દેશી નાટક સમાજ (1889થી 1980) : ગુજરાતની વ્યવસાયી નાટકમંડળી. 1889માં અધ્યાપક કેશવલાલ શિવરામે જૈન કથા-સાહિત્યમાંથી એક હૃદયસ્પર્શી ગતિશીલ કથાને કેવળ ગીતોમાં આલેખી ‘સંગીત લીલાવતી’ નામે નાટ્યસ્વરૂપ આપ્યું. આ નાટકે ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીને આકર્ષ્યા. લેખક સાથે કરાર કરી એમણે અમદાવાદમાં શ્રી દેશી નાટક સમાજની સ્થાપના કરી. આ પૂર્વે ગુજરાતી રંગમંચ પર ઐતિહાસિક, પૌરાણિક અને કરુણાંત કથાનકવાળાં સામાજિક નાટકો ભજવવાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. શરૂઆતના ગાળામાં સાદા પડદા, તાડછાની વિંગ પાછળ વાંસનો ટેકો આપી રંગમંચ ખડો કરવામાં આવતો. નાટકમાં ‘દુનિયાનું દર્પણ રૂડું’ એવા પ્રધાન ઉદ્દેશની સાથે લોકરંજન કરાવવાનો હેતુ પણ હતો. ડાહ્યાભાઈ પોતે નાટ્યકાર, દિગ્દર્શક અને સંગીતકાર પણ હતા. એટલે શરૂઆતમાં ‘સતી સંયુક્તા’ (1892), ‘વીર વિક્રમાદિત્ય’ (1892), ‘અશ્રુમતી’ (1895), ‘વીણાવેલી’ (1899) જેવાં ભિન્ન રસ અને કથાનકવાળાં નાટકો ભજવી લોકપ્રિયતા પ્રાપ્ત કરી. વ્યવસાયી રંગભૂમિને અનુરૂપ નાટ્યનિયોજનની સાથે હાસ્યરસ પણ એમાં આવતો.

1896ના મે માસની આખરે કંપની મુંબઈ ગઈ અને ગેઈટી થિયેટરમાં પેટાભાડૂત તરીકે રહી નાટકો ભજવ્યાં. ઉત્તરોત્તર નાટકોને સફળતા મળતાં કમાણીમાંથી કંપનીએ મુંબઈમાં એમ્પાયર થિયેટરની બાજુની જગા ઉપર ‘દેશી નાટકશાળા’ નામનું કાચું નાટ્યઘર 1900માં બાંધ્યું. એ પછી શેઠ ત્રિભુવનદાસ મંગળદાસે 1905માં પાકું નાટ્યઘર બાંધ્યું. ભાંગવાડીનું નામ પડતાં જ વ્યવસાયી રંગભૂમિ અને દેશી નાટક સમાજનું સ્મરણ થાય છે.

આ કંપનીના ‘માલવપતિ’ (1924), ‘વડીલોના વાંકે’ (1938), ‘સંપત્તિ માટે’ (1941), ‘ગાડાનો બેલ’ (1946), ‘સામે પાર’ (1947), ‘સર્વોદય’ (1952) જેવાં નાટકોને અસાધારણ લોકપ્રિયતા મળી. ‘વડીલોના વાંકે’ નાટક તો પાંચસો કરતાં વધારે વાર ભજવાયું. વ્યવસાયી રંગભૂમિ ઉપર દ્વિઅંકી નાટકો દેશી નાટક સમાજના રંગમંચ પર ભજવાયાં. નાટક લોકરુચિ કેળવવાનું માધ્યમ છે અને કુટુંબીજનો એકસાથે બેસીને જોઈ શકે એવાં સ્વચ્છ અને ધ્યેયલક્ષી નાટકો ભજવવાનો શિરસ્તો કંપનીએ જાળવ્યો. ‘અશ્રુમતી’ (1895) અને ‘વીણાવેલી’ (1899) નાટકોમાં રંગમંચ પર ગરબો મૂકી ગરબાના સ્વરૂપને ઘેરઘેર ગુંજતું કરેલું. ‘ઉમા દેવડી’ (1898) નાટકમાં સાચા વરસાદનું ર્દશ્ય રજૂ કર્યું. ચતુર્થ નાટ્ય મહોત્સવ પ્રસંગે ક. મા. મુનશીના હસ્તે કંપનીનાં માલિક ઉત્તમલક્ષ્મીબહેનને પ્રાણલાલ દેવકરણ નાનજી વિજયપદ્મ 12 સપ્ટેમ્બર, 1960ની રાત્રે આપવામાં આવેલો. આ પ્રસંગે જૂની અને નવી રંગભૂમિના નટોએ કવિ પ્રભુલાલ દ્વિવેદીનું ‘વિદ્યાવારિધિ’ નાટક ભજવેલું. આ પૂર્વે 10મી ફેબ્રુઆરી, 1958ની રાત્રિએ ‘વડીલોના વાંકે’ નાટક પણ જૂની અને નવી રંગભૂમિના નટોએ ભજવ્યું હતું. જૂની અને નવી રંગભૂમિનો સેતુ દેશી નાટક સમાજનો રંગમંચ હતો. સમાજસેવા, રાષ્ટ્રસેવાના કાર્યમાં સતત મદદગાર થનાર આ સંસ્થાએ પોતાનાં નટનટીઓ, દિગ્દર્શકો, નાટ્યકારો, નેપથ્યના કસબીઓને પણ પોષ્યા છે. 1961માં સંસ્થાના દિગ્દર્શક કાસમભાઈને દિગ્દર્શન માટે રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મળ્યો. સંસ્થાએ પોતાનો અમૃતમહોત્સવ 15 ઑક્ટોબર, 1964ની રાત્રિએ નાટ્યોત્સવ સાથે ઊજવેલો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન્ અને ઉપરાષ્ટ્રપતિ ઝાકિર હુસેન પધાર્યા હતા. ગુજરાતી નાટક અને રંગભૂમિને રચનાત્મક વેગ આપનાર આ કંપની સૌથી લાંબું આયુષ્ય ભોગવી 1980માં વેચાઈ ગઈ.

દિનકર ભોજક