દેવધર, બી. આર.

March, 2016

દેવધર, બી. આર. (જ. 11 સપ્ટેમ્બર 1902, મીરજ; અ. 10 માર્ચ 1990, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક, સંગીતશાસ્ત્રજ્ઞ તથા સંગીતવિવેચક. સંગીતની પ્રારંભિક તાલીમ તેમણે અણ્ણાજીપંત સુખદેવ પાસેથી પ્રાપ્ત કરી હતી. ત્યારપછી નીલકંઠ બુવા અને પંડિત વિનાયકરાવ પટવર્ધન પાસેથી અને છેલ્લે 1922 સુધી મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસકર પાસેથી ગ્વાલિયર ઘરાણાની સંગીતની તાલીમ મેળવી. 1930માં તેમણે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. 1932માં ઇટાલીના ફ્લૉરેન્સ ખાતેના સંગીત સંમેલનમાં તથા 1955માં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે દક્ષિણ એશિયા સંગીત સંમેલનમાં ભાગ લીધો હતો.

બી. આર. દેવધર

એમણે ઘણા ગાયકો પાસેથી સેંકડો પ્રચલિત તથા અપ્રચલિત રાગો તથા બંદિશોનો સંગ્રહ એકઠો કર્યો હતો. ગાયક ઉપરાંત લેખક તથા વિચારક તરીકે પણ તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે. ‘સંગીતકલાવિહાર’ નામના એક હિંદી સામયિકના તેઓ તંત્રી હતા, જેમાં એમણે મહાન સંગીતકારો વિશે લેખો લખ્યા હતા. તેમાંના કેટલાક લેખો ‘થોર સંગીતકાર’ નામના એમણે લખેલા મરાઠી પુસ્તકમાં છપાયા છે. આ પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર થયું છે.

તેમણે 1925માં મુંબઈમાં ‘પ્રોફેસર દેવધર સ્કૂલ ઑવ્ ઇન્ડિયન મ્યુઝિક’ સ્થાપી હતી અને તે દ્વારા ઘણા શિષ્યોને સંગીતવિદ્યાનું દાન દીધું હતું, જેમાં પ્રતિભાવંત ગાયક પંડિત કુમાર ગંધર્વ, શ્રીમતી સરસ્વતી રાણે અને શ્રીમતી લક્ષ્મી ગણેશ તિવારીનો પણ સમાવેશ થાય છે. તેમના ગાયનમાં સંગીતની વિવિધ પરંપરાઓ તથા ઘરાનાનો સુમેળ થયો હતો.

‘વૉઇસ કલ્ચર’નો અભ્યાસ કરવા તેઓ અમેરિકા ગયા હતા. તેમણે પાશ્ચાત્ય સંગીત-શૈલીનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. પ્રત્યેક વર્ષ પંડિત વિષ્ણુ દિગંબરની પુણ્યતિથિ નિમિત્તે પ્રખર સંગીતકારોના કાર્યક્રમો તેઓ યોજતા. અનેક સંગીતવિદ્યાલયોની સલાહકાર સમિતિ પર પણ તેમણે સેવા આપી છે.

પંડિત ઓમકારનાથની નિવૃત્તિ પછી તેઓ બનારસ વિશ્વવિદ્યાલયના સંગીતવિભાગના નિયામક નિમાયા હતા. ત્યાંથી નિવૃત્ત થયા પછી વનસ્થલી વિદ્યાપીઠના સંગીતવિભાગના અધ્યક્ષ બન્યા હતા.

1961માં અ. ભા. ગાંધર્વ મહાવિદ્યાલયે તેમને ‘સંગીત મહામહોપાધ્યાય’ની ઉપાધિ આપી હતી.

તેઓ મુંબઈ આકાશવાણી તથા દૂરદર્શનના ઉચ્ચકોટિના કલાકાર હતા.

મુંબઈની ચોપાટી પાસેના એક ચોકને તેમનું નામ આપવામાં આવ્યું છે.

તેમણે લખેલા ગ્રંથોમાં ‘રાગબોધ’ (પાંચ ખંડો), ‘થોર સંગીતકાર’ (મરાઠી, અનુ. અંગ્રેજીમાં) અને ‘પં. વિષ્ણુ દિગંબર પલુસકર’ (પરિચયાત્મક : પિલર્સ ઑવ્ હિંદુસ્તાની મ્યુઝિક) નોંધપાત્ર છે.

તેમને 1964માં સંગીતનાટક અકાદમીની ફેલોશિપ તથા 1976માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત થયો હતો.

બટુક દીવાનજી