દેવયાની તારાવિશ્વ

March, 2016

દેવયાની તારાવિશ્વ (Andromeda galaxy) : આકાશગંગાની સૌથી વધારે નજીકનું Sb. પ્રકારનું સર્પિલ (spiral) તારાવિશ્વ. સ્થાનિક જૂથના  નામે જાણીતા તારાવિશ્વના નાના ગુચ્છ(cluster)નું આ સભ્ય છે. આ જૂથમાં આકાશગંગા પ્રણાલી, ત્રિકોણીય નિહારિકા (M33), નાનાં અને મોટાં મેગેલનિક વાદળો (NGC – New General Catalogue 6822) અને કેટલાંક ઝાંખાં વામન દીર્ઘવૃત્તીય તારાવિશ્વોનો સમાવેશ થાય છે. તારાગુચ્છ, નિહારિકા અને તારાવિશ્વોની નોઁધ સૂચિ(catalogue)માં કરવામાં આવે છે; જેમ કે, કર્ક નિહારિકા(Crag nebula)ને M1 અને દેવયાની તારાવિશ્વને M33 સંકેત આપેલ છે. ફ્રેન્ચ ખગોળવિદ મેશિયના નામ ઉપરથી M લેવાયો છે. NGC વિષુવાંશને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ છે.

દેવયાની તારાવિશ્વ(M31 અથવા NGC 224)નું ખાસ મહત્વ છે, કારણ કે તે નજીક હોવાથી તેની અંદરના તારાકીય તથા બીજા પદાર્થોનો વિગતવાર અભ્યાસ કરવાનું સરળ છે. અવલોકનોને આધારે સ્પષ્ટ થયું છે કે દેવયાની (M31) તારાવિશ્વ નિરપેક્ષ માનાંક MB = –9.5 ધરાવતા તેજસ્વી વાદળી તારા, સિફાઇડ પરિવર્તી તારા, તેજસ્વી વિરાટ દાનવ લાલ તારા, સંવૃત અને વિવૃત તારાના ગુચ્છ, ગ્રહીય નિહારિકા, સામાન્ય નવતારા, વાયુ અને રજ ધરાવે છે.

દેવયાની તારાવિશ્વ

સિફાઇડ પરિવર્તી તારાની આભાસી જ્યોતિને આધારે M31નું અંતર અંદાજવામાં આવ્યું છે. સિફાઇડ માટે આવર્ત સમય અને જ્યોતિના સંબંધને, તારાની આભાસી જ્યોતિ સાથે સંયોજિત કરવાથી M31નું અંતર 2.4 × 1019 કિમી. મળે છે.

ફોટોગ્રાફિક છબીને આધારે M31 દેવયાની સર્પિલ તારાવિશ્વનો મોટો વ્યાસ 1.4 × 1018 કિમી. જેટલો મળે છે.

આ નિહારિકા પોતાના કેન્દ્રની આસપાસ 2 × 108 વર્ષના આવર્તકાળ સાથે પરિભ્રમણ કરે છે. આ નિહારિકાની તક્તીમાંથી પસંદ કરેલ કેટલાક પદાર્થોના ત્રિજ્યા-વેગ(radial velocity)ની ગણતરી આ આવર્તકાળનો પુરાવો પૂરો પાડે છે. તેની ચાકગતિના આવર્તકાળને વ્યાસ સાથે જોડી દેવાથી દેવયાનીનું દળ 1011  જેટલું મળે છે, જ્યાં સૂર્યનું દળ છે, તેની જ્યોતિ MB = –20.3 મળે છે જે સૂર્યની જ્યોતિ કરતાં 2 × 1011 ગણી વધારે છે.

પ્રહ્લાદ છ. પટેલ