દેવગૌડા, હારડાનાહલ્લી (જ. 18 મે 1933, હારડાનાહલ્લી, કર્ણાટક) : ભારતના ભૂતપૂર્વ (1996–97) વડાપ્રધાન, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળના નેતા. પિતા દોદેગૌડા તથા માતા દયાવમ્મા સામાન્ય ખેડૂત પરિવારનાં હતાં. નબળી આર્થિક સ્થિતિને લીધે દેવગૌડાને બપોર સુધીનો સમય ખેતીકામમાં ગાળવો પડતો અને ત્યારપછીના સમય દરમિયાન તેઓ લક્ષમ્મા વેંકટસ્વામી પૉલિટેકનિકમાં અભ્યાસ કરતા. તેમણે 1952માં સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવ્યો.
કઠોર અને સંઘર્ષમય જીવન પસાર કરનાર દેવગૌડાએ હકીકતમાં ‘ભૂમિપુત્ર’ (‘માનીન્ના માત્રા’) હોઈને 19 વર્ષની વયથી ખેડૂતોનાં કલ્યાણકાર્યો અને પ્રશ્નોમાં રસ લેવાનું શરૂ કરેલું. આ રસસાતત્યને લીધે જ 1995માં કર્ણાટકના મુખ્ય મંત્રી તરીકે દેવગૌડાએ તમિળનાડુના ખેડૂતોના હિતમાં કાવેરીમાંથી 6,000 ક્યુબિક મીટર પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. ખેડૂત તરીકેની પૂર્વભૂમિકા ધરાવતા દેવગૌડા કર્ણાટકના સામાન્ય માણસ સાથે સંવાદનો તંતુ જોડવાની અનેરી શક્તિ ધરાવે છે. કર્ણાટકના મુખ્યમંત્રી હતા ત્યારે બૅંગાલુરુ ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન ‘અનુરાધા’ સહુ માટે ખુલ્લું રહેતું. સીધીસાદી રીતભાત, મૃદુ ભાષા તથા અનાક્રમક વ્યવહારને લીધે એક સરલ માનવી તરીકે તેમની છાપ ઊભી થાય છે; સાથોસાથ દેવગૌડામાં રાજકીય સૂઝસમજ પણ છે.
દેવગૌડા 1962થી કર્ણાટક વિધાનસભાના સભ્ય હતા. કૉમનવેલ્થ પાર્લમેન્ટરી ઍસોસિયેશન(કર્ણાટક શાખા)ના તેઓ આજીવન સભ્ય છે. રામકૃષ્ણ હેગડેની સરકારમાં તેઓ જાહેર બાંધકામ અને સિંચાઈ મંત્રી તરીકે રહી ચૂક્યા છે. નવેમ્બર, 1994માં કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે દેવગૌડાએ હોદ્દો ધારણ કર્યો. કર્ણાટકના આર્થિક, ઔદ્યોગિક અને ટૅક્નૉલૉજિકલ વિકાસને ધ્યાનમાં રાખીને તેમણે દાવોસ (સ્વિટ્ઝર્લૅન્ડ) ખાતે ‘વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ’માં હાજરી આપી હતી. આને લીધે વિદેશમાં પણ તેમને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ. આવી જ રીતે બૅંગાલુરુમાં ‘હાઈટેક ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી પાર્ક’ ઊભો કરવાના આશયથી તેમણે સિંગાપુરની મુલાકાત લીધી. જનતા દળનો વૈચારિક વિરોધ હોવા છતાં દેવગૌડાએ કર્ણાટક રાજ્યની પ્રતિષ્ઠા અને તેના અર્થતંત્રને જાળવી રાખવા માટે બહુરાષ્ટ્રીય કંપનીઓ ‘કાર્ગીલ’ અને ‘કેન્ટુકી ફ્રાઇડ ચિકન’ને રક્ષણ આપ્યું હતું.
મે, 1996ની લોકસભાની ચૂંટણીઓ પછી ભારતીય જનતા પક્ષની સરકાર બહુમતી સિદ્ધ કરવામાં નિષ્ફળ જતાં 13 પક્ષોના બનેલા ‘યુનાઇટેડ ફ્રંટે’ કર્ણાટકના મુખ્યમંત્રી દેવગૌડાની પોતાના નેતા તરીકે વરણી કરી. પરિણામે દેવગૌડાના નેતૃત્વવાળી સંયુક્ત મોરચા-(United Front)ની સરકારે રાષ્ટ્રીય કૉંગ્રેસના ટેકા સાથે જૂન, 1996માં કેન્દ્ર-સરકારની રચના કરી; પરંતુ 30 માર્ચ, 1997ના રોજ કૉંગ્રેસે પોતાનો ટેકો પાછો ખેંચી લેતાં દેવગૌડાને વડાપ્રધાનનું પદ છોડવું પડ્યું હતું. જોકે તેઓ 2014 સુધી રાજકારણમાં સક્રિય હતા.
નવનીત દવે