દેસાઈ, કાનજીભાઈ (જ. 1886, સૂરત; અ. 6 ડિસેમ્બર 1961, સૂરત) : ગુજરાતના સ્વાતંત્ર્યસેનાની. કૉંગ્રેસના આગેવાન. તેમનું નામ ક્ધૌયાલાલ નાનાભાઈ દેસાઈ હતું. એમના પૂર્વજો ઓલપાડના જાગીરદાર હતા. એમના દાદા રતિલાલ સૂરતમાં રહેતા હતા. કાનજીભાઈ 1901માં મૅટ્રિક પાસ થયા પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા. ત્યાં પ્રીવિયસની પરીક્ષા પસાર કર્યા પછી પિતાની માંદગીને લીધે અભ્યાસ છોડ્યો. 1902થી એમનું જાહેર જીવન શરૂ થયું. 1905ની બંગભંગની લડત વખતે એમણે સ્વદેશીનું વ્રત લીધું. એ પછી જિંદગીભર ખાદીધારી રહ્યા. તેમણે સૂરતમાં સૌપ્રથમ સ્વદેશીની દુકાન શરૂ કરાવી હતી. 1907માં મુંબઈ પ્રાંતિક રાજકીય પરિષદમાં તેઓ ઓલપાડ તાલુકામાંથી 300 પ્રતિનિધિઓ સાથે હાજર રહ્યા હતા. 1907માં સૂરતમાં યોજાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં તેઓ સ્વાગત સમિતિના સભ્ય હતા. 1909માં ઓલપાડ તાલુકામાં એમણે દારૂબંધીનો પ્રચાર તથા ‘કાસદ’ નામનું પત્ર શરૂ કર્યું હતું. એ પત્ર 1914માં પ્રથમ વિશ્વયુદ્ધને કારણે બંધ પડ્યું હતું.

1916માં શ્રીમતી ઍની બેસન્ટે હોમરૂલ ચળવળ શરૂ કરતાં તેઓ એમાં જોડાયા અને સૂરતની હોમરૂલ ચળવળના નેતા બન્યા. 1919માં સૂરતમાં ગુજરાત રાજકીય પરિષદ મળી તેના તેઓ મંત્રી હતા. એ પછી તેઓ ગાંધીજી અને હિંદી રાષ્ટ્રીય મહાસભાના અનુયાયી બન્યા. બારડોલી સત્યાગ્રહ પછી દેશના નેતાઓનો ઉતારો એમના ઘેર રહેતો. તેઓ 1931થી 1951 સુધી સૂરત જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ રહ્યા. 1938માં સૂરત જિલ્લાના હરિપુરા મુકામે સુભાષચંદ્ર બોઝના પ્રમુખપ્રદે હિંદી રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન મળ્યું તેના તેઓ મહામંત્રી હતા. તેઓ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિશ્વાસુ સાથી હતા. 1946થી 1956 સુધી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે તેમણે નોંધપાત્ર સેવાઓ આપી હતી.

કાનજીભાઈ દેસાઈ

કાનજીભાઈએ સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લઈને 1930માં નવ મહિના, 1932માં બે વર્ષ, 1940માં એક વર્ષ અને 1942માં બે વર્ષ, એમ ચાર વખત જેલની સજા ભોગવી હતી. એમનાં પત્ની રાધાબહેન, પુત્રો પ્રમોદભાઈ તથા હિતેન્દ્રભાઈ અને પુત્રી રોહિણીએ પણ સ્વાતંત્ર્ય-આંદોલનમાં ભાગ લઈ જેલ ભોગવી હતી. હિતેન્દ્રભાઈ તો 1965માં ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી બન્યા હતા. કાનજીભાઈ નવ વર્ષ સુધી ગુજરાત પ્રદેશ સમાજ શિક્ષણ સમિતિના પ્રમુખ હતા. એ ઉપરાંત, તેઓ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના પ્રમુખ અને નવજીવન ટ્રસ્ટ, મહાદેવ દેસાઈ ટ્રસ્ટ તથા સરદાર સ્મારક ટ્રસ્ટના સભ્ય પણ હતા. તેઓ સૂરત જિલ્લા સહકારી ઔદ્યોગિક મંડળી અને ગુજરાત સંકટનિવારણ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ હતા. તેઓ 1946માં ચૂંટાયેલી બંધારણસભાના તથા 1952માં ચૂંટાયેલી પ્રથમ લોકસભાના સભ્ય હતા. એમની સ્મૃતિમાં સૂરતમાં કાનજીભાઈ દેસાઈ સમાજશિક્ષણ ભવનની સ્થાપના થઈ છે, જે વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ કરે છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી