દૂધેલી (નાગલા કે રાતી દૂધેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Euphorbia hirta Linn. syn. E. pilulifera auct. non Linn. (સં. દુગ્ધિકા, પય:સ્વિની, સ્વાદુપર્ણી; હિં. બડી દૂધી, લાલ દૂધી; બં. છોટ ખિરાઈ; મ. મોઠી નાયરી, ગોવર્ધન; ક. દૂધલે; તે. પિન્નપાલચેટ્ટુ; અં. સ્નેકવીડ, કૅટસ્ હેર) છે. તે ટટ્ટાર કે ઝૂકેલી, રોમમય અને 15.50 સેમી. ઊંચી વનસ્પતિ છે. તેનું પ્રકાંડ રતાશ પડતું લીલું હોય છે. પર્ણો સાદાં, સંમુખ, લંબગોળ કે અંડાકાર, 1.9 – 3.75 સેમી. લાંબાં અને અણીવાળાં હોય છે. પર્ણની કક્ષામાંથી ગુલાબી રંગનાં, મૃદુ, રોમમય પુષ્પગુચ્છો ઉત્પન્ન થાય છે. તેનાં ફળ ગોળાકાર, અત્યંત નાનાં અને રોમમય હોય છે. બીજ આછાં ભૂખરાં, સૂક્ષ્મ અને ગોળાકાર હોય છે. પુષ્પ અને ફળનિર્માણ શિયાળામાં થાય છે. સમગ્ર છોડ ક્ષીરગ્રંથિઓ ધરાવે છે.

દૂધેલીનો છોડ

ભારતના વધારે ઉષ્ણ ભાગોમાં ખેતરો, પડતર જમીન અને રસ્તાઓની કિનારીએ અને ભીની જમીનમાં તે બારેમાસ જોવા મળે છે.

ઉપયોગી અંગ : આ વનસ્પતિનાં પાન, તેનો કે પંચાંગનો રસ તથા આખું પંચાંગ પુષ્પ અને ફળ આવ્યા પછી ઔષધિ રૂપે ઉપયોગમાં લેવાય છે. ભારતના ઔષધકોશ(pharmacopoeia)માં તેનો ‘યુફોર્બિયા’ નામ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.

રાસાયણિક બંધારણ : ઔષધમાં ક્વિર્સેટિન, ટ્રાઇએકોટેન, જેમ્બુબોલ ફિનૉલિક સંયોજન (C28H18O15), યુફોસ્ટેરૉલ (C25H39OH), ફાઇટોસ્ટેરૉલ અને ફાઇટોસ્ટેરોલિન ઉપરાંત, ગેલિક મેલિસિક, પામિટિક, ઑલિક અને લિનોલિક ઍસિડ, એલ-ઇનોસિટૉલ, ઝેન્થોર્હેમ્નિન (આલ્કેલૉઇડ) અને ગ્લાયકોસાઇટનો સમાવેશ થાય છે.

ઔષધિના ગુણધર્મો : નાગલા (મોટી) દૂધેલીના ગુણો નાની દૂધેલી (E, thymiflora) જેવા જ હોય છે. લોબેલિયા (Lobelia inflata Linn.) કે સેનેગા (Polygala senega Linn.નાં મૂળ) સાથે પ્રવાહી નિષ્કર્ષ કે ટિંક્ચર-સ્વરૂપે તે કફ અને દમની ચિકિત્સામાં આપવામાં આવે છે. દૂધેલી હૃદયવિકાર અને શ્વાસ રોગ માટેનું ઉત્તમ લાભદાયી ઔષધ છે. તેની હૃદય અને શ્વસન ઉપર અવસાદક (depressant) અસર હોય છે. શ્વસનિકાઓ(bronchioles)ને તે શિથિલ કરે છે. તેનાથી શ્વાસ-પીડા ઘટે છે. આ દવાના પ્રયોગથી જૂની ખાંસી, શ્વાસ-નળીનો સોજો, ફેફસાં ફૂલી જવાં, શરદીથી નાક વહેવું અને ચોમાસાની ઋતુમાં થતા શ્વાસરોગમાં ફાયદો થાય છે. આંચકી (આક્ષેપ-તાણ) વખતે તે આપવામાં આવે તો શ્વાસોચ્છવાસમાં થતી તકલીફ અને ગભરામણ દૂર થાય છે.

ટિંક્ચર-સ્વરૂપે તે શૂળ અને મરડામાં, કૃમિનાશક તરીકે અને મૂત્ર-જનનમાર્ગના રોગોમાં ઉપયોગી છે. તેનો ઉપયોગ કોગળા કરવામાં અને પોટીસ તરીકે થાય છે. વનસ્પતિના ક્ષીરરસનો ઉપયોગ મસામાં અને દાદર જેવા ત્વચાના રોગમાં તથા દૂધેલીના મૂળનો ઉપયોગ ઊલટી રોકવા માટે થાય છે.

આયુર્વેદ અનુસાર દૂધેલી મધુર, વૃષ્ય, રુક્ષ, કડવી, વાતાલ, ગ્રાહક, ગર્ભસ્થાપક, તીખી, હૃદ્ય, ધાતુવર્ધક, ઉષ્ણ, મલસ્તંભક અને પારદબંધક હોય છે. તે મેહ, કોઢ, કફ અને કૃમિ મટાડે છે. તેનો મૂળવ્યાધિ, વિષમજ્વર અને વાછરડાંને થતા દૂધિયા રોગ પર ઉપયોગ થાય છે.

દૂધેલીનો રસ પેટમાં ગયા પછી જઠરમાં દાહ થઈ શકે છે અને બગાસાં આવે છે. તેથી તેને ભોજન પછી વધારે પાણીમાં મેળવી અલ્પ માત્રામાં લેવો હિતાવહ છે. વધારે માત્રામાં લેવાથી મૉળ, ઊલટી અને શ્વાસોચ્છવાસમાં વધારો થઈ અંતે હૃદય અને શ્વાસક્રિયા બિલકુલ બંધ થઈ જાય છે. તેથી મૃત્યુ પણ સંભવી શકે છે.

નાની દૂધેલીમાં સંકોચવિકાસ-પ્રતિબંધક ગુણ નથી. તે રેચક અને ઉત્તેજક છે. દાદર પર તેનો રસ લગાડાય છે.

ઔષધપ્રયોગો

(1) કફવિકારો તથા શ્વાસ માટે : તાજી દૂધેલી 25 ગ્રામ (કે સૂકી હોય તો 15 ગ્રા.), 5 ગ્રા. સૂંઠ તથા 2 ગ્રામ હળદરની ભૂકીને 250 ગ્રામ પાણીમાં ઉકાળીને અર્ધો શેષ રાખી, ગાળી લઈ તે સવાર-સાંજ મધ કે જૂનો ગોળ 10 ગ્રા. મેળવી થોડા દિવસ આપવામાં આવે છે.

(2) શ્વાસ (દમ) માટે : તાજી દૂધેલીનો રસ 1 ચમચી કાઢી, ગરમ પાણી અર્ધો કપ અને મધ 1–2 ચમચી મેળવી જરૂરત મુજબ દમના હુમલા વખતે દિવસમાં 2–3 વાર અપાય છે. આ દવાનું ટિંક્ચર કે મદ્યાર્ક બનાવીને વપરાય તો ઝડપી લાભ થાય છે.

(3) રક્તાર્શ (દૂઝતા હરસ) માટે : દૂધેલીના તાજા પાનનો રસ 4–5 મિલી. સમભાગ તાજા માખણ કે ઘીમાં મેળવી, તેમાં થોડી સાકરની ભૂકી ઉમેરી દિવસમાં 2 વાર, 3–4 દિવસ આપવાથી દાહ અને લોહી પડતા હરસ-મસાના દર્દમાં અપાય છે.

(4) બાળકોને બહારના દૂધનો અપચો : ધાવણાં બાળકોને બહારથી બીજું દૂધ અપાય છે, ત્યારે કદીક તે હજમ ન થતાં ઝાડાની ગાંઠો બંધાઈ જતાં પેટ ફૂલી જાય છે અને કબજિયાત થાય છે. આ સમસ્યા માટે દૂધેલીના મૂળને ગાયના કે હળવા દૂધમાં કે માતાના ધાવણમાં ઘસીને રોજ પિવડાવાય છે.

(5) વિસ્ફોટક (ઝેરી ફોલ્લા) : શરીરની ત્વચા ઉપર કદીક વિસ્ફોટક દર્દ કે નાના ઝેરી ફોલ્લા થાય છે. તેના ઉપાય તરીકે દૂધેલીના રસમાં દિવેલ મિલાવીને, તે દિવસમાં 2–3 વાર ફોલ્લા પર લગાવવાથી તે મટે છે.

(6) દંતકૃમિ (સડેલી દાઢની પીડા) : દૂધેલીના મૂળનો કટકો દાંત વડે ચાવીને કે તેના ચૂર્ણને રૂમાં મૂકી સડેલી દાઢ પર મૂકવાના નિયમથી સડેલી દાઢની પીડા શમે છે.

(7) દાદર માટે : પ્રથમ અડાયા છાણાના ટુકડા વડે દાદરને ઘસી નાંખવી. તે પછી તેની ઉપર દૂધેલીનો રસ વારંવાર ચોપડવાથી દાદર મટે છે.

દૂધેલી : 1 સંપૂર્ણ વનસ્પતિ-છોડ, 2. સ્તબક, 3. ફળ, 4. ફૂલ

(8) તોતડાવું કે બોલતાં અચકાવું : દૂધેલીના મૂળનો વેઢા જેવડો ટુકડો નાગરવેલના પાનમાં મૂકી રોજ સવાર-સાંજ ચાવવાનો નિયમ રાખવાથી, લાંબા ગાળે લાભ થાય છે.

(9) કાંટો શરીરમાં ખૂંપી જવો : દૂધેલીનો છોડ સાફ કરી, પાણી સાથે વાટીને જ્યાં કાંટો ત્વચામાં ખૂપી ગયો હોય, ત્યાં લેપ કરી દેવો. જેથી તે સરળતાથી બહાર આવતાં ખેંચી કાઢી શકાય છે.

ઔષધની માત્રા : દૂધેલીનો રસ વયસ્કને 10થી 20 ટીપાં કે 1 ચમચી નાની; સૂકું ચૂર્ણ, 240–625 મિગ્રા..

આ ઔષધિનો કોઈ ઉપદ્રવ કે હાનિ થાય તો દર્દીને મધ આપવાથી તેનું નિવારણ થાય છે.

બળદેવપ્રસાદ પનારા