દેસાઈ, કુમારપાળ (જ. 30 ઑગસ્ટ 1942, રાણપુર) : ગુજરાતી ભાષાસાહિત્યના પ્રાધ્યાપક, સાહિત્યકાર અને જૈનદર્શનના જ્ઞાતા. વતન સાયલા, જિ. સુરેન્દ્રનગર. પિતા સાહિત્યકાર ‘જયભિખ્ખુ’ બાલાભાઈ દેસાઈ અને માતા જયાબહેન. ઘરમાં જ પિતાનું અંગત પુસ્તકાલય હાથવગું હોવાથી બાળપણથી સાહિત્યરુચિ જન્મી અને વિકસી. પિતા પાસેથી ધર્મ પ્રત્યેની અભિરુચિનો વારસો પણ એમને મળેલો છે.
અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે 1963માં બી.એ. પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલા. 1965માં ગુજરાત યુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ મેળવી. નવગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક થયા. 1977માં ‘આનંદઘન : એક અધ્યયન’ – એ વિષય પર મહાનિબંધ લખીને પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી.
1983થી ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે અને 1988થી 2004 દરમિયાન રીડર અને અધ્યક્ષ હતા. ગુજરાત યુનિવર્સિટીના આર્ટ્સ ફૅકલ્ટીના ડીન તરીકે તેમણે અનેક નવા અભ્યાસક્રમોનું આયોજન કર્યું હતું. તેઓ ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ, જૈનદર્શન, ગાંધીસંશોધન અને શાંતિશોધન – એમ પાંચ વિષયો માટેના માર્ગદર્શક છે તેમના માર્ગદર્શન હેઠળ ચોવીસ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ઉપાધિ મેળવી છે. તેમાં સાધુ-સાધ્વીજીઓએ પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. જૈન વિશ્વભારતી, લાડનૂમાં તેઓને પ્રો. એમેરિટ્સ આપવામાં આવ્યું છે.
તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં ઍડજંક્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. કુમારપાળે 11 વર્ષની ઉંમરે ‘ઝગમગ’માં અને 1962માં વીસ વર્ષની ઉંમરે ‘ગુજરાત સમાચાર’માં કટારલેખનનો પ્રારંભ કર્યો. એ જ વર્તમાન પત્રમાં તેમની ‘ઈંટ અને ઇમારત’, ‘ઝાકળ બન્યું મોતી’, ‘રમતનું મેદાન’, ‘જાણ્યું છતાં અજાણ્યું’, ‘પારિજાતનો પરિસંવાદ’ અને ‘આકાશની ઓળખ’ કટાર લોકપ્રિય બની છે. તેઓ ‘ગુજરાત ટાઈમ્સ’માં પણ ‘પાંદડું અને પિરામિડ’ નામે કટાર લખતા હતા. કટારલેખનની ચર્ચા અંગેના તેમના પુસ્તક ‘અખબારી લેખન’ (1979)ને ગુણવત્તાવાળાં પુસ્તકોની ગુજરાત સરકારની સ્પર્ધામાં પારિતોષિક મળ્યું હતું. આ ક્ષેત્રે ‘સાહિત્ય અને પત્રકારત્વ’ (1980) એ તેમણે સંપાદિત કરેલું મહત્ત્વનું પુસ્તક છે. તેમનું પ્રથમ પુસ્તક ‘વતન, તારાં રતન’ કૉલેજના અભ્યાસકાળ દરમિયાન પ્રગટ થયું હતું. તેમણે 1965માં લાલ બહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર ‘લાલ ગુલાબ’ લખ્યું હતું આ પુસ્તકની 60 હજાર નકલો વેચાઈ. ગુજરાતમાં શિષ્ટવાચન પરીક્ષામાં એ પાઠ્યપુસ્તક તરીકે પસંદગી પામ્યું હતું. 1966માં તેમણે ‘મહામાનવ શાસ્ત્રી’ નામે લાલબહાદુર શાસ્ત્રીનું વિસ્તૃત ચરિત્ર લખીને પુસ્તક તૈયાર કર્યું હતું.
કુમારપાળ પત્રકારત્વ અને રમતગમતમાં વિશિષ્ટ રસ ધરાવતા હોવાથી ‘ગુજરાત સમાચાર’માં ‘ઈંટ અને ઇમારત’ તથા ‘ઝાકળ બન્યું મોતી’ અને ‘રમતનું મેદાન’ જેવી લોકપ્રિય કટાર છેલ્લાં ત્રીસેક વરસથી લખે છે. કટારલેખનની ચર્ચા કરતા તેમના પુસ્તક ‘અખબારી લેખન’(1979)ને ગુણવત્તાવાળાં પુસ્તકોની ગુજરાત સરકારની સ્પર્ધામાં પારિતોષિક મળેલું છે. એ વિષયને લગતું બીજું પુસ્તક ‘સાહિત્ય અને પત્રકારત્વ’ 1980માં પ્રસિદ્ધ થયેલું છે. રમતના સમીક્ષક તરીકે છેલ્લાં 35 વર્ષથી જુદાં જુદાં અખબારોમાં કૉલમ આપતા કુમારપાળના રમતગમતના સાહિત્યમાં વિશિષ્ટ ભાત પાડતા પુસ્તક ‘અપંગનાં ઓજસ’(1973)ને ગુજરાત સરકાર તરફથી દ્વિતીય પારિતોષિક મળેલું છે. ઉપરાંત તે પુસ્તકને માટે ‘સંસ્કાર ઍવૉર્ડ’ પણ લેખકને એનાયત થયેલો. અપંગના ઓજસની ગુજરાતીમાં છ આવૃત્તિ, હિંદીમાં ત્રણ આવૃત્તિ અને અંગ્રેજીમાં બે આવૃત્તિ થઈ છે. આ પુસ્તક બ્રેઈલ લિપિમાં પણ તૈયાર થયું છે. પત્રકારત્વમાં વિશિષ્ટ યોગદાન માટે તેમને ‘યજ્ઞેશ શુક્લ ઍવૉર્ડ’ અને ‘નવચેતન રૌપ્ય ચંદ્રક’ પણ એનાયત થયા છે. ક્રિકેટને લગતાં એમનાં પુસ્તકો ‘ભારતીય ક્રિકેટરો’, ‘ટેસ્ટ ક્રિકેટના વિશ્વવિક્રમો’, ‘ક્રિકેટ રમતાં શીખો’ ભાગ 1 અને ભાગ 2ના અંગ્રેજી, મરાઠી અને હિંદીમાં અનુવાદ થયેલા છે.
ચરિત્ર, બાળસાહિત્ય, પ્રૌઢસાહિત્ય, નવલિકા, ચિંતન, સંશોધન, વિવેચન વગેરેનાં એમનાં 150 જેટલાં પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. ગુજરાત સરકારની બાળસાહિત્ય સ્પર્ધામાં ‘લાલ ગુલાબ’ (1965) ચરિત્રને પ્રથમ પુરસ્કાર અને ‘ડાહ્યો ડમરો’(1967)ને દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયેલ. ભારત સરકાર આયોજિત બાલસાહિત્ય સ્પર્ધાઓમાં ‘કેડે કટારી ખભે ઢાલ’ (1969) અને ‘બિરાદરી’ (1971) બેઉને પ્રથમ પારિતોષિક મળેલાં. ‘મોતીની માળા’(1975)ને પ્રૌઢસાહિત્યની સ્પર્ધામાં પારિતોષિક મળેલું. ઉપરાંત ‘મોતને હાથતાળી’ (1973) અને ‘હૈયું નાનું, હિંમત મોટી’ (1976) એ બંનેને એન.સી.ઈ.આર.ટી.ની ઓગણીસમી અને વીસમી રાષ્ટ્રીય બાલસાહિત્ય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલાં. ‘મહામાનવ શાસ્ત્રી’ (1966), ‘વીર રામમૂર્તિ’ (1976), ‘સી.કે.નાયડુ’ (1978), ‘બાળકોના બુદ્ધિસાગરસૂરીશ્વરજી’ (1979), ‘ભગવાન ઋષભદેવ’ (1983), ‘ફિરાક ગોરખપુરી’ (1984), ‘ભગવાન મલ્લિનાથ’ (1989), ‘આત્મજ્ઞાની શ્રમણ કહાવે’ (1989), ‘ભગવાન મહાવીર’ (1990), ‘અંગૂઠે અમૃત વરસે’ (1992), લેખક જયભિખ્ખુનું જીવનચરિત્ર ‘જીવતરની વાટે, અક્ષરનો દીવો’ (2014) એ ચરિત્રો તથા ‘વતન, તારાં રતન’ (1965) અને ‘ઝબક દીવડી’ (1975), ‘સીતાહરણ’ (1977), ‘રામ-વનવાસ’ (1977), ‘પરાક્રમી રામ’ (1977), ‘નાની ઉંમર, મોટું કામ’ (1978), ‘વીર હનુમાન’ (1978), ‘ભીમ’ (1980), ‘ચાલો પશુઓની દુનિયામાં’ ભાગ 1, 2 અને 3 (1980), ‘ઢોલ વાગે ઢમાઢમ’ (1993), ‘વાતોનાં વાળુ’ (1993), ‘સાચના સિપાહી’ (1993) વગેરે તેમની બાલસાહિત્યની કૃતિઓ છે.
‘એકાન્તે કોલાહલ’ (1976) એમનો વાર્તાસંગ્રહ છે. તે ઉપરાંત ‘સુવર્ણમૃગ’ (1985), ‘બિંદુ બન્યાં મોતી’ (1986), ‘ભવની ભવાઈ’ (1987), ‘મોતના સમંદરનો મરજીવો’ (1987), ‘વ્યક્તિ અને સમષ્ટિ’ (1989), ‘અગમ પિયાલો’ (1989), ‘એકસો ને પાંચ’ (1989), ‘આંખ અને અરીસો’ (1989), ‘લોખંડી દાદાજી’ (1992) અને ‘કથરોટમાં ગંગા’ (1993) વગેરેથી ગુજરાતી વાર્તાસાહિત્યમાં વિશિષ્ટ ઉમેરો થયો છે.
તેમણે સંખ્યાબંધ સંપાદનો કર્યાં છે. ‘આનંદઘન ચોવીસી’ સૌથી જૂની હસ્તપ્રતોને આધારે કરેલું 22 સ્તવનોનું સંપાદન છે. ‘જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ’(1970)નું પણ સંપાદન એમણે કરેલું છે. ‘શંખેશ્વર મહાતીર્થ’ (1936) ‘કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથ’ (1979), ‘શબ્દશ્રી’ (1980), ‘જયભિખ્ખુની જૈન ધર્મકથાઓ’ 1-2 (1985), ‘હૈમસ્મૃતિ’ (1989), ‘એકવીસમી સદીનું બાળસાહિત્ય’ (2012), ‘બાલસાહિત્ય સંગોષ્ઠિ’ (1985), શ્રી ચં. ચી. મહેતાના રેડિયોનાટકોનું સંપાદન ‘અદાવત વિનાની અદાલત’ (2017), ‘સરદારની વાણી’ ભાગ 1થી 3 (2001), ‘બાળસાહિત્યમાં વિજ્ઞાનકથા’ (2010) વગેરે તેમનાં નોંધપાત્ર સંપાદનો છે
એમનાં સંશોધનોમાં ‘જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક’ (1979), ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ’ (1982), ‘ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ’ (1988), ‘વાચક મેરુસુંદરકૃત બાલાવબોધ’ (1990) ઇત્યાદિનો સમાવેશ થાય છે. ‘શબ્દસંનિધિ’ (1980) લેખસંગ્રહમાં એમનાં વિવેચનો છે.
ધર્મ અને ચિંતન એમનાં વિશેષ રુચિનાં ક્ષેત્રો છે. ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શન ઉપરનાં એમનાં પ્રવચનોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ઇંગ્લૅન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કૅનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હૉંગકૉંગ વગેરે દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમજ અન્યથા અપાયેલાં તેમનાં વ્યાખ્યાનો પ્રશંસા પામ્યાં છે. 1993માં શિકાગોમાં અને 1999માં દક્ષિણ આફ્રિકાના કૅપટાઉનમાં યોજાયેલી વર્લ્ડ પાર્લમેન્ટ ઑવ્ રિલિજન્સમાં તથા 1994માં વૅટિકનમાં પોપ જૉન પૉલ(બીજા)ની મુલાકાત લેનાર પ્રતિનિધિમંડળમાં જૈન ધર્મના અગ્રણી તરીકે ધર્મચર્ચા કરી હતી. ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જૈનોલૉજી’ નામની વિશ્વવ્યાપી સંસ્થાના તે ભારત ખાતેના મેનેજિંગ ટ્રસ્ટી છે.
1984થી 1996 સુધીમાં પ્રતિવર્ષ વિદેશોમાં એમનાં વ્યાખ્યાનો યોજાતાં રહ્યાં છે. આ ક્ષેત્રની તેમની પ્રવૃત્તિના અભિવાદન રૂપે ઇંગ્લૅન્ડમાં ‘હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ’, ઉત્તર કૅલિફૉર્નિયાના જૈન કેન્દ્ર દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’, ‘નાનુભાઈ સુરતી સંસ્કૃતિ ઍવૉર્ડ’ ઉપરાંત ‘જૈન જ્યોતિર્ધર ઍવૉર્ડ’, ‘ગુજરાત રત્ન ઍવૉર્ડ’, ‘હરિ ૐ આશ્રમ ઍવૉર્ડ’, ‘ગુજરાતરત્ન ઍવૉર્ડ’ અને 1980માં જુનિયર ચેમ્બર્સ તરફથી ભારતની દસ યુવાન પ્રતિભા અંગેનો ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયેલ. આ ઉપરાંત જૈનરત્ન ઍવૉર્ડ, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી નર્મદ પારિતોષિક, સાહિત્ય ગૌરવ પુરસ્કાર, ‘અનાહતા’ને શ્રેષ્ઠ નવલકથા માટે નર્મદ સાહિત્ય સભા તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે
આ રીતે સમાજ, ધર્મ અને રાષ્ટ્રને ઉપયોગી કામગીરી કરતા કુમારપાળ ‘શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ’ દ્વારા સાહિત્યિક અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને તેના ટ્રસ્ટી છે. ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’, ‘શ્રી મહાવીર માનવકલ્યાણ કેન્દ્ર’, ‘વિદ્યાવિકાસ ટ્રસ્ટ’, ‘અનુકંપા ટ્રસ્ટ’, ગુજરાત સાહિત્યસભા, ગુજરાત વિદ્યાસભા વગેરેમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. પ્રા. અનંતરાય રાવળ સ્મારક સમિતિ, શ્રી ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિના પ્રમુખ, ‘શ્રી સમસ્ત જૈન સેવા સમાજ’ અને ‘ભારત જૈન મહામંડળ’ના તેઓ ઉપપ્રમુખ છે. ‘અખિલ ભારત જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ’ અને ‘યશોવિજય જૈન ગ્રંથમાળા’માં મંત્રી તરીકે કાર્ય કરે છે. તેઓ 2006માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા.
એમનાં ચિંતનાત્મક લખાણોમાં ‘ઝાકળ બન્યું મોતી’ ભાગ 1, 2, 3 (1983), ‘માનવતાની મહેક’ (1984), ‘તૃષા અને તૃપ્તિ’ (1986), ‘શ્રદ્ધાંજલિ’ (1994), ‘જીવનનું અમૃત’ (1996), ‘દુ:ખની પાનખરમાં આનંદનો એક ટહુકો’ (1997) વગેરે ગણાવી શકાય.
તેમણે આફ્રિકન લેખક ઑસ્ટિન બુકેન્યાની નાટ્યકૃતિનો ગુજરાતી અનુવાદ ‘નવવધૂ’ (2002) નામે કર્યો હતો.
કુમારપાળે ગુજરાતી ઉપરાંત હિન્દી અંગ્રેજી ભાષાઓમાં પણ લેખન કર્યું છે. ‘જિનશાસન કી કીર્તિગાથા’ (1998), ‘અપાહિજ તન, અડિગ મન’ (2002), ‘ત્રૈલોક્યદીપક રાણકપુર તીર્થ’ (2007), ‘ભારતીય ક્રિકેટ’, ‘ક્રિકેટ કે વિશ્વવિક્રમ’, ‘ક્રિકેટ કૈસે ખેલે ?’ ભાગ 1-2, તેમનાં હિન્દી પુસ્તકો છે. તેમણે અઢાર જેટલાં અંગ્રેજી પુસ્તકો પણ આપ્યાં છે.
‘તીર્થંકર શ્રી મહાવીર’ (1986), ‘સ્ટૉરીઝ ફ્રૉમ જૈનિઝમ’ (1988), ‘નૉન-વાયલન્સ’ (1990), અને ‘ફરગિવનેસ’ (1990),‘ક્ષમાપના’ (1990), ‘ગ્લોરી ઑવ્ જૈનિઝમ’ (1998), ‘એસેન્સ ઑવ્ જૈનિઝમ’ (2000), ‘રોલ ઑવ્ વુમન ઇન જૈન રિલીજીયન’ (2000), જર્ની ઑવ્ અહિંસા (2002), શ્રીમદ રાજચંદ્ર એન્ડ મહાત્મા ગાંધી (2017) વગેરે એમનાં નોંધપાત્ર અંગ્રેજી પ્રકાશનો છે.
અમેરિકા અને કૅનેડાનાં તમામ કેન્દ્રોને આવરી લેતા ‘ફેડરેશન ઑવ્ જૈન ઍસોસિયેશન ઑવ્ નૉર્થ અમેરિકા’ (JAINA) દ્વારા અમેરિકા સિવાયના અન્ય દેશોમાં જૈન સાહિત્ય, સંશોધન અને દર્શન અંગે મહત્વની કામગીરી બજાવનારને અપાતો ‘પ્રેસિડન્ટ સ્પેશિયલ ઍવૉર્ડ’ કૅનેડાના ટૉરન્ટોમાં 1997ના જુલાઈમાં યોજાયેલા દ્વિવાર્ષિક અધિવેશનમાં ડૉ. કુમારપાળને એનાયત થયો હતો. 2004માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ના ખિતાબથી સન્માનિત કર્યા છે. 2022માં બ્રિટનની પાર્લમેન્ટના વિલ્સન હૉલમાં હ્રિચનના મિનિસ્ટર ઑવ્ ફૅઇથ બેરોનેસ સ્કોટ દ્વાર અહિંસા ઍવૉર્ડ અને 2024માં શ્રી હેમચંદ્રાચાર્ય ચંદ્રક એનાયત થયો છે.
મુકુન્દ પ્રા. શાહ
અનિલ રાવલ