દેવધર, દિનકર બળવંત

March, 2016

દેવધર, દિનકર બળવંત (જ. 14 જાન્યુઆરી 1892, આંધળ, જિલ્લો પુણે; અ. 24 ઑગસ્ટ 1993, પુણે) : ભારતીય ક્રિકેટના ભીષ્મપિતામહ તરીકે પ્રસિદ્ધ જમોડી બૅટ્સમૅન, મધ્યમ ગતિના ગોલંદાજ તથા સ્લિપના સ્થાનના ચપળ ફિલ્ડર. અભ્યાસમાં તેજસ્વી. સંસ્કૃત મુખ્ય વિષય સાથે 1915માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગ સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 13 વર્ષની ઉંમરે 1905માં આંતર સ્કૂલ ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લીધો. 1905માં પી. વાય. સી. જિમખાનાની ટીમ તરફથી પુણે યુરોપિયન ક્લબ સામે અને પછીના વર્ષે મુંબઈના હિંદુ જિમખાના સામે રમ્યા. પ્રથમ કક્ષાની 1911થી ’12 માં હિંદુ–યુરોપિયન–પારસી ટીમ વચ્ચે ખેલાતી ત્રિકોણીય સ્પર્ધામાં હિંદુ જિમખાના તરફથી રમ્યા.

દિનકર બળવંત દેવધર

1911માં નૉર્થકોટ ટ્રૉફી માટે પુણેની ફર્ગ્યુસન કૉલેજ અને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજ વચ્ચેની અંતિમ સ્પર્ધામાં ફર્ગ્યુસન કૉલેજને ભવ્ય વિજય અપાવવામાં દેવધરનો મહત્વનો ફાળો હતો. સાધનોના અભાવે ખેલાડીઓ ધોતિયું પહેરીને અને પગરખાં વિના રમ્યા હતા. 1913–36 દરમિયાન દેવધર ચતુરંગી ક્રિકેટ સ્પર્ધાઓમાં હિંદુ જિમખાના તરફથી રમતા. આ અરસાની કુલ 33 મૅચોની તેમણે રમેલી 53 ઇનિંગોમાં તેમનો કુલ જુમલો 1533 રનનો હતો, જેમાં નવ વખત તેઓ અણનમ રહ્યા હતા. 1939–40 અને 1940–41 — આ બે વર્ષે તેમના સુકાનીપદે મહારાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનની ટીમે રણજી ટ્રૉફીમાં વિજય મેળવ્યો. 1939–40ના વર્ષના વિજયમાં તેમનો વ્યક્તિગત જુમલો 246 રનનો હતો. એ પછી મહારાષ્ટ્રની ટીમે એક પણ વાર આ ટ્રૉફી મેળવી નથી. 1944માં દેવધર બિનસત્તાવાર ટેસ્ટમાં ભારતીય ટીમ તરફથી રમ્યા હતા, જેમાં તેમણે સદી કરી હતી. 1944–45માં નવાનગરની ટીમ સામે તેમણે બંને દાવમાં અનુક્રમે 105 અને 141 રન કર્યા હતા. 1905–55ના પચાસ વર્ષના સમગ્ર ગાળા દરમિયાન તેમણે પ્રથમ કક્ષાની 81 મૅચોની 133 ઇનિંગોમાં કુલ 4522 રન કર્યા હતા.

1926માં આર્થર ગિલિગનના નેતૃત્વ હેઠળ એમ.સી.સી. ટીમ સામેની  અનૌપચારિક ટેસ્ટ મૅચમાં તેમણે 12 ચોગ્ગા સાથે 146 રન અને લૉર્ડ ટેનિસનના નેતૃત્વ હેઠળની એમ.સી.સી. ટીમ સામે તેમણે 118 રન ફટકાર્યા હતા. વિદેશી ટીમ સામે સદી નોંધાવનાર તેઓ પ્રથમ ભારતીય ખેલાડી હતા. 1911 અને 1932 આ બે વર્ષે ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં તેમને સામેલ કરવા પર પસંદગી સમિતિમાં વિચારણા થઈ હતી, પરંતુ 1911માં નાની ઉંમર(19)ના કારણે અને 1932માં મોટી ઉંમર(40)ના કારણે તેમને પડતા મૂકવામાં આવ્યા હતા. સતત 50 વર્ષ સુધી ક્રિકેટના મેદાન પર જ્વલંત કારકિર્દી નોંધાવ્યા પછી 1955માં તેમણે તેમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.

મહારાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના તેઓ સ્થાપક પ્રમુખ હતા. 1934–38 દરમિયાન ક્રિકેટ અંગેની ઘણી અખિલ ભારતીય સમિતિઓ પર તેમણે  કામ કર્યું હતું અને 1945–46ના વર્ષે તેઓ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ થયા હતા. 1946–47માં ઑસ્ટ્રેલિયા ગયેલી ભારતીય ટીમની વરણી સમિતિના પણ તેઓ સભ્ય હતા.

 પુણે ખાતેની એસ. પી. કૉલેજમાં પાંત્રીસ વર્ષ સુધી સંસ્કૃતના પ્રોફેસર તરીકે તેમણે સેવા આપી હતી.

1972માં તેમનાં એંશી વર્ષ પૂરાં થયાં ત્યારે જાહેર સન્માન સમારંભ દ્વારા તેમને એંશી હજાર રૂપિયા જેટલી રકમ અર્પણ કરવામાં આવી હતી, જેમાં પોતાના તરફથી વીસ હજારની રકમ ઉમેરીને ક્રિકેટની રમતને પ્રોત્સાહન આપવાના હેતુસર પ્રતિષ્ઠાન(foundation)ની સ્થાપના કરી હતી. 1992માં તેમની જન્મશતાબ્દી પ્રસંગે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી એક વિશેષ સન્માન સમારંભમાં તેમને રૂપિયા બે લાખની રકમ અર્પણ કરવામાં આવી હતી જેનો ઉપયોગ ભારતમાં ક્રિકેટની રમતના વિકાસ માટે કરવામાં આવશે એવી દેવધરે સમારંભ દરમિયાન જાહેરાત કરી હતી.

1990માં દાદાભાઈ નવરોજી ઍવૉર્ડ તથા 1992માં ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ ખિતાબથી તેમને નવાજવામાં આવ્યા હતા.

તેમણે ક્રિકેટ અંગે ત્રણ ગ્રંથો લખ્યા છે : ‘માર્ચ ઑવ્ ક્રિકેટ’; ‘ઉત્તમ ક્રિકેટ કસે ખેળાવે’ અને ‘શતકાકડે : કાલ, આજ, આણિ ઉદ્યા’(બંને મરાઠીમાં)નો સમાવેશ થાય છે. ઉપરાંત, તેમણે આત્મચરિત્ર પ્રકાશિત કર્યું છે. ‘ક્રિકેટમહર્ષિ પ્રોફેસર ડી. બી. દેવધર’ શીર્ષક હેઠળ રવીન્દ્ર પાટકરે તેમનું જીવનવૃત્તાંત પ્રસિદ્ધ કર્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે