દેસાઈ, એસ. વી. (જ. 2 ઑગસ્ટ 1901, અમદાવાદ; અ. 10 નવેમ્બર 1976, અમદાવાદ) : અગ્રણી કેળવણીકાર તથા કુશળ વહીવટકર્તા. આખું નામ સુરેન્દ્ર વૈકુંઠરાય દેસાઈ. માતાનું નામ વિજયાગૌરી. મૂળવતન અલીણા, જિલ્લો ખેડા. ગુજરાતમાં અનુસ્નાતક કક્ષાની બેવડી પદવી ધરાવતી પ્રથમ વ્યક્તિ (ડબલ ગ્રૅજ્યુએટ), નામાંકિત ન્યાયમૂર્તિ તથા અગ્રણી રાજપુરુષ અંબાલાલ સાકરલાલ દેસાઈના તેઓ પૌત્ર તથા મુંબઈની હોમરૂલ લીગના આગેવાન વૈકુંઠરાય દેસાઈના તેઓ પુત્ર હતા. તેમણે 1918માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા પસાર કરી સમગ્ર બૉર્ડમાં સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ મુંબઈની જાણીતી એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસક્રમ ઉચ્ચ ગુણવત્તા સાથે પૂરો કરી 1921માં ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં જોડાયા, જ્યાં એક વર્ષના અભ્યાસક્રમમાં મુક્તિ (exemption) મેળવી જૂન, 1923માં અર્થશાસ્ત્ર, ઍડવાન્સ બૅંકિંગ, આંકડાશાસ્ત્ર અને ઇન્શ્યોરન્સના વિષયો સાથે બી.એસ.ની સ્નાતક પદવી ‘એ’ ગ્રેડ સાથે તથા એક વર્ષ બાદ 1924માં એમ.એસ.ની અનુસ્નાતક પદવી ‘એ’ ગ્રેડમાં પ્રાપ્ત કરી, જેમાં તેમણે ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવનાર વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવતા ‘બીટા-ગૅમા-સિગ્મા’નું બહુમાન મેળવ્યું હતું. ઉપર્યુક્ત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રના વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી વિદ્યાર્થી હતા.

એસ. વી. દેસાઈ

સ્વદેશ પાછા આવ્યા બાદ થોડાક સમય માટે તેમણે ‘ઇન્ડિયન ઇકૉનૉમિક્સ’ નામના અઠવાડિકમાં સેવાઓ આપી અને ત્યારબાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં 1926–27 દરમિયાન વરિષ્ઠ પ્રાધ્યાપક અને અર્થશાસ્ત્ર વિભાગના વડા તરીકે કામ કર્યું. ત્યારબાદ થોડાક સમય માટે સિંધિયા સ્ટીમ નૅવિગેશન કંપનીમાં પણ કામ કર્યું હતું. 1930–34ના ગાળામાં તેમણે સૂરતની જાણીતી ઉચ્ચશિક્ષણ સંસ્થા એમ.ટી.બી. કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું, જ્યાં તેમણે અર્થશાસ્ત્ર જેવા વિષયો ઉપરાંત અંગ્રેજી વિષયનું અધ્યાપન પણ કર્યું હતું. આ અરસામાં તેમને મુંબઈ યુનિવર્સિટીએ અનુસ્નાતક-કક્ષાએ અધ્યાપનકાર્ય કરવા માટેની માન્યતા પ્રદાન કરી હતી.

જૂન, 1936માં તેઓ અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. જ્યાં જૂન, 1944માં તેમને આચાર્ય તરીકે પસંદ કરવામાં આવ્યા. તેમના આચાર્યપદના આ સમયગાળા દરમિયાન તેમણે ગુજરાત યુનિવર્સિટીની સેનેટ સિંડિકેટ અને એકૅડેમિક કૉન્સિલ જેવા ઉચ્ચ કક્ષાના સત્તામંડળોમાં સક્રિય તથા હકારાત્મક ભૂમિકા ભજવી હતી. થોડાક સમય માટે તેમણે ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ-પદે પણ કામ કર્યું હતું. કૉલેજના આચાર્યના પદ પરથી તેઓ જૂન 1969માં નિવૃત્ત થયા હતા.

એસ. વી.ના હુલામણા નામથી શિક્ષણજગતમાં જાણીતા બનેલા આચાર્ય દેસાઈ રાષ્ટ્રીય રંગે રંગાયેલા હતા અને 1942ની ‘ભારત છોડો’ લડતની પૂર્વતૈયારી રૂપે તેમણે આજીવન ખાદી પહેરવાનું વ્રત ધારણ કર્યું હતું. તદ્દન સાદી રહેણીકરણી અને ઉચ્ચ શૈક્ષણિક વિચારસરણી ધરાવતા એસ. વી. દેસાઈ રાષ્ટ્રીય કક્ષાના ઘણા નેતાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા, જેમાં મીનુ મસાણી, યૂસુફ મહેરઅલી, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા નેતાઓનો વી. કે. આર. વી. રાવ, એમ. એલ. દાંતવાલા અને સી. એલ. ઘીવાલા જેવા અર્થશાસ્ત્રીઓ અને આચાર્ય એસ. આર. ભટ્ટ, ડૉ. એ. એમ. ત્રિવેદી, ડૉ. એન. એમ. શાહ, પ્રા. પુરષોત્તમ માવળંકર જેવા શિક્ષણકારોનો સમાવેશ થતો હતો. ‘સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટ’ના ટ્રસ્ટી તરીકે તેમણે આજીવન સેવાઓ આપી હતી. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાળા, શ્રી રામુ પંડિત, ડૉ. બિહારીભાઈ કનૈયાલાલ અને જાણીતા સાહિત્યકારો ચુનીલાલ મડિયા અને બકુલ ત્રિપાઠી તેમના વિદ્યાર્થી હતા.

તેમના કાર્યકાળ દરમિયાન એચ. એલ. કૉમર્સ કૉલેજે માત્ર અમદાવાદ કે ગુજરાતમાં જ નહિ, પરંતુ ગુજરાતની બહાર તથા વિદેશમાં પણ ઉચ્ચશિક્ષણની અગ્રણી સંસ્થા તરીકે નામના મેળવી હતી. અણિશુદ્ધ ચારિત્ર્ય, હકારાત્મક શૈક્ષણિક અભિગમ તથા કડક શિસ્તના આગ્રહી તરીકે આચાર્ય દેસાઈની સર્વત્ર ખ્યાતિ હતી.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ