દેશી નામમાલા (1880) : હેમચંદ્રરચિત દેશી શબ્દોનો કોશ. તેનાં ‘દેશી-શબ્દસંગ્રહ’ અને ‘રત્નાવલી’ એવાં નામો પણ જાણીતાં છે. સંસ્કૃત ભાષાના તત્સમ કે તદભવ ન હોય, ધાતુમાંથી તેને સાધવાની પ્રક્રિયા વગરના, જેનાં પ્રકૃતિ અને પ્રત્યય બતાવી ના શકાય તેવા, ધાતુના પ્રાકૃતમાં આદેશમાંથી બનેલા હોય તેવા અને પ્રાકૃત ભાષામાં બહોળા પ્રચારમાં હોય તેવા શબ્દોનો આ કોશમાં હેમચંદ્રે સંગ્રહ કર્યો છે. સંસ્કૃત ભાષાથી તદ્દન જુદા અર્થમાં પ્રાકૃત ભાષામાં પ્રયોજાતા હોય તેવા સંસ્કૃત શબ્દો, દ્રવિડ કુળની ભાષાઓ અને અરબી તથા ફારસી ભાષાના કેટલાક શબ્દો પણ આ કોશમાં સ્થાન પામ્યા છે. ભારતના વિશિષ્ટ પ્રદેશોમાં અને વિશિષ્ટ જાતિઓમાં વપરાતા શબ્દો અનેકાનેક હોવાથી અને જેનો અર્થ તરત જ ખબર પડી જાય તેવા શબ્દો તેમાં આપવામાં આવ્યા નથી.
પ્રસ્તુત શબ્દકોશમાં આઠ વર્ગો છે. પહેલા વર્ગમાં સ્વરથી આરંભાતા, બીજા વર્ગમાં ક વર્ગના વ્યંજનોથી આરંભાતા, ત્રીજા વર્ગમાં ચ વર્ગના વ્યંજનોથી આરંભાતા, ચોથા વર્ગમાં ટ વર્ગના વ્યંજનોથી આરંભાતા, પાંચમા વર્ગમાં ત વર્ગના વ્યંજનોથી આરંભાતા, છઠ્ઠા વર્ગમાં પ વર્ગના વ્યંજનોથી આરંભાતા, સાતમા વર્ગમાં ર, લ અને વ થી આરંભાતા અને આઠમા વર્ગમાં સ થી આરંભાતા દેશી શબ્દો આપવામાં આવ્યા છે. પ્રાકૃત ભાષામાં ઙ્, ઞ્, ય્, શ્ અને ષ્ થી શરૂ થતા દેશી શબ્દો ન હોવાથી તે લેખક આપી શક્યા નથી. વળી પહેલા વર્ગમાં 174, બીજામાં 112, ત્રીજામાં 62, ચોથામાં 51, પાંચમામાં 63, છઠ્ઠામાં 148, સાતમામાં 96 અને આઠમા વર્ગમાં 77 શ્લોકોમાં કુલ 4,821 જેટલા દેશી શબ્દો લેખકે અર્થ સાથે આપ્યા છે. તેના પરની સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકામાં કેટલીક વાર ઉદાહરણ સાથે આ શબ્દોને લેખકે સમજાવ્યા છે.
તુલનાત્મક ભાષાશાસ્ત્રની ર્દષ્ટિએ આ મહત્વના કોશનું પ્રકાશન ડૉ. રિચાર્ડ પિશેલે સર્વપ્રથમ 1880માં કરેલું. એ પછી 1938માં પી.બી. રામાનુજસ્વામીએ આ કોશ પ્રગટ કર્યો, મુરલીધર બૅનરજીએ કલકત્તા યુનિવર્સિટીમાંથી પણ 1931માં પ્રગટ કર્યો છે એ નોંધવું જોઈએ.
દેવેન્દ્રકુમાર શાસ્ત્રી