દેવધર ટ્રૉફી

March, 2016

દેવધર ટ્રૉફી : ક્રિકેટની રમતના ઉત્તેજન માટેની ટ્રૉફી. 1974માં ઇંગ્લૅન્ડ ખાતે પહેલી ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધા યોજાઈ. આ જાતની એક-દિવસીય મર્યાદિત ઓવરની ક્રિકેટ મૅચ માટે ભારતીય ખેલાડીઓ તૈયાર થઈ શકે તે આશયથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 1973–74ની સિઝનથી એક-દિવસીય ક્રિકેટ મૅચવાળી દેવધર ટ્રૉફીનું આયોજન કર્યું. મહારાષ્ટ્રના વિખ્યાત ક્રિકેટર દિનકર બળવંત દેવધર(1892–1993)ના માનમાં આ ટ્રૉફીનું આયોજન થયું છે. દુલિપ ટ્રૉફીના ધોરણે જ આ ટ્રૉફી માટે ભારતમાંથી પાંચ વિભાગ(ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ તથા મધ્યભારત)ના ધોરણે ક્રિકેટ ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લે છે.

ચિનુભાઈ શાહ