દેશી ચાષ (Indian Roller or Blue Jay) : ભારતમાં ગુજરાતમાં જોવા મળતું એક સુંદર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Caracias benghalensis. હિંદી નામ ‘નીલકંઠ’ અથવા ‘સબજાક’ છે. તેનું બીજું નામ ‘લીલછા’ પણ છે. જોકે સામાન્ય રીતે તે ‘ચાષ’ નામે જાણીતું છે.
આછા નીલ રંગનું આ પંખી લગભગ કબૂતરના કદનું, કાબરથી મોટું અને કાગડા કરતાં નાનું – 33 સેમી.નું હોય છે. કાશ્મીરી ચાષ (Caracias garrums) યાયાવર પક્ષી (31 સેમી) શિયાળાની શરૂઆતમાં ભારતમાં આવે છે. આ રોલર પક્ષીઓ કોરાસિડી કુળનાં પક્ષીઓ છે.
તે કાબરની જેમ માપસર શરીર અને માથું ધરાવે છે. તે છાંયડામાં ધૂળિયા ભૂખરા, બદામી રંગનું હોય તેવું લાગે છે. તડકામાં તેની ડોક, પાંખો અને પૂંછડી ચળકતા ઈંટાળિયા બદામી રંગનાં લાગે છે. વળી તેમાં રૂપેરી જરી ભરી હોય તેમ લીલી ઝાંય પણ દેખાય છે. તેનું પેટાળ વાદળી રંગનું હોય છે. પાંખ ને પૂંછડીમાં રહેલો લીલાશ પડતો વાદળી ને જાંબલી રંગ દેખાઈ આવે છે. તેના માથાનું તાલકું લીલાશ પડતા આછા વાદળી રંગનું અને જરા ચપટું હોય છે. તેથી તે કાબરથી જુદું તરી આવે છે.
તે ઝાડની ડાળી કે ટોચ પર કે વીજળીના તાર પર કે વાડી અને બગીચામાં બેઠેલું જોવા મળે છે. તે ખુલ્લા ખેતરાઉ પ્રદેશનું પંખી છે. ઝાડની ટોચે બેસી આજુબાજુ ચાંપતી નજરે જમીન પર કે મોલમાંનાં જીવડાં પર ધસી જઈ તેમને પકડીને મૂળ જગ્યાએ બેસી તેમને પછાડી પછાડી મારી નાખી ગળી જાય છે. તેથી તે ખેતી માટે ઉપકારક કાર્ય કરે છે. તેનો મુખ્ય ખોરાક કંસારી, તીડ, ઢાલિયાં ઉપરાંત કાચિંડા, ઉંદર અને દેડકાંનો છે.
તે વિવિધ રીતે ‘કર્રકર્ર’ એવો મોટો કર્કશ અવાજ કાઢે છે. નર ચાષ હવામાં ઊડાઊડ કરીને પોતાના મનોહર રંગોનું પ્રદર્શન કરતો હોય, માદાને રીઝવતો હોય ત્યારે ઘણો ઘોંઘાટ કરે છે. તે વખતે તે રંગબેરંગી હવાઈ ખેલ કરતો ઊડાઊડ કરે છે અને હવામાં સીધો ધસી જઈને ગુલાંટો મારે છે, સીધી ડૂબકી મારે છે અને આમતેમ ફંટાતો તડકામાં તેના ઝળહળતા રંગો ચમકાવે છે. તે ઘણો સુંદર લાગે છે. નર ચાષ ગુલાંટો ખાતો હોવાથી અંગ્રેજીમાં તે ‘રોલર’ નામે ઓળખાય છે.
ચાષ ઉનાળામાં ઝાડની કુદરતી બખોલમાં ઘાસ, પીંછાં અને કચરાનો માળો બનાવે છે અને માદા તેમાં સ્વચ્છ સફેદ રંગનાં ગોળ 4થી 5 ઈંડાં મૂકે છે.
બળદેવભાઈ કનીજિયા