દેવભૂમિ દ્વારકા : સૌરાષ્ટ્રની પશ્ચિમ છેડે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 22° 15´ ઉ. અ. અને 68° 58´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. આ જિલ્લાની ઉત્તરે, પશ્ચિમે અને દક્ષિણે અરબી સમુદ્ર તથા પૂર્વ તરફ જામનગર જિલ્લો આવેલા છે. 2013ની 15 ઑગસ્ટે જામનગર જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી છે. શ્રીકૃષ્ણની યાદમાં આ જિલ્લાને દ્વારકા નામ અપાયું છે. આ જિલ્લામાં દ્વારકા, જામખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડ તાલુકાઓનો સમાવેશ થાય છે, જિલ્લામાં 228 ગામો આવેલાં છે. જિલ્લાનો વિસ્તાર 5684 ચોકિમી. તથા વસ્તી 8,78,737 (2022) જેટલી છે. જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા છે.
ભૂપૃષ્ઠ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ સ્થાનભેદે ખડકાળ અને સમતળ જોવા મળે છે. જમીનો કાંપવાળી ફળદ્રૂપ છે તે ઘેડ, ભાઠા અને કાઠીના નામે ઓળખાય છે. આ ઉપરાંત મધ્યમ કાળી અને ભૂખરી જમીનો પણ છે, જે ઘારોડ નામથી ઓળખાય છે.
વનસ્પતિ : જિલ્લો સમુદ્રકિનારે આવેલો હોવાથી તેની કેટલીક જમીનો ક્ષારીય રહે છે, પરિણામે અહીં વૃક્ષોનું પ્રમાણ નહિવત્ છે; માત્ર ઝાડી-ઝાંખરાં અને કાંટાળી વનસ્પતિ કુદરતી રીતે ઊગી નીકળે છે.
આબોહવા : જિલ્લો દરિયાકાંઠે આવેલો હોવાથી આબોહવા, ખુશનુમા રહે છે. માર્ચથી જૂન દરમિયાન તાપમાન 35° સે. જ્યારે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન 15° સે. જેટલું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 300થી 400 મિ.મી જેટલો પડે છે.
ખેતી અને પશુપાલન : જિલ્લામાં જુવાર-બાજરી જેવા ધાન્યપાકો તથા મગફળી કપાસ અને શેરડી જેવા રોકડિયા પાકો લેવાય છે. અંતરિયાળ ભાગોમાં પશુપાલન પ્રવૃત્તિ વિકસી છે, પરિણામે અહીં પશુસંવર્ધન-કેન્દ્રો ઊભાં કરાયાં છે. જિલ્લાને દરિયાકાંઠો મળેલો હોવાથી મત્સ્યપ્રવૃત્તિ વિકસી છે. તદુપરાંત દરિયાઈ કાચબાનું ઉછેરકેન્દ્ર મીઠાપુર ખાતે ઊભું કરાયું છે.
ઉદ્યોગો : જિલ્લામાં ચૂનાખડકો, કંકર અને બૉક્સાઇટનું ખનનકાર્ય થાય છે. બૉક્સાઇટની ખાણો કલ્યાણપુર અને ભાટિયા ખાતે આવેલી છે. મીઠાપુર ખાતે સોડાએશનું વિશાળ એકમ આવેલું છે; અહીં મીઠા અને બ્રોમીનનું ઉત્પાદન લેવાય છે. તેલ-શુદ્ધીકરણ અને વીજ-ઉત્પાદન મેળવવા એસ્સાર કંપની કાર્યરત છે. સિમેન્ટ બનાવવાના એકમો ઊભા કરવાનું પણ વિચારાયું છે. ભાટિયા અને ઓખા ખાતે ‘વિન્ડ ફાર્મ’ દ્વારા વીજળી મેળવાય છે. આ સિવાય ખંભાળિયા ખાતે નવા એકમો ઊભા કરવાનું પણ વિચારાયું છે.
પરિવહન : છેક પશ્ચિમ છેડે આવેલું ઓખા ભારતનાં મહત્વનાં શહેરો સાથે રેલમાર્ગથી સંકળાયેલું છે. જિલ્લામાં રાષ્ટ્રીય ધોરી માર્ગો અને રાજ્ય ધોરી માર્ગો આવેલા છે. અહીંના સમુદ્રકિનારે ઓખા, રૂપેણ, લાંબા અને પોશિત્રા જેવાં બંદરો આવેલાં છે.
દ્વારકાનો ભારતનાં મહત્વનાં ધાર્મિક સ્થાનોમાં સમાવેશ થાય છે. આ સિવાય બેટ દ્વારકા, નાગેશ્વર જેવાં યાત્રાધામો પણ છે.
દ્વારકા : વૈષ્ણવ સંપ્રદાયનું પશ્ચિમ ભારતનું મહત્વનું યાત્રાધામ. અરબી સમુદ્રના કિનારે સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના વાયવ્ય છેડે જામનગર જિલ્લામાં આવેલા ઓખામંડળ તાલુકાનું મુખ્યમથક. તે 22° 15´ ઉત્તર અક્ષાંશ તથા 68° 5´ પૂર્વ રેખાંશ પર જામનગરથી 137 કિમી. અને રાજકોટથી 217 કિમી. દૂર આવેલું છે. ‘દ્વારકા’ શબ્દ દ્વાર પરથી બન્યો છે, જે પ્રાચીન સમયમાં સમુદ્રમાર્ગે ઇજિપ્ત, અરબસ્તાનથી આવતાં વહાણો માટે ભારતનું પ્રવેશદ્વાર હતું. હાલમાં તે દ્વારકાધીશ મંદિર એટલે કે જગન્મંદિરના કારણે પ્રસિદ્ધ છે. પ્રતિવર્ષ હજારો યાત્રીઓ દર્શનાર્થે દ્વારકાની મુલાકાત લે છે.
અંગ્રેજ કર્નલ વૉકરે ઈ. સ. 1807માં ઓખામંડળના વાઘેરોને હરાવી તે પ્રદેશ કબજે કર્યો; પરંતુ હિંદુઓના યાત્રાધામ તરીકે દ્વારકાનું મહત્વ સ્વીકારીને અંગ્રેજોએ 1817માં તે પ્રદેશ વડોદરાના ગાયકવાડને સોંપ્યો. ત્યારથી વડોદરા રાજ્યનું 1949માં વિલીનીકરણ થતાં સુધી દ્વારકા ગાયકવાડની સત્તા હેઠળ રહ્યું. 1857માં આ વિસ્તારના વાઘેરોએ મૂળુ માણેકની આગેવાની હેઠળ બળવો કરીને કેટલાક પ્રદેશો કબજે કર્યા. ગાયકવાડે બ્રિટિશ લશ્કરની સહાય મેળવીને વાઘેરોને હરાવ્યા. 1959માં દ્વારકા જામનગર જિલ્લામાં સમાવી લેવામાં આવ્યું.
આદિ શંકરાચાર્યે ભારતમાં ચાર મઠ સ્થાપ્યા તેમાં દ્વારકાના શારદાપીઠના મઠનો સમાવેશ થાય છે. શારદાપીઠ વિદ્યાસભા આર્ટ્સ કૉલેજ અને સંસ્કૃત અકાદમી નામની સંશોધનસંસ્થા ચલાવે છે. દ્વારકામાં સિમેન્ટનું કારખાનું તથા ઉત્તરે ભૂશિર નજીક દીવાદાંડી આવેલાં છે. દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ઉપરાંત રુક્મિણીનું પ્રાચીન મંદિર, રણમુક્તેશ્વર મહાદેવ, મહાલક્ષ્મી, દામોદરજી, ગોવર્ધનનાથજીનાં મંદિરો આવેલાં છે. ત્યાં જામપરાનું પ્રદ્યુમ્નજીનું મંદિર ઈ. સ. 1860માં જામસાહેબ રણમલજીએ બંધાવ્યું હતું.
‘દ્વારકા’નો પ્રાચીનતમ નિર્દેશ મહાભારત આદિપર્વ(અ. 210થી 212)માં અર્જુન એક વર્ષના વનવાસના અંતભાગમાં પ્રભાસથી આવી શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનું હરણ કરી ગયો એ પ્રસંગમાં એકથી વધુ વાર થયેલો જોવા મળે છે. જરાસંધના ઉપદ્રવને કારણે મથુરાનો ત્યાગ કરી શાર્યાતોની રાજધાની કુશસ્થલીના ઉજ્જડ થઈ ગયેલા સ્થાને ‘દ્વારવતી’ (હરિવંશ, અ. 86-6થી 24) શ્રીકૃષ્ણે વસાવી અને યાદવોને લઈ જઈ, ઉગ્રસેનના રાજત્વ નીચે એને રાજધાની બનાવી. વિષ્ણુપુરાણ(5-23-13, 14)માં શ્રીકૃષ્ણે સમુદ્ર પાસેથી જમીન માગીને વસાવ્યાનો ઉલ્લેખ છે. તો ભાગવત મહાપુરાણ(10-5-50થી 54)માં ‘અંત:સમુદ્ર’માં કિલ્લેબંધ નગરી વસાવ્યાનો નિર્દેશ મળે છે, જેને સમુદ્રરૂપ ફરતી ખાઈ હતી (10-52-23). બેશક, અહીં નગરીનું નામ નથી અપાયું, પણ એ ‘દ્વારકા’ જ છે. મહાભારતના આરણ્યક પર્વ (21-1) અને આશ્વમેધિક પર્વ(51-56)માં અનુક્રમે ‘આનર્તનગર’ અને ‘આનર્તપુરી’ કહેલ છે. આરણ્યક પર્વ(14-14)માં આ પ્રદેશને ‘આનર્ત’ કહેવામાં આવ્યો છે, વિરાટપર્વ(67-15)માં પણ ‘આનર્ત’ છે, પણ ભીષ્મપર્વ(20-14)માં ‘સુરાષ્ટ્ર’ના યોદ્ધાઓ વિશે કહેવામાં આવ્યું છે. વળી આરણ્યક પર્વ(86-16થી 21)માં તીર્થો ગણાવ્યાં છે ત્યાં સુરાષ્ટ્રનાં તીર્થો ગણાવતાં ‘પ્રભાસ’, ‘પિંડારક’, ‘ઉજ્જયંત ગિરિ’ (આજનો ગિરનાર) અને ‘પુણ્યા દ્વારવતી’નો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. ‘સુરાષ્ટ્ર’ના ઉત્તર વિભાગનું નામ શાર્યાતોને કારણે ‘આનર્ત’ હોવાનું સંભવે છે. આશ્વમેધિક પર્વમાં યજ્ઞના ઘોડા સાથેના પ્રવાસમાં અર્જુન સુરાષ્ટ્ર તરફ ગયો છે ત્યાં ‘ગોકર્ણ’, ‘પ્રભાસ’ અને ‘સરસ્વતી’નો સાથે ઉલ્લેખ થયેલો હોઈ ‘પ્રભાસ’ અને ‘દ્વારકા’ સુરાષ્ટ્રમાં હોવા વિશે શંકા નથી.
ઇતિહાસકાલમાં કાર્દમક મહાક્ષત્રપ રુદ્રદામાના સમયમાં (ઈ. સ. 150ના એના શિલાલેખ – જૂનાગઢના દામોદરકુંડને રસ્તે શ્મશાન સામેના ખડક પરના-માં) ‘આનર્ત’ અને ‘સુરાષ્ટ્ર’ને જુદા ગણાવ્યા છે એનું કારણ કદાચ એ હોય કે એના સમયમાં ‘આનર્ત’ માત્ર ઉત્તર ગુજરાતના ‘સારસ્વતમંડલ’ માટે સીમિત થઈ ગયો હોય. ‘હરિવંશ’માંના પ્રામાણિક ભાગમાં તો દ્વારવતીને સિંધુરાજના ‘અનૂપ’ (પાણીથી સમૃદ્ધ) દેશમાં કહી છે (84-22). મધુના જમાઈ હર્યશ્વના પ્રસંગમાં તો ‘આનર્ત’ અને એની અંદરના ‘સુરાષ્ટ્ર’ તથા ‘અનૂપ’ની વાત કહી છે (ચિત્રશાળા પ્રેસની વાચના, હરિવંશ–વિષ્ણુપર્વ, 37–30થી 32). આમ છતાં, એમ કહી શકાય કે બંને વચ્ચે કોઈ એક પ્રકારની એકતા હતી, તો જ દ્વારકાને ‘આનર્તનગર’ અને ‘આનર્તપુર’ કહી હોય. જ્ઞાતાધર્મકથા (ઈ. સ.ની પાંચમી સદી પછી) સુરાષ્ટ્રમાં દ્વારકા હોવાનું કહે છે.
દ્વારકા ને રૈવતકગિરિનો સંબંધ મહાભારત આદિપર્વ જેટલો જૂનો છે. હરિવંશ (84-27)માં એને नातिदूरे કહ્યો છે. વળી દ્વારકા નજીક બીજા પણ શૈલ હતા : પૂર્વ દિશામાં ‘રૈવતક’, દક્ષિણ દિશામાં ‘લતાવેષ્ટ’, પશ્ચિમ દિશામાં ‘અક્ષય’ અને ઉત્તર દિશામાં ‘વેણુમાન’ (93-14થી 16). આ ચારે શૈલોની આસપાસ ‘પાંચજન્ય’, ‘ભાર્ગવન’, ‘શેતાવત’, ‘ચૈત્રરથ’ અને ‘નંદન’ નામનાં વન હતાં (93-17થી 20). વળી પૂર્વ દિશામાં ‘મંદાકિની’ નામની નદી પચાસ મોટાં મુખોથી સમુદ્રમાં પ્રવેશ કરતી હતી. જ્ઞાતાધર્મકથા અને અંતકૃદ્દશા એ જૈન આગમગ્રંથોમાં દ્વારવતીને ઈશાન ખૂણે રૈવતક અને એમાં નંદનવન કહેલ છે (અનુક્રમે અધ્યયન 5 અને 1). સંભવ એવો છે કે આ જૈન આગમનાં અને હરિવંશનાં વર્ણન કર્ણોપકર્ણ અને દંતકથાઓ દ્વારા મેળવેલાં કાલ્પનિક હોઈ શકે.
દ્વારકા–દ્વારવતીનો અને સમુદ્રનો સંબંધ તો મહાભારતના મૌસલપર્વ જેટલો જૂનો છે : સમુદ્રે શ્રીકૃષ્ણના સ્વધામગમન પછી દ્વારકાને ડુબાડી દીધી ત્યાં કહી છે (8–40). આમ પછીનાં પ્રમાણ શોધવાની જરૂર રહેતી નથી.
સમુદ્ર નજીક કે ફરતે સમુદ્ર વીંટળાયેલો હોય તેવી દ્વારકાનું સ્થળ ક્યાં હતું કે જે સમુદ્રે ડુબાડી દીધું હતું ? શ્રી આલ્તેકરે પાંચ સ્થાન સૂચવ્યાં છે (Ancient Towns and Cities of Gujarat and Kathiawad, p. 25) તેઓમાંના ગિરનારની તળેટીમાં હોવાની કોઈ શક્યતા નથી કારણ કે સમુદ્ર ઘણે દૂર છે. માધવપુર-ઘેડ તરફ દિલ લલચાય : ભગવદાલય છે, પૂર્વે અને ઈશાને બેઠી ગિરિમાળા અને વનસ્પતિ છે, ગામને ફરતો નીચાણવાળો પ્રદેશ છે, ત્રણેક કિમી. પર મધવંતી નદી છે, પરંતુ ગ્રંથસ્થ પુરાવો, એ ‘દ્વારકા’ છે એવી કોઈ અનુશ્રુતિ પણ નથી. ત્રીજું સ્થળ ઉત્તર-પશ્ચિમમાં બરડા ગિરિમાળાથી કેટલાક કિમી.ને અંતરે વિસાવાડા ગામનું છે, જ્યાં સમુદ્ર થોડો દૂર છે, પણ નજીકમાં કોઈ ડુંગરા નથી અને કોઈ પ્રાચીન અવશેષો નથી કે જેના બળ ઉપર એ ‘દ્વારકા’ હશે એમ કહી શકાય. ચોથું સ્થાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવેલા કોડીનાર નજીક મૂળ દ્વારકા ગામે સાગરકિનારા પાસે ટિંબા ઉપર જૂનું નાનું મંદિર છે, પરંતુ ગીરના ડુંગરા તો ઠીક ઠીક દૂર છે. આમ આ પણ બંધબેસતું નથી. બંધબેસતું સ્થાન આજની દ્વારકાની નિકટનો પ્રદેશ છે, જ્યાં ઈશાન કોણે જરા ઊંચી જમીન ઉપર સિમેન્ટનું કારખાનું છે. વળી દ્વારકાની ત્રણ બાજુ રુક્મિણીના મંદિરથી લઈ એ ટિંબાને પણ બહારથી વીંટો લેતી છેક ગોમતી નદી સુધીનો પ્રદેશ નીચાણવાળો છે એટલે આ સ્થાન ‘વારિદુર્ગ’ કહી શકાય. આજની દ્વારકાના જગન્મંદિરની પશ્ચિમની શેરીમાં ડૉ. હ. ધી. સાંકળિયાની આગેવાની નીચે થયેલા ખોદકામમાં આશરે છેલ્લાં 2,200 વર્ષોમાં એક ઉપર બીજી એમ ત્રણ વસાહતો જાણવામાં આવી છે (Excavation at Dwarka, p. 17). સામુદ્રીય પુરાતત્ત્વના સંશોધનમાં ડૉ. એસ. આર. રાવે પાણી નીચેથી કેટલાક અવશેષો મેળવ્યા છે તે કોઈ નગરનો અણસાર આપી રહ્યા છે. આજની દ્વારકાની પશ્ચિમમાં નજીકના ડુંગરાઓ સાથે અસલ દ્વારકા નવનિર્માણ પામ્યા પછી 50–75 વર્ષોમાં જ કોઈ વિશિષ્ટ કારણે સમુદ્રના પાણી નીચે ડૂબી ગઈ. ‘મહાભારત – મૌસલ પર્વ’ અને ‘હરિવંશ’ વાસુદેવગૃહ કે ભગવદાલય માત્ર બચી ગયાના વિષયમાં મૌન સેવે છે, જે ‘વિષ્ણુપુરાણ’ અને ‘ભાગવત મહાપુરાણ’માં જોવા મળે છે. આમ આજની દ્વારકાની વસાહત ઈ. સ. પૂ. બીજી સદી જેટલી જૂની છે.
દ્વારકાની વસ્તી 38,873 (2022).
કે. કા. શાસ્ત્રી
નીતિન કોઠારી