દેવદાર્વાદિ ક્વાથ : આયુર્વેદીય ઔષધ. દેવદાર, ઘોડાવજ, કઠ, લીંડીપીપર, સૂંઠ, કાયફળ, નાગરમોથ, કરિયાતું, કડુ, ધાણા, હરડે, ગજપીપર, ધમાસો, ગોખરુ, બેઠી ભોંરિંગણી, ઊભી ભોંરિંગણી, અતિવિષની કળી, ગળો, કાકડાશીંગી અને શાહજીરું – એ વીસ ઔષધિઓને લાવી સાફ કરી ખાંડણીદસ્તા વડે અધકચરાં ખાંડી જૌકૂટ ચૂર્ણ તૈયાર કરવામાં આવે છે. તેમાંથી જરૂરિયાત પ્રમાણે લઈ તેમાં સોળગણું પાણી નાંખી ઉકાળે છે. આઠમો ભાગ પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળીને 40થી 50 ગ્રામ જેટલા પ્રમાણમાં પ્રસૂતા સ્ત્રીને પાવાથી પ્રસૂતિને કારણે થયેલું શૂળ, ઉધરસ, તાવ, શ્વાસ, મૂર્છા, કંપવાત અને માથાનો રોગ મટે છે.
મધુકાન્ત ભગવાનજી પંડ્યા