યા અને પાર પાડ્યા. આ લડતમાં સરકારે એમને બે વર્ષ સુધી અટકાયત હેઠળ સાબરમતી જેલમાં પૂરી રાખ્યા. તેમણે કુલ પાંચેક વર્ષનો કારાવાસ ભોગવ્યો હતો.
ગાંધીમાર્ગે ચાલીને દેશસેવાનું ત્રિવિધ કામ કરવા ઠાકોરભાઈએ મુખ્ય ત્રણ ક્ષેત્રો પસંદ કર્યાં : (1) ગાંધીજીનાં પુસ્તકોના પ્રકાશન દ્વારા ગાંધીવિચારના પ્રચાર માટે નવજીવન, (2) રાષ્ટ્રીય કેળવણીના ધ્યેયને આગળ ધપાવવા ગૂજરાત વિદ્યાપીઠ, અને (3) રાજકીય ક્ષેત્રે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ. જીવનની છેલ્લી ક્ષણ સુધી આ ત્રણેય સંસ્થા સાથે એમનો કર્મતંતુ અતૂટ રહ્યો.
એમણે નવજીવન સંસ્થાના અદના સેવક, સંપાદક, ટ્રસ્ટી અને મૅનેજિંગ ટ્રસ્ટી સુધીની જવાબદારી અદા કરી હતી, એ જ રીતે ગૂજરાત વિદ્યાપીઠના એક વેળાના વિદ્યાર્થી હતા અને છેવટે તેઓ તેના કુલનાયક (vice-chancellor) પણ થયા હતા. નવજીવનની એમની કામગીરી દરમિયાન એમણે કેટલાક ઉત્તમ અનુવાદો ગુજરાતીમાં આપ્યા. આમાં વિનોબાનાં બે જાણીતાં મરાઠી પુસ્તકો – ‘ગીતાપ્રવચનો’ અને ‘સ્થિતપ્રજ્ઞદર્શન’નો, જવાહરલાલ નેહરુના એક ગ્રંથનો ‘ઇન્દુને પત્રો’ એ નામે અને અશોક મહેતા તથા અચ્યુત પટવર્ધનના ગ્રંથનો ‘હિંદનો કોમી ત્રિકોણ’ એ નામે અનુવાદ કર્યો; પરંતુ ઠાકોરભાઈએ આમાંના એકેય પુસ્તક પર અનુવાદક તરીકે પોતાનું નામ મૂકવાનું પસંદ કર્યું ન હતું. 1950 સુધી નવજીવન સંસ્થામાં કામ કરી, 1950થી 1952 સુધી નવસારીમાં કૉંગ્રેસ-સંગઠનનું કામ કર્યું. પ્રદેશપ્રમુખે તેમને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મંત્રી તરીકે નીમ્યા અને અમદાવાદ ખાતે પરત આવ્યા. જીવ્યા ત્યાં સુધી ત્યાં રહ્યા. પ્રદેશ સમિતિના મંત્રીપદે રહીને એમણે યુવક કૉંગ્રેસને વિકસાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. કૉંગ્રેસના નિષ્ઠાવાન યુવાન કાર્યકરો એમના પ્રત્યે આકર્ષાયા.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મુંબઈ – એમ ત્રણ અલગ રાજ્યો થવાં જોઈએ એવી માંગણી થઈ. દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના સામે ગુજરાતમાં ભારે વિરોધ થયો અને કૉંગ્રેસ-સંગઠન તૂટવાના સંજોગો ઊભા થયા ત્યારે એમણે પોતાના અભિપ્રાયને બાજુએ રાખીને કૉંગ્રેસ-સંગઠન ટકાવવા સારુ મહાગુજરાતની ઉગ્ર ચળવળનો પોતાના જાનના જોખમે પ્રતિકાર કર્યો. આ કટોકટીની પળે એમણે હિંમત, નિર્ભયતા અને દીર્ઘર્દષ્ટિ દાખવ્યાં. મુંબઈનું વિશાળ રાજ્ય રચાયું અને આખા રાજ્યની એક જ સમિતિ બનાવવાનું નક્કી થયું ત્યારે ઠાકોરભાઈની પ્રમુખ તરીકે વરણી થઈ. એમણે હિંમતપૂર્વક તે જવાબદારી સ્વીકારી અને સૌના સહકારથી તે નિભાવી.
1960માં ગુજરાતનું અલગ રાજ્ય રચાયા બાદ 1962માં ગણદેવી મતવિસ્તારમાંથી ચૂંટણીમાં તેઓ હાર્યા. 1967ની ચૂંટણી વખતે ફરીથી આ જ મતદાર વિભાગમાંથી ચૂંટાયા અને પ્રધાનમંડળમાં નિમણૂક પામ્યા. પ્રધાનપદને એમણે લોકસેવાની તક તરીકે માન્યું હતું. પ્રધાન બનવા છતાં એમની સાદાઈ, નિખાલસતા, કાર્યકરો પ્રત્યેની મમતા યથાવત્ જળવાઈ રહી હતી. જીવનભર એમણે અંગત કારકિર્દી કે આર્થિક ઉન્નતિ માટે ચિંતા સેવી જ ન હતી. મંત્રી બન્યા પછી પણ એવી જ નિ:સ્વાર્થ વૃત્તિ એમનામાં જળવાઈ રહી હતી. એ ર્દઢપણે માનતા કે કેળવણીનું માધ્યમ ગુજરાતી જ હોવું જોઈએ અને સાત ધોરણ સુધી માતૃભાષા અને રાષ્ટ્રભાષા સિવાય બીજી કોઈ પણ ભાષાને સ્થાન ન હોવું જોઈએ. આ આગ્રહો એમણે જીવનપર્યંત સેવ્યા.
ઠાકોરભાઈના સમગ્ર જીવનપર્યંત એમની સહાનુભૂતિ હંમેશાં નીચલા થર પ્રત્યે રહી હતી અને હળપતિઓ, દૂબળાઓ પ્રત્યે હંમેશાં એમણે સહાનુભૂતિ દાખવી હતી.
પંકજ દેસાઈ