દેસાઈ, એમ. એન. (જ. 8 જાન્યુઆરી 1931, અમદાવાદ; અ. 14 જાન્યુઆરી 2009, અમદાવાદ) : જાણીતા રસાયણવિદ અને કેળવણીકાર. આખું નામ મહેન્દ્ર નાનુભાઈ દેસાઈ. માતાનું નામ લલિતાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુખ્યત્વે નવસારીમાં. 1952માં નવસારીની એસ. બી. ગાર્ડા કૉલેજમાંથી ગુજરાત યુનિવર્સિટીની બી.એસસી.ની પદવી મેળવ્યા બાદ વધુ અભ્યાસ માટે તેઓ અમદાવાદની એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા. 1954માં એમ.એસસી.ની તથા તે પછી ડૉ. એ. એમ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સંશોધનકાર્ય કરી 1959માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. આ જ સંસ્થામાં તેમણે 1956થી 1959 સુધી ડેમૉન્સ્ટ્રેટર તરીકે સેવાઓ આપી હતી.

એમ. એન. દેસાઈ

1959માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના રસાયણવિભાગમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા અને 1963માં રીડર તથા 1975માં પ્રોફેસર બન્યા. 1971થી 1990 સુધી તેઓએ ગુજરાત યુનિવર્સિટીના રસાયણવિભાગના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ સંભાળેલી. તેમના સંશોધનનાં ક્ષેત્રોમાં ધાત્વિક સંક્ષારણ (metallic corrosion), વૈશ્લેષિક રસાયણ (analytical chemistry) અને વીજરસાયણ(electrochemistry)નો સમાવેશ થાય છે. તેમના માર્ગદર્શન હેઠળ 30 જેટલા વિદ્યાર્થીઓએ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે. સંશોધનકાર્યના ફળ-સ્વરૂપે તેમના 250 જેટલા સંશોધનલેખો દેશ-વિદેશનાં જાણીતાં સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે. તેમના સંશોધનકાર્યની કદર રૂપે તેમને 1974માં ગુજરાત યુનિવર્સિટીએ ડી.એસસી.ની પદવી બહાલ કરી હતી. અત્યાર સુધી આ યુનિવર્સિટીમાંથી આ પદવી પ્રાપ્ત કરનાર તેઓ એકમાત્ર સંશોધક છે.

1985–87 દરમિયાન ડૉ. દેસાઈએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાના, 1988–94 દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના તથા 1994–96 દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી-(અમદાવાદ)ના કુલપતિ તરીકે સેવાઓ આપી હતી. આ ગાળા દરમિયાન તેમણે 1986માં પેનાંગ (મલેશિયા), 1989માં મેરીલૅન્ડ (યુ.એસ.), 1990માં ઍટલાન્ટા(યુ.એસ.)ની તથા 1993માં સ્વાનસી(યુ.કે.)ની મુલાકાત લીધી હતી. 1994માં તેમણે ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયન યુનિવર્સિટીઝના ઉપપ્રમુખ તરીકે તથા 1992–96 દરમિયાન ગુજરાત સાયન્સ એકૅડેમીના પ્રમુખ તરીકે ફરજો બજાવેલી. 1993–94 અને 1995–96 દરમિયાન તેઓ ઍસોસિયેશન ઑવ્ કૉમનવેલ્થ યુનિવર્સિટીઝની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય હતા. 1994માં બોટ્સવાના (દ. આફ્રિકા) તથા 1995માં ઍબર્ડીન(યુ.કે.)ની તેમણે મુલાકાત લીધી હતી.

બાદમાં તેમણે અમદાવાદની લૉ સોસાયટીના સ્વનિર્ભર અભ્યાસક્રમોના કોઑર્ડિનેટર તરીકે તથા ગાંધીનગરની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કોઑપરેટિવ મૅનેજમેન્ટ (NICM)ના માનદ મંત્રી તરીકે સેવાઓ આપવાનું શરૂ કર્યું હતું જે જીવનના અંત સુધી ચાલુ રાખેલું. 1997થી તેઓ અમેરિકન બાયૉગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચ બોર્ડના સલાહકાર પણ હતા.

ડૉ. દેસાઈ 1965થી સળંગ આડત્રીસ વર્ષ સુધી ગુજરાત યુનિવર્સિટીની કૉર્ટ(સેનેટ)ના સભ્ય રહ્યા હતા. યુનિવર્સિટીનાં અન્ય સત્તામંડળો જેવાં કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, એકૅડેમિક કાઉન્સિલ, સાયન્સ ફૅકલ્ટી, બૉર્ડ ઑવ્ સ્ટડીઝ, વગેરેના સભ્ય તરીકે પણ તેમણે બહુમૂલ્ય સેવાઓ આપી છે.

તેમના સંશોધનકાર્યના ફળ-સ્વરૂપે બ્રિટિશ કાઉન્સિલ દ્વારા તેમની વરણી થતાં 1966માં તેઓ માન્ચેસ્ટર ખાતે ડૉ. ટી. કે. રોસ સાથે સંશોધનકાર્યમાં જોડાયા હતા. તે પછી જાપાન સોસાયટી ફૉર પ્રમોશન ઑવ્ સાયન્સ દ્વારા નિમંત્રણ મળતાં તેમણે 1974માં યામાનાશિ યુનિવર્સિટી(કોફુ)માં તથા 1978માં ઇન્ડો–યુ.એસ. ઍક્સ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ પૅન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી(યુ.એસ.)માં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે માનદ સેવાઓ આપી હતી.

1991માં યુ.જી.સી.એ તેમને માનાર્હ પ્રાધ્યાપક તરીકે નીમેલા. તેમના સંશોધનકાર્ય બદલ ડૉ. દેસાઈને 1971માં ગુજરાત યુનિવર્સિટીનો ‘ડૉ. કે. જી. નાયક ચંદ્રક’, 1972માં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્સ(ઇન્ડિયા)નો ‘કૂપર ચંદ્રક’, 1976માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(રાજકોટ)નો ‘ચાંપરાજભાઈ શ્રોફ ઍવૉર્ડ’ તથા 1988માં ઍસોસિયેશન ઑવ્ કેમિકલ ટૅકનૉલૉજિસ્ટ્સ(ઇન્ડિયા)નો ‘શ્રી એન. એચ. શાહ મેમોરિયલ લેક્ચર ઍવૉર્ડ’ પ્રાપ્ત થયેલા. વિજ્ઞાનના ક્ષેત્રે તેઓના પ્રદાન બદલ તેમને 1991માં ગુજરાત સરકારનો ‘ડૉ. વિક્રમ સારાભાઈ ઍવૉર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને ઇલેક્ટ્રૉકેમિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા(બૅંગાલુરુ)નો ‘મેસ્કોટ ઍવૉર્ડ’, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક સ્ટડીઝનો ‘લોકશ્રી ઍવૉર્ડ’ જેવા ઍવૉર્ડ પણ એનાયત થયેલા.

સ્નાતક અને અનુસ્નાતક-કક્ષા માટે ઉપયોગી એવાં 12 જેટલાં પુસ્તકો તેમણે લખ્યાં છે. બે ભાગમાં પ્રસિદ્ધ થયેલ ‘ધાત્વિક ક્ષારણ’ નામના ગ્રંથ બદલ તેમને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (યુ.જી.સી.) અને કેન્દ્રીય શિક્ષણ ખાતા તરફથી 1981માં રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

આ ઉપરાંત રાસાયણવિજ્ઞાનમાં ખૂબ ઉપયોગી એવો લગભગ 1750 પાનાંનો એક વિસ્તૃત કોશ, ‘પારિભાષિક કોશ : રસાયણ-વિજ્ઞાન’ (ખંડ 1 અને 2) તેમણે તૈયાર કર્યો હતો જે 2008માં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. પ્રાદેશિક ભાષામાં પ્રગટ થયેલ આ પ્રકારનો આ કદાચ પહેલો કોશ છે.

જ. દા. તલાટી