દૂધી : (તુંબડું) દ્વિદળી વર્ગના કુકરબીટેસી કુળની મોટી વેલારૂપ વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lagenaria siceraria(Mol.) Standl. syn.L. leucantha Rusby; L. Vulgaris ser. (સં. અલાબુ, ઇશ્વાકુ, દુગ્ધતુંબી; મ. દુધ્યા, ભોંપળા, હિં. કદૂ, લૌકી, તુંબી; બં. લાઉ, કધૂ; ક.હાલગુંબળ, શિસોરે; તા. શોરાક્કાઈ; અં. બૉટલ ગુઅર્ડ) છે.

દૂધી ઘણી મોટી, રોમમય, આરોહી કે તલસર્પી (trailing) શાકીય વનસ્પતિ છે. તેનું પ્રકાંડ મજબૂત અને પંચકોણીય હોય છે. તે દ્વિશાખી સૂત્રો વડે આરોહણની ક્રિયા કરે છે. પર્ણો લાંબા દંડવાળાં અને પંચખંડી હોય છે. પુષ્પો મોટાં, સફેદ, એકાંકી, એકગૃહી (monoecious) કે દ્વિગૃહી (dioecious) હોય છે. ફળ મોટાં, અનષ્ઠિલ, અલાબુક (pepo) પ્રકારનાં, 1.8મી. સુધીની લંબાઈવાળાં, બૉટલ કે ડમ્બેલ આકારનાં અને પાકે ત્યારે લગભગ કાષ્ઠમય બને છે. બીજ અસંખ્ય, સફેદ, લીસાં, 1.6-2.0 સેમી લાંબાં અને ચપટાં હોય છે.

ભારતમાં દૂધી બહોળા પ્રમાણમાં ઉગાડાય છે. ગુજરાતમાં લગભગ બધા જ જિલ્લાઓમાં થાય છે. દૂધીની વિવિધ દેશી જાતો ઘણી હોય છે. જાણીતી સુધારેલી જાતોમાં પુસા સમર પ્રૉલિફિક લૉન્ગ, સમર પ્રૉલિફિક રાઉન્ડ, જૂનાગઢ ટેન્ડર વગેરે જાણીતી છે.

ફળનો આકાર બાટલી જેવો હોવાથી તથા ભૂતકાળમાં ફળનો ઉપયોગ મદિરા ભરવા માટે થતો હોવાથી તેનું અંગ્રેજી નામ ‘બૉટલ ગુઅર્ડ’ પડ્યું છે. ગોળ લંબગોળ આકારના ફળને લીધે તેને તુંબડી પણ કહે છે.

તે આફ્રિકા કે એશિયાની મૂળનિવાસી છે અને કોલંબસ પહેલાં અમેરિકા ખંડમાં પહોંચી હોવાનું મનાય છે. દૂધી ઉનાળુ તથા ચોમાસુ પાક છે; પરંતુ સકરટેટી અને તરબૂચ કરતાં તે ઠંડી આબોહવા વધારે સારી રીતે સહન કરી શકે છે. જોકે તેને હિમની અસર થાય છે. એકંદરે દૂધીની જુદી જુદી જાતો બધી ઋતુમાં ઉગાડી શકાય છે.

આ પાક માટે અન્ય વેલાવાળાં શાકભાજીની માફક તટસ્થ જમીન માફક આવે છે. જમીનનો pH 6.0થી 7.0 હોય તો સંતોષકારક ઉત્પાદન મળે છે. ખાતર આપેલી મધ્યમ કાળી તેમ જ ગોરાડુ જમીનમાં દૂધી સૌથી સારી રીતે થાય છે. શુષ્ક ઋતુમાં ઉગાડવામાં આવે ત્યારે તેને હૂંફાળા ભેજયુક્ત વાતાવરણની અથવા પુષ્કળ પાણીની જરૂરિયાત હોય છે. બીજને રોપની ક્યારીઓમાં ઉગાડાય છે અને જ્યારે રોપ બેથી ત્રણ પર્ણોવાળો બને ત્યારે તેને જમીનમાં રોપવામાં આવે છે. આ પાકનાં મૂળ છીછરાં ફેલાય છે. એટલે ઉપરથી વેરીને આપેલા ખાતરની અસર સારી થાય છે. સામાન્ય રીતે દૂધીના પાક માટે જમીન તૈયાર કરતી વખતે પાયાના ખાતર તરીકે હેક્ટરદીઠ 50 ગાડી છાણિયું અથવા ગળતિયું ખાતર અપાય છે. આ ઉપરાંત વાવણી પહેલાં હેક્ટરે 50 કિગ્રા. ફૉસ્ફરસ માટે 313 કિગ્રા. સિંગલ સુપર ફૉસ્ફેટ તથા 50 કિગ્રા. પોટાશ માટે 86 કિગ્રા. મ્યુરેટ ઑવ્ પોટાશ તેમજ વાવણી પછી દોઢ મહિને 25 કિગ્રા. નાઇટ્રોજન માટે 125 કિગ્રા. એમોનિયમ સલ્ફેટ અથવા 54 કિગ્રા. યૂરિયા સંપૂરક (supplementary) ખાતર તરીકે અપાય છે.

ઉનાળુ પાક માટે વાવણી જાન્યુઆરી–ફેબ્રુઆરીમાં તથા ચોમાસુ પાક માટે જૂન-જુલાઈ માસમાં કરવામાં આવે છે. હેક્ટરદીઠ 2.5થી 3.5 કિગ્રા. બિયારણની જરૂરિયાત રહે છે. જમીનની તૈયારી બાદ 2.5 × 2.5 અથવા 3.0 × 3.0 મી.ના અંતરે ખામણાં બનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખામણાંને બદલે સપાટ ક્યારા બનાવીને તેની વચ્ચે બીજ વાવે છે. એક ખામણા અથવા ક્યારામાં બેથી ચાર બીજ થોડે અંતરે બેથી ત્રણ સેમી. ઊંડે નાખવાં જોઈએ અને ત્યારબાદ બીજ ઉપર માટી વાળી સાધારણ દાબવાં જોઈએ. જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવે છે. ઉનાળુ પાક માટે વેલાઓને ટેકાની જરૂર રહેતી નથી, પરંતુ ચોમાસુ પાક માટે સામાન્યત: ટેકો અપાય છે અથવા માંડવો બનાવી તેના ઉપર વેલા ચઢાવવામાં આવે છે.

દૂધીના વેલા પાંચથી સાત માસ સુધી ઋતુ અને હવામાન મુજબ જીવે છે. આ દરમિયાન એક વેલા ઉપર 100થી 125 ફળો બેઠાના દાખલાઓ પણ સારાં ખેતરોમાં મળી આવે છે. ફળ કૂણાં હોય ત્યારે ઉતારવાથી સારા ભાવ મળે છે. વેલા ઉપરથી ફળો ચાકુ વડે કાપી લેવાં જોઈએ. હેક્ટરદીઠ સરેરાશ ઉત્પાદન 6,000થી 9,000 કિગ્રા. જેટલું મળે છે.

દૂધીના રોગો : દૂધીમાં મૂખ્યત્વે ભૂકી છારો, પાનનાં ટપકાં, પીંછછારો અને વિષાણુના રોગો થાય છે.

(1) ભૂકી છારો : આ રોગ Erysiphe cichoracearam નામની ફૂગથી થાય છે. દૂધીના પાનની ઉપરની સપાટી પર ફૂગની વૃદ્ધિ થતાં તે સફેદ ભૂકીના રજકણોના થર જેવી દેખાય છે. પરિણામે આક્રમિત પાન પીળાં પડે છે અને ચીમળાઈ, સુકાઈ વેલાની વૃદ્ધિ અટકી જાય છે. વેલા પર ઉત્પન્ન થતાં ફળો નાનાં રહે છે.

ભૂકી છારો દેખાય કે તરત જલદ્રાવ્ય ગંધક એક લિટર પાણીમાં ચાર ગ્રામ ઓગાળી હેક્ટરે 1000 લિટર મિશ્રણના પ્રમાણમાં છાંટવામાં આવે છે. આ છંટકાવ દસ દિવસના અંતરે રોગ કાબૂમાં ન આવે ત્યાં સુધી કરવામાં આવે છે.

(2) સર્કોસ્પોરાની ફૂગનાં ટપકાં : દૂધી પર આ ફૂગનું આક્રમણ થતાં પાનની ધાર ઉપર પાણીપોચા નાના જખમો થાય છે. આ જખમો મોટા થતાં તે ઘેરા બદામી કે રાખોડી રંગનાં ટપકાં પેદા કરે છે. તીવ્ર આક્રમણ થતાં આ ટપકાં એકબીજામાં ભળી સુકાયેલાં મોટાં ધાબાં કે ઝાળ પેદા કરે છે. આક્રમિત ભાગ ચીમળાઈને સુકાઈ જતાં પાન ગરમીની ઝાળ લાગી હોય તેવું દેખાય છે. વેલા સુકાઈને મરી જાય છે. આમ હોવા છતાં ફૂગનો નાશ થતો નથી. અને બીજી ઋતુમાં તેના બીજાણુઓ ફેલાતાં અન્ય નવા વેલાને ચેપ લગાડે છે.

નિયંત્રણ : ઝીનેબ અથવા મેન્કોઝેબ જેવી ફૂગનાશકનો બેથી ત્રણ વાર છંટકાવ કરવાથી રોગ કાબૂમાં રહે છે.

(3) કે પીંછછારો : આ રોગ Pseudoperonospora cubensis  નામની ફૂગથી થાય છે. આ ફૂગનો વિકાસ પાનની અંદર થતા તેના બીજાણુઓ પાનની સપાટી ઉપર આવી પવન મારફતે ફેલાય છે અને અન્ય પાનને અથવા તો બીજા વેલાનાં પાનને ચેપ લગાડે છે.

નિયંત્રણ : આ રોગના નિયંત્રણ માટે 50 %વાળી તાંબાયુક્ત ફૂગનાશક દવા એક લિટર પાણીમાં ચાર ગ્રામના હિસાબે ઓગાળી હેક્ટરે 1000 લિટર મિશ્રણનો છંટકાવ દસ દિવસના અંતરે કરવામાં આવે છે.

(4) વિષાણુથી થતા ચટાપટા અથવા મોઝેક રોગ : સામાન્યપણે આ રોગ બધા જ વેલાવાળા પાક ઉપર વધતાઓછા પ્રમાણમાં જોવા મળે છે. પાકમાં વિષાણુનું આક્રમણ થતાં પાનની નસો ઉપર ઘેરાં લીલાં અને પીળાં ધાબાં કે પટ્ટા પેદા કરે છે. કુમળાં પાન કોકળાઈ જાય છે અને પાનની ધાર વળી જાય છે. આવાં પાન ઘાટાં લીલાં અને આછાં પીળાં અને સહેજ વળેલાં જોવા મળે છે. આવા વેલા ઉપર જૂજ ફૂલો આવે છે. ફળો મોટાં થતાં નથી. વેલા ઉપર આ ફળ આછાં પીળાં ગૂમડાંવાળાં, નાના વિકૃત સ્વરૂપનાં હોય છે.

નિયંત્રણ : આ વિષાણુનો ફેલાવો ચૂસિયા પ્રકારનાં તડતડિયાંથી થતો હોવાથી સાવચેતીનાં પગલાં તરીકે અગાઉથી કીટનાશક દવાનો છંટકાવ કરવો પડે છે અને રોગવાળા છોડો ઉખાડી બાળી નાશ કરવામાં આવે છે.

(5) દૂધીના નીચેના રોગો પાકને ખાસ નુકસાન કરતા નથી.

(5.1) જીવાણુથી થતાં પાનનાં ટપકાં : આ રોગ Xanthomonas cucurbitae નામના જીવાણુથી થાય છે.

(5.2) ફૂગથી થતો થડ અને વેલાનો સડો : આ રોગ Sclerotiam rolfsii નામની ફૂગથી થાય છે. આ ફૂગ જમીનજન્ય છે.

(5.3) મૂળનો કોહવારો : આ રોગ ફ્યુઝેરિયમ પ્રજાતિની ફૂગથી થાય છે. આ ફૂગ મૂળમાં આક્રમણ કરી તેની વાહીપુલોમાં પેશીમાં વૃદ્ધિ કરી તેમાં સડો પેદા કરે છે.

(5.4) ફૂગથી થતો ફળનો સડો : આ રોગ રાઈઝોપસ પ્રજાતિની ફૂગથી થાય છે. ફળ ઉપર ફૂગનું આક્રમણ થતાં તેની ઉપર ફૂગ કવકજાળ વૃદ્ધિ કરી ફળ ઉપર ઝાંખા ભૂખરા કે કાળા રંગની ફૂગનાં બીજાણુ ફળ પેદા કરે છે.

(5.5) જીવાણુથી થતો પોચો સડો : આ રોગ ઇર્વિનિયા પ્રજાતિના જીવાણુઓથી થાય છે. ફળમાં જીવાણુનું આક્રમણ થતાં ફળ પોચું થઈ તેમાંથી પ્રવાહી બહાર આવે છે. ફળ પોચું થતું હોવાથી આ રોગ ફળના પોચા સડા તરીકે ઓળખાય છે.

જીવાતમાં લાલ અને કાળાં મરિયાં (red and black pumpkin bettles), મશી (Aphids) અને ખાસ કરીને ફળમાખી (fruit fly) તથા રોગોમાં ભૂકી છારો (powdery mildew) અને ક્વચિત્ તળછારો (downy mildew) સામે નિયંત્રણ જરૂરી બને છે. લાલ અને કાળાં મરિયાંના નિયંત્રણ માટે પૂર્વ પગલાં તરીકે જમીનની તૈયારી વખતે હેક્ટરે 16થી 20 કિગ્રા. પ્રમાણે 0.65 % લિન્ડેન ભૂકી ખાતરો સાથે ભેળવવામાં આવે છે. પાક ઊગ્યા બાદ ઉપદ્રવ હોય તો છોડ ઉપર ફૂલ આવી ગયા બાદ પાયરેથ્રમની ભૂકી હેક્ટરે 16થી 20 કિગ્રા.ને હિસાબે છાંટવામાં આવે છે. મશીનું નિયંત્રણ 0.07 % મેલેથિયૉનનું પ્રવાહી મિશ્રણ છાંટીને થઈ શકે છે. ફળમાખીના નિયંત્રણમાં વાડીની સાફસૂફી અને સ્વચ્છતા, સડેલાં ફળોનો નાશ તથા પુષ્પો બેસવાની શરૂઆત થાય ત્યારથી 0.07 % મેલેથિયૉન અથવા 0.05 % લેબેસીડનો છંટકાવ પંદર દિવસના આંતરે કરવામાં આવે છે.

અખતરાઓનાં પરિણામો ઉપરથી માલૂમ પડેલ છે કે દૂધીના પાકની બે પર્ણ અને ફરીથી ચાર પર્ણવાળી અવસ્થાએ વિવિધ પ્રકારનાં વનસ્પતિ વૃદ્ધિનિયામકો(plant growth regulators)નો છંટકાવ કરવાથી માદા પુષ્પોની સંખ્યા, ફળસંખ્યા અને અંતિમ ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. મૅલિક હાઇડ્રૉઝાઇડ (MH) 2,3,4, ટ્રાઇઆમોડો બેન્ઝોઇક ઍસિડ (TIBA) 50 ppm, બોરોન 3 ppm અને કૅલ્શિયમ 20 ppmના સાંદ્રણમાં છાંટવાથી તે બહુ અસરકારક નીવડે છે.

ફળના ખાદ્ય ભાગના એક વિશ્લેષણ મુજબ તેમાં આશરે ભેજ 96.3 %; પ્રોટીન 0.2 %; મેદ (ઈથરનિષ્કર્ષ) 0.1 %; કાર્બોદિતો 2.9 %; ખનિજદ્રવ્ય 0.5 %; કૅલ્શિયમ 0.02 % અને ફૉસ્ફરસ < 0.01 % હોય છે. તે અન્ય ખનિજતત્વો જેવાં કે લોહ (0.7 મિગ્રા./100 ગ્રામ) સોડિયમ (11.0 મિગ્રા./100 ગ્રામ.), પોટૅશિયમ (86.0 મિગ્રા./100 ગ્રામ) અને આયોડિન (4.5 મા.ગ્રા. (microgram)/કિગ્રા.) ધરાવે છે. ફળમાં આશરે લ્યુસિન 0.8; ફિનિલ ઍલેનિન 0.9; વેલાઇન 0.3; ટાયરોસીન 0.4; ઍલેનીન 0.5; થ્રિઓનીન 0.2; ગ્લુટામિક ઍસિડ 0.3; સેરીન 0.6, ઍસ્પાર્ટિક ઍસિડ 1.9; સિસ્ટીન 0.6; સિસ્ટેઇન 0.3; આર્જિનિન 0.4 અને પ્રૉલીન 0.3 મિગ્રા./ગ્રામ હોય છે. ફળ વિટામિન ‘બી’ સંકુલ અને એસ્કૉર્બિક ઍસિડનો સારો સ્રોત ગણાય છે. ખાદ્ય ભાગમાં થાયેમીન 44 મિગ્રા.; રિબૉફ્લેવીન 23 મિગ્રા.; નાયેસીન 0.33 મિગ્રા. અને એસ્કૉર્બિક ઍસિડ 13.0 મિગ્રા./100 ગ્રામ હોય છે. તે 16.02 મિગ્રા./ગ્રામ (શુષ્ક-આધાર) કૉલીન ધરાવે છે.

કડવી દૂધી 0.013 % ઘટ્ટ ફીણ ઉત્પન્ન કરે છે; જે કુકરબિટેસિન B, D, G અને H ધરાવે છે. તે પૈકી મુખ્ય કુકરબિટેસિન B (C32H48O8, ગ.બિ. 184-186° સે.) છે. આ કડવાં ઘટકો ઍગ્લાયકોન સ્વરૂપે હોય છે. પર્ણોમાં કુકરબિટેસિન B તથા મૂળમાં કુકરબિટેસિન B અને D તથા અત્યંત અલ્પ પ્રમાણમાં E હોય છે. ફળના રસમાં β – ગ્લાયકોસિડેઝ (ઇલેટરેઝ) હોય છે. કડવાશરહિત ફળોમાં કડવાં ઘટકો કે ઇલેટરેઝ હોતાં નથી. આવી વનસ્પતિનાં મૂળ કડવાં હોતાં નથી.

દૂધીનાં કાચાં કૂણાં ફળો શાક માટે અને મીઠાઈ બનાવવા માટે વપરાય છે. લગ્નગાળા દરમિયાન દૂધીનો હલવો પ્રખ્યાત મીઠાઈ ગણાય છે. ફળના કઠણ કોચલાના વિવિધ ઉપયોગો કરાય છે. કોચલાં પાણી ભરવાના કૂજા તરીકે, ઘરગથ્થુ વપરાશના વાસણ તરીકે, સંગીતનાં સાધનો બનાવવા માટે અને માછલાં પકડવાની જાળને તરતી રાખવા માટેના સાધન તરીકે વપરાય છે.

ફળનો માવો વમનકારી (emetic) અને રેચક ગણાય છે. તે શીત, મૂત્રલ અને પ્રતિપૈત્તિક (antibilious) છે અને પ્રલાપ(delirium)માં ઉપયોગમાં આવે છે. તેના રસને લીંબુના રસ સાથે મિશ્ર કરી તેનો ખીલમાં ઉપયોગ કરવામાં આવે છે. તેને તેલમાં ઉકાળી વામાં ઉપયોગમાં લેવાય છે. પર્ણોનો રસ ટાલના ઉપચાર તરીકે વપરાય છે.

બીજ જલશોફ(dropsy)માં અને કૃમિહર (anthelmintic) તરીકે ઉપયોગી છે. મૂળનો પણ જલશોફમાં ઉપયોગ થાય છે. બીજનું તેલ માથાના દુખાવામાં વપરાય છે. કડવાં ફળ ઝેરી હોય છે અને રેચક તરીકે ઉપયોગમાં લેવાય છે.

આયુર્વેદ અનુસાર, દૂધી ગુરુ રુક્ષ, શીતળ, હૃદ્ય, કફકારક, ગ્રાહક, રુચિકર, ધાતુવર્ધક અને પૌષ્ટિક છે. તે બેચેની, વિષ, પિત્ત અને શ્રમનો નાશ કરે છે. લાંબી દૂધી તીખી અને ઉષ્ણ હોય છે. તે સન્નિપાત, દાંતખીલી, ધનુર્વા અને દંતર્ગલ રોગનો નાશ કરે છે. ગોળ મોટી દૂધીનો વેલો મધુર, શીતળ, તર્પણકારક, ગુરુ, રુચિકર, પૌષ્ટિક, બલપ્રદ, ધાતુવર્ધક, ગર્ભપોષક અને પિત્તનાશક હોય છે.

જ. પુ. ભટ્ટ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

બળદેવભાઈ પટેલ