દેવરિયા : ઉત્તરપ્રદેશનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લાનું મુખ્ય મથક. તે નાની ગંડક નદીના પૂરગ્રસ્ત મેદાની વિસ્તારમાં આવેલું છે. તે ગોરખપુરની અગ્નિદિશામાં આશરે 50 કિમી. અંતરે વસેલું નગર છે. ભૌગોલિક સ્થાન : 26° 50´ ઉ. અ. અને 83° 50´ પૂ. રે.. આ જિલ્લાની ઉત્તરે કુશીનગર, દક્ષિણે બલિયા, નૈર્ઋત્યે ગાઝીપુર, પશ્ચિમે આઝમગઢ અને ગોરખપુર તેમજ પૂર્વે બિહાર રાજ્યના જિલ્લા આવેલા છે.

જિલ્લાના વિસ્તારમાં શેરડી, ઘઉં, ડાંગર, મકાઈ, તેલીબિયાં, જવ અને કઠોળ પેદા થાય છે, જેને લીધે દેવરિયા નગર ખેતપેદાશના ખરીદ-વેચાણના કેન્દ્ર તરીકે વિકાસ પામ્યું છે. ખાંડ તથા ખાંડ પરના પ્રક્રમણના ઔદ્યોગિક એકમો ત્યાં આવેલા છે. ઈશાન રેલવેના ગોરખપુર–છપ્રા માર્ગ પરનું તે મહત્વનું સ્થાનક છે.

જિલ્લાનો વિસ્તાર 2,538 ચોકિમી. તથા વસ્તી 31 લાખ (2011) છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે