દુ પત્ર (1968) : મૈથિલી સાહિત્યકાર ઉપેન્દ્રનાથ ઝા(જ.1917)ની લઘુનવલ. તેની કથા કેવળ બે પત્રોમાં સમાપ્ત થાય છે. આ પત્રોમાં એક ભારતીય અને બીજી અમેરિકન એમ બે યુવાન નારીની લાગણીઓની મથામણ આલેખાઈ છે. પહેલો પત્ર ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલા અને 10 વર્ષથી ત્યાં જ વસતા પતિ સુરેન્દ્રને પત્ની ઇન્દુદેવીએ લખ્યો છે. ઇન્દુદેવીનો ભાણેજ રમેશ પાછળથી અમેરિકા ગયો હોય છે; ત્યાં તેણે પશ્ચિમી જીવનશૈલીથી મોહિત થયેલા સુરેન્દ્રને જેસિકા નામની સુશીલ છોકરીના પ્રેમપ્રકરણમાં અટવાયેલો જોયો હોય છે. રમેશને પણ જેસિકા સાથે થોડી મૈત્રી બંધાઈ હોય છે. તે ઇન્દુદેવીના આ પત્રનું અંગ્રેજી ભાષાંતર કરી જેસિકાને મોકલી આપે છે. જેસિકા રમેશને તેનો જે જવાબ પાઠવે છે તે બીજો પત્ર.
પ્રથમ પત્રમાં ભારતીય કહો કે મૈથિલી પરંપરામાં જન્મેલી – ઊછરેલી શિક્ષિત નારીની લાગણીઓ તથા ભાવનાઓ આલેખાઈ છે. ખાસ્સે દૂર વસતા પતિએ છૂટાછેડા લેવાનું સૂચવી તેને માન્ય રાખવા જણાવ્યું છે. એ તબક્કે આ પત્ર લખાયો છે. બીજા પત્રમાં અમેરિકાના જીવનરંગે રંગાયેલા સુરેન્દ્રને ખરા દિલથી પ્રેમ કરતી અમેરિકન કન્યાના વિચારો તથા મનોવ્યથા છે; રમેશની સ્વાભાવિક સચ્ચાઈ તથા તેના નિખાલસ વર્તનથી જેસિકા ખૂબ પ્રભાવિત થાય છે અને રમેશની મદદથી તે હિંદુ ધર્મ, સંસ્કૃતિ તથા જીવનરીતિનો કંઈક પરિચય મેળવે છે.
આ લઘુનવલમાં ભારતીય – મૈથિલી અને અમેરિકન – એમ બે સમાજચિત્રો આલેખાયાં છે. લેખકનું પૃથક્કરણ તટસ્થ રહ્યું છે, કારણ કે બંને જીવનઢબની મુલવણી અંતિમ માનવીય મૂલ્યોને અનુલક્ષીને કરવામાં આવી છે. ભાષા સાદી અને સંયત છે છતાં લાગણીજન્ય ઉત્કટતાથી સભર છે. બે પત્રો દ્વારા ચાર પાત્રોની વાત અત્યંત સીધીસાદી શૈલીમાં, બને તેટલા ઓછા શબ્દોમાં અને ઠસી જાય તેવી પદ્ધતિએ કરવામાં આવી છે, પરિણામે તે ર્દઢ-સુરેખ બંધ સાથેની કલાત્મક કૃતિ બની છે.
આ લઘુનવલને સાહિત્ય અકાદમીનો 1969ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.
મહેશ ચોકસી