દેવની મોરી : ગુજરાતમાં સૌથી પ્રાચીનતમ બૌદ્ધ અવશેષો. અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે દેવની મોરી નામના સ્થળેથી બૌદ્ધ વિહાર અને સ્તૂપના અવશેષો મળી આવ્યા છે. સ્થાનિક લોકોમાં ભોજ રાજાના ટેકરા તરીકે ઓળખાતા આ સ્થળેથી મોટા કદની ઈંટો અને માટીનાં વાસણોના અવશેષો મળી આવતાં 1960માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ-વિભાગ દ્વારા ત્યા ખોદકામ કરતાં બૌદ્ધ વિહાર અને સ્તૂપના અવશેષો મળી આવ્યા.
વિહાર : વિહારનો વિસ્તાર 160 ફૂટ x 150 ફૂટ (48 x 45 મીટર)નો હતો. એનું પ્રવેશદ્વાર ઉત્તર તરફ હતું. વિહારની વચ્ચે મોટો ખુલ્લો ચોક અને એની ચારે બાજુ હરોળબંધ આઠ આઠ ઓરડીઓ હતી. ઓરડીઓ 10 x 9 ફૂટ (3 x 2.7 મીટર) જેટલા કદની હતી. ચોરમાં પાકી ઈંટોની ફરસ બંધી હતી. દીવાલો ઈંટોની બાંધેલી હતી અને એના ઉપર લંબચોરસ નળિયાનું એક ઢાળિયું છાપરું હતું. વિહારના નૈર્ઋત્ય ખૂણે મોરી હતી. વિહારનો એક વખતે સંપૂર્ણ જીર્ણોદ્ધાર થયો હોવાનું જણાય છે. વિહારની પછવાડે કોટ બાંધવામાં આવ્યો હતો. બાંધકામમાં વપરાયેલ લાકડાના કાટમાળનો નાશ થયો છે, પરંતુ લોખંડના વિવિધ પ્રકારના ખીલા, સાંકળો વગેરે મળી આવ્યા છે. દરેક ખંડને એક જ બારણું હતું. ખંડ જુદા જુદા કદના હતા.
મોટા વિહારની પૂર્વમાં એક નાના વિહારના અવશેષો ઉપલબ્ધ થયા છે. આ વિહારની રચના મોટા વિહારના જેવી જ હતી, પણ એ કદમાં નાનો હતો. તેનું પ્રવેશદ્વાર પશ્ચિમાભિમુખ હતું. આ વિહારનો માત્ર થોડો ભાગ જ તપાસવામાં આવ્યો હતો.
સ્તૂપ : મોટા વિહારની પાસેના ભોજરાજાના ટેકરાનું ખોદકામ કરતાં એમાંથી એક સ્તૂપ મળી આવ્યો. એનો ઉપલો તથા બહારનો ભાગ તૂટી ગયેલો હતો. સ્તૂપની ત્રણ પીઠિકાઓ હતી. સૌથી નીચેની પાયાની પાઠિકા 86 × 86 ફૂટ (2.5 × 2.5 મીટરની હતી. આ પીઠિકાનો ઉપયોગ પ્રદક્ષિણાપથ તરીકે થતો હશે. પીઠિકાની દરેક દીવાલમાં બાર બાર ભીંતાં pilasters – અર્ધ-ચણેલાં સ્તંભો) એવી રીતે ગોઠવાયેલાં હતાં કે દરેક દીવાલમાં બાર બાર ગાળા (સ્તંભ-અંતરાલ) પડે. આ સ્તંભોની શિરાવટીઓ(capitals)ના ઘાટમાં ભારતીય-ગ્રીક કે ભારતીય-બાહલિક અસર સ્પષ્ટ જણાય છે.
નીચલી પીઠિકાના ઉપરના ભાગમાં 8 ફૂટ(2.4 મીટર)નો પ્રદક્ષિણા-પથ રચીને એનાથી થોડા નાના કદની 70 x 70 ફૂટ (21 x 21 મીટર)ની બીજી પીઠિકા આવેલી હતી ત્યાં પણ ફરતી જગ્યામાં પ્રદક્ષિણાપથની રચના હતી. આ પીઠિકાની દીવાલમાં પણ દસ દસ ભીંતાં ગોઠવીને નવ નવ ગાળા પાડવામાં આવ્યા હતા. એમાંના પાંચમાં બુદ્ધની મૂર્તિઓ પધરાવેલી હતી. મધ્યગાળાની સ્તંભાવલિમાં પૂર્ણકુંભ તથા આસનસ્થ સિંહોની આકૃતિઓ કોતરેલી હતી. આ રૂપાંકનો તેમજ પ્રતિમાની વેશભૂષામાં ગાંધાર શિલ્પશૈલીની અસર જોવા મળે છે. આ બીજી પીઠિકાની ઉપર ત્રીજી નાની પીઠિકા હોવાની શક્યતા છે જે અંડની પીઠિકાની ગરજ સારતી હશે.
સ્તૂપની ઊંચાઈ 40 ફૂટની હતી. તેનો અંડ અર્ધ ગોળાકાર હતો. અંડના મથાળે એક ચોરસ આકાર રચી એની આસપાસ પીપળાના પાનના ઘાટવાળા (શંખાવૃત) વલયો રચવામાં આવેલાં હતા. આ કેન્દ્રની ઉપર અંડની અંદરના ભાગમાં ભગવાન બુદ્ધની પ્રતિમા મૂકેલી હતી. એની નીચે માટીના ઘડામાં પથ્થરોનો દાબડો હતો. દાબડાની બાજુઓ પર તેમજ એના તળિયા પર સંસ્કૃત પદ્યમાં અભિલેખ કોતરેલો છે. લેખ પરથી જાણવા મળે છે કે પહેલાં આ સ્થળે મહાવિહાર બંધાયો હતો અને એના આશ્રયે અગ્નિવર્મા અને સુદર્શન નામના બૌદ્ધ ભિક્ષુઓએ આ મહાસ્તૂપ બંધાવ્યો હતો. દાબડાના ઢાંકણા ઉપર બહારના બાજુના અને અંદરના ભાગમાં પાલિત્રિપિટકમાંનું પ્રતીત્ય સમુત્પાદના સિદ્ધાંતને લગતું સૂત્ર કોતરેલું છે. પથ્થરના દાબડાની અંદર તાંબાની દાબડી અને તેમાં બુદ્ધના શારીરિક અવશેષો સાચવતી સોનાની શીશી હતી. આ સ્તૂપની હર્મિકા તથત્ત્રરયષ્ટિ તદ્દન નાશ પામ્યાં છે. સ્તૂપની બાજુમાં ચાર નાના સ્તૂપ હતા જે માનતા માટે બંધાયેલા પ્રતીક-સ્તૂપો હોવાનું જણાય છે. શામળાજી પાસે મેશ્વો નદીનો બંધ બંધાતાં આ બધા અવશેષો ‘શ્યામ સરોવર’માં ડૂબમાં ગયા છે.
થૉમસ પરમાર