દેસાઈ, કે. ટી. (જ. 24 મે 1901; અ. 30 જાન્યુઆરી 1977) : ગુજરાતની વડી અદાલતના દ્વિતીય મુખ્ય ન્યાયમૂર્તિ. આખું નામ કાન્તિલાલ ઠાકોરદાસ દેસાઈ. 1927માં ઍડવોકેટ બન્યા. 1930માં મુંબઈ વડી અદાલતની ઓરિજિનલ સાઇડ (O.S.) પર ઍડવોકેટ તરીકે નોંધાયા. ટૂંકસમયમાં સમર્થ ધારાશાસ્ત્રી તરીકે નામના પ્રાપ્ત કરી. 1957માં મુંબઈની વડી અદાલતમાં ન્યાયાધીશ નિમાયા.

મે, 1960માં અલાયદા ગુજરાત રાજ્યની સ્થાપના થતાં નવા રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશ તરીકે બદલી થઈ. નૅશનલ બૅન્ક ટ્રિબ્યૂનલના અધ્યક્ષ તરીકે પણ કામગીરી બજાવી. 1961માં ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા અને 1963માં નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી બેનેટ કોલમૅન ઍન્ડ કંપનીના બોર્ડ ઑવ્ ડિરેક્ટર્સના અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી. તેમનાં પુત્રી સુજાતા મનોહર હાલ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ છે.

ચિનુપ્રસાદ વૈ. જાની