દેવદાસ : ભારતીય ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપી ગણાયેલાં ચલચિત્રો પૈકીનું એક. ‘દેવદાસ’નું સર્જન ખ્યાતનામ બંગાળી સાહિત્યકાર શરદચંદ્ર ચૅટરજીની શ્રેષ્ઠ કૃતિ પરથી કરાયું છે. નિર્માણવર્ષ : 1935; શ્વેત અને શ્યામ; ભાષા : બંગાળી અને હિંદી; નિર્માણસંસ્થા : ન્યૂ થિયેટર્સ, કૉલકાતા; નિર્માતા : બી. એન. સરકાર; લેખક : શરદચંદ્ર ચૅટરજી; દિગ્દર્શક-પટકથાલેખક : પી. સી. બરુઆ; ગીતકાર : કેદાર શર્મા (હિંદીમાં); સંગીત : તિમિર બરન; છબીકલા : બિમલ મિત્ર; મુખ્ય કલાકારો : બંગાળીમાં પી.સી. બરુઆ, હિંદીમાં કે. એલ. સાયગલ, જમુના, રાજકુમારી, કે. સી. ડે, પહાડી સન્યાલ.

અમીર નાયક અને ગરીબ નાયિકાની પ્રેમકહાણી પરથી આમ તો અનેક ચલચિત્રો બની ગયાં છે; પણ સુંદર માવજત, સબળ કથાનક અને જોમવંતા અભિનયને કારણે એ જમાનામાં ખૂબ વખણાયેલા આ ચલચિત્ર વિશે એમ કહેવાતું કે આ ચલચિત્રે એ કાળના તમામ તરુણોને દેવદાસ બનાવી દીધા હતા. નાયક દેવદાસ એક જમીનદારનો દીકરો છે. પાર્વતી પાડોશમાં રહેતા ગરીબ પરિવારની દીકરી છે. બંને વચ્ચે નાનપણથી પ્રેમ પાંગર્યો છે. દેવદાસ પાર્વતી સાથે લગ્ન કરે એ તેનાં વડીલોને પસંદ નથી. દેવદાસને બહારગામ મોકલી દેવામાં આવે છે. તે પાછો ફરે છે ત્યાં સુધીમાં પાર્વતીનાં લગ્ન અન્ય કોઈ યુવાન સાથે થઈ ચૂક્યાં હોય છે. પાર્વતીથી વિખૂટા પડવાનો દેવદાસને એટલો આઘાત લાગે છે કે તે દારૂ પીતો થઈ જાય છે. એક તવાયફ ચંદ્રમુખી દેવદાસને આ સ્થિતિમાંથી બહાર કાઢવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે, અંતિમ શ્વાસ સુધી પાર્વતીને મળવાની દેવદાસને આશા હોય છે. એ આશામાં તે પાર્વતીના ગામ સુધીની સફર પણ કરે છે. પણ પાર્વતીને મળે તે પહેલાં પાર્વતીના ઘરની સામે જ તે મૃત્યુ પામે છે.

બિમલ રૉય નિર્મિત ચલચિત્રમાં દેવદાસની ભૂમિકામાં ફિલ્મફેર
પારિતોષિક પુરસ્કૃત અભિનેતા દિલીપકુમાર

દિગ્દર્શક પી. સી. બરુઆએ 1935માં પહેલાં બંગાળીમાં અને પછી હિંદીમાં આ ચલચિત્રનું નિર્માણ કર્યું. બંને એક જ વર્ષમાં પ્રદર્શિત થયાં. બંનેને મળેલી અનન્ય સફળતાથી પ્રેરાઈને બરુઆએ નિર્માતા બી. એન., સરકારને આગ્રહ કરતાં 1936માં આ ચલચિત્ર તમિળમાં પણ બનાવાયું. મૂક ચલચિત્રોના યુગમાં પણ 1926–27માં બંગાળી રંગભૂમિના જાણીતા કલાકાર નરેશ મિત્રના દિગ્દર્શન હેઠળ ‘દેવદાસ’નું નિર્માણ થયું હતું. સવાક ‘દેવદાસ’ના નિર્માણ પછી 21 વર્ષે 1955માં બિમલ રૉયે ફરી હિંદીમાં ‘દેવદાસ’નું નિર્માણ કર્યું. આ ચલચિત્ર પણ ખૂબ સફળ થયું. તેમાં સુંદર અભિનય બદલ દિલીપકુમારને શ્રેષ્ઠ અભિનેતાનું, મોતીલાલને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનું અને વૈજયંતીમાલાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું ફિલ્મફૅર પારિતોષિક મળ્યું હતું. ચલચિત્રનાં નાયિકા સુચિત્રા સેન હતાં.

જાણીતા બંગાળી લેખક શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા પર આધારિત હિંદી ચલચિત્રનું ત્રીજું સંસ્કરણ 2002માં પ્રથમ રંગીન આવૃત્તિમાં થયું. તેનું દિગ્દર્શન સંજય લીલા ભણસાલીએ કર્યું હતું. મુખ્ય કલાકારોમાં શાહરૂખખાન, ઐશ્વર્યા રાય, માધુરી દીક્ષિત તથા જૅકી શ્રૉફ, કિરન ખેર અને દિના પાઠકનો સમાવેશ થાય છે. સંક્ષેપમાં તેની વાર્તા એવી છે કે દેવદાસ એ એક ધનિક માણસ છે. તે પોતાનો ઇંગ્લૅંડનો અભ્યાસ પૂરો કરીને ભારત પાછો આવે છે અને તેની નાનપણની પ્રેયસી પારો સાથે લગ્નગ્રંથિથી જોડાવવા માંગે છે, પરંતુ આ લગ્નનો તેના જ પરિવારમાં સખત વિરોધ થતાં તે હતાશામાં દારૂની લતે ચડી જાય છે.

ભારતના ચલચિત્રચાહકોમાં આ ચલચિત્ર ખૂબ પ્રશંસા પામે છે. તેને ફિલ્મ ફેર ઍવૉર્ડ ઉપરાંત પાંચ અન્ય પુરસ્કારોથી નવાજવામાં આવ્યું હતું. વર્ષ 2002માં અંગ્રેજી ‘ટાઇમ’ સામયિકે આ ચલચિત્રને તે વર્ષના સર્વોત્તમ ચલચિત્ર તરીકે જાહેર કર્યું હતું તથા ‘એમ્પાયર’ સામયિકે તેને વર્ષ 2010માં વિશ્વભરના 100 સર્વોત્તમ ચલચિત્રોમાં સ્થાન આપીને નવાજ્યું હતું. ચલચિત્રમાં ઐશ્વર્યા રાય તથા માધુરી દીક્ષિતે કરેલા નૃત્યને કારણે પણ તે ખૂબ લોકપ્રિય બન્યું હતું. આ ચલચિત્રને અનેક પ્રકારના પુરસ્કારોથી નવાજવામાં આવ્યું છે; દા. ત., વર્ષ 2003માં તેને એશિયાના સર્વોત્તમ ચલચિત્રનો પુરસ્કાર પણ એનાયત થયો હતો.

ભારતીય ચલચિત્રોમાં અત્યાર સુધી જે ચલચિત્રોનું સર્જન થયું છે તેમાં આ ‘દેવદાસ’ ચલચિત્ર (2002) માટે સૌથી વધારે નાણાં (રૂ. 50 કરોડ) ખર્ચવામાં આવ્યાં હતાં અને તેને સૌથી વધારે પારિતોષિકો એનાયત થયાં હતાં. વર્ષ 2003માં આ ચલચિત્ર ઑસ્કાર માટે પણ મોકલવામાં આવ્યું હતું.

હરસુખ થાનકી