દેવરસ, બાળાસાહેબ (જ. 5 નવેમ્બર 1915, નાગપુર; અ. 17 જૂન 1996, પુણે) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક. પૂરું નામ મધુકર દત્તાત્રેય દેવરસ. તેમનું કુટુંબ આંધ્રપ્રદેશથી આવી મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના કારંજ ગામે વસેલું. સંસ્કૃત અને તત્વજ્ઞાન સાથે 1935માં બી.એ. થયા બાદ 1937માં એલએલ.બી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. કિશોર વયે તેમને ડૉ. હેડગેવાર સાથે પરિચય થયો.
તે સમયે સંઘમાં કિશોરો માટે લવ, કુશ, ધ્રુવ, પ્રહલાદ વગેરે નામનાં પથકો ચાલતાં. ડૉ. હેડગેવારે મધુકરને ‘કુશ પથક’માં પ્રવેશ આપ્યો. ત્યારબાદ તેમણે નાયક, ગણપ્રમુખ, ઉપશાખાના મુખ્ય શિક્ષક, કાર્યવાહક જેવી જવાબદારીઓ સંભાળી હતી. સંઘની શાખાને શક્તિકેન્દ્ર તરીકે તેઓ વિકસાવતા. એલએલ.બી. થયા બાદ પિતાની ઇચ્છા વિરુદ્ધ, ડૉ. હેડગેવારની સૂચનાથી બાળાસાહેબ અનાથ વિદ્યાર્થીગૃહના શિક્ષક બન્યા. 1940માં ડૉ. હેડગેવારના નિધન બાદ નાગપુરના કાર્યવાહક બન્યા. આગળ વધીને તેઓ સહસરકાર્યવાહક થયા. આ દરમિયાન સામાજિક, રાજકીય, શૈક્ષણિક, ધાર્મિક તથા શ્રમિક ક્ષેત્રોમાં સંઘના વિચારો ફેલાવવાનું કાર્ય શરૂ થયું. ગુરુજીના અવસાન બાદ બાળાસાહેબ સરસંઘચાલક બન્યા. તેમણે સંઘ દ્વારા હિંદુ સમાજના કલંક સમાન અસ્પૃશ્યતા, જાતિભેદ, સતીપ્રથા જેવાં દૂષણો તથા સામાજિક કુરિવાજો નાબૂદ કરવાનો આગ્રહ સેવ્યો. સ્વયંસેવકોએ સમાજની સેવા કરી તેનો વિકાસ કરવાની રાષ્ટ્રીય ફરજ બજાવવા પર તેમણે ભાર મૂક્યો. વનવાસીઓ માટે કલ્યાણપ્રવૃત્તિ આરંભી હતી. તેઓ નિરભિમાની, નમ્ર તથા સેવાભાવી હતા. તેઓ કુશાગ્ર બુદ્ધિ, ઝડપી નિર્ણયશક્તિ તથા રાષ્ટ્રની સમસ્યાઓના ઉકેલ શોધવાની સૂઝ ધરાવતા હતા.
બાળાસાહેબના મતાનુસાર આ દેશમાં હિંદુઓ બહુમતીમાં રહે તો જ લોકશાહી, સમાજવાદ તથા બિનસાંપ્રદાયિકતા ટકી શકશે. કારણ કે હિંદુઓની પ્રકૃતિ જ આ માટે અનુકૂળ છે. હિંદુઓએ પરધર્મીઓનો કદી વિરોધ કર્યો નથી અને તેમની ઉપાસનાપદ્ધતિને અનુસરવાની સુવિધા આપી છે, એમ તે માનતા. લઘુમતી પંચનું કાર્યક્ષેત્ર વિસ્તારીને તેને ‘માનવ અધિકાર પંચ’ બનાવવાની તેમણે હિમાયત કરી હતી.
‘તરુણ ભારત’ (મરાઠી) તથા ‘યુગધર્મ’ (હિંદી) વર્તમાનપત્રો પ્રગટ કરનાર નાગપુરના નરકેસરી પ્રકાશનના બૉર્ડ ઑવ્ ડિરેક્ટર્સના અધ્યક્ષ તરીકે તેમણે ઘણાં વર્ષ સેવા આપી હતી. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ 1975માં લાદેલી કટોકટીનો સંઘના હજારો કાર્યકરોએ ભૂગર્ભમાં રહી સખત વિરોધ કર્યો હતો. આ દરમિયાન બાળાસાહેબ જેલમાં હતા. તેમના મતાનુસાર : (1) સત્તા પોતાના આદર્શોની પૂર્તિ માટેનું સાધન છે. (2) શાસકે યોગ્ય નેતાગીરીની બીજી હરોળ ઊભી કરવી જોઈએ અને (3) શાસનથી સામાન્ય માનવીને લાભ થવો જોઈએ. નાદુરસ્ત તબિયતને લીધે બાળાસાહેબ 1994માં સરસંઘચાલક તરીકે નિવૃત્ત થયા હતા.
નવનીત દવે