દેવકીનંદન (18મી સદીનો ઉત્તરાર્ધ) : હિંદી સાહિત્યના પંડિત-કવિ. કનોજ પાસેના મકરંદનગર(જિ. ફર્રુખાબાદ)ના નિવાસી અને કવિ શિવનાથના પુત્ર હતા. આ કવિના બે આશ્રયદાતાઓ હતા – ઉમરાવગિરિ મહંતના પુત્ર કુંવર સરફરાજગિરિ અને બીજા રુદ્રામઊ મલાએ(જિ. હરદોઈ)ના રૈકવાર વંશના રાજા અવધૂતસિંહ. આ બંને આશ્રયદાતાઓના નામે કવિએ એક એક રચના કરી છે.
દેવકીનંદન બહુશ્રુત વિદ્વાન અને કાવ્યાંગોના પ્રકાંડ પંડિત હતા. તેમની પાંચ રચનાઓ જાણીતી છે : (1) ‘શૃંગારચરિત્ર’, (2) ‘સરફરાજ ચંદ્રિકા’, (3) ‘અવધૂત ભૂષણ’, (4) ‘સસુરારિ પચ્ચીસી’ અને (5) ‘નખશિખ’. આ પાંચેય રચનાઓ 1783થી 1799 દરમિયાન રચાયેલી છે.
શૃંગારચરિત (1783)માં કવિએ નાયક-નાયિકા, ભાવ, વિભાવ, અનુભાવ, સાત્વિક, સાંચારી, કાવ્યગુણ, વૃત્તિઓ, શબ્દાર્થ તેમજ ચિત્રાલંકારો વગેરેનું સુપેરે નિરૂપણ કર્યું છે. કવિનો પ્રૌઢ કાવ્ય-શાસ્ત્રીય જ્ઞાન અને ઉત્કૃષ્ટ કવિપ્રતિભાનો સરસ પરિચય આ ગ્રંથમાંથી મળે છે. ‘સસુરારિ પચ્ચીસી’માં સાસરીનું સુખ અને નાયક-નાયિકાના કામાનંદનું શૃંગારપ્રધાન વર્ણન થયું છે જ્યારે બાકીના ત્રણ ગ્રંથોમાં અલંકારશાસ્ત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
કવિની કવિતામાં ભાવ અને કલા બંને પક્ષોનો સુભગ સમન્વય થયેલો છે. જોકે ક્યાંક ક્યાંક એમની કવિતા એમના પાંડિત્યનાં ભાર નીચે દબાતી પણ અનુભવાય છે પણ એવા પ્રસંગો પ્રમાણમાં અલ્પ છે. કવિના ભાવો સઘળે લાલિત્યપૂર્ણ, માધુર્યપૂર્ણ અને હૃદયગ્રાહી છે.
પ્રવીણચંદ્ર પરીખ