દુનાં, ઝ્યાં હેન્રી

March, 2016

દુનાં, ઝ્યાં હેન્રી (જ. 8 મે 1828, જિનીવા; અ. 30 ઑક્ટોબર 1910, હિડન, સ્વિટ્ઝર્લૅન્ડ) : આંતરરાષ્ટ્રીય સંસ્થા રેડક્રૉસના સ્થાપક. હેન્રી દુનાં સ્વિસ વેપારી હતા. અલ્જિરિયામાં ભીષણ દુકાળને લીધે પોતાના વેપારી પ્રયોજનથી તેઓ ઇટાલી આવેલા.

ઝ્યાં હેન્રી દુનાં

તે વખતે ત્યાં યુદ્ધ ફાટી નીકળેલું. દુનાંએ આખો દિવસ ટેકરીની પેલે પાર પોતાના બાયનૉક્યુલર વડે ત્યાં ચાલી રહેલ ભીષણ નરસંહાર જોયો. સાંજે ત્યાં 40,000 જેટલા ઘવાયેલા, કપાયેલા લોકો મેદાનમાં પડ્યા હતા. તેમની સામે જોનાર કોઈ ન હતું. દુનાં તે જ ક્ષણે સક્રિય થઈ ગયા. ઘવાયેલાઓની સારવાર માટે મળ્યાં તે સાધનો લઈને સ્થાનિક ડૉક્ટરો અને લોકોમાં સેવાની ભાવના જગાડી.  એ પછી દુનાંની એ પ્રવૃત્તિ એકલદોકલ વ્યક્તિની પ્રવૃત્તિ રહી નહિ. તે સમ્રગ માનવજાતની પ્રવૃત્તિ બની ગઈ. એ પ્રસંગ પછી દુનાંનું જીવન બદલાઈ ગયું. તેમણે ‘અ મેમરી ઑવ્ સોલ્ફેરિનો’ એ નામે પુસ્તિકા લખી. એ પુસ્તિકાને લોકોએ ખૂબ સુંદર પ્રતિસાદ આપ્યો. તેની બે આવૃત્તિઓ ઉપરાઉપરી છપાઈ.

દુનાંના પોતાના શહેરની નગર સમિતિએ દુનાં સહિત પાંચ વ્યક્તિઓની બનેલી એક સમિતિ આંતરરાષ્ટ્રીય સંમેલન માટે રચી. તેના પરિણામે ઑક્ટોબર, 1863માં જિનીવામાં 16 દેશોના પ્રતિનિધિઓની એક પરિષદ મળી. તેમાંથી રેડક્રૉસનો જન્મ થયો. સ્વિસ રાષ્ટ્રધ્વજના ચિહનને ઉલટાવીને સફેદ પૃષ્ઠભૂમિમાં રેડક્રૉસ તેનું પ્રતીક બન્યો. દુનાંએ  રેડક્રૉસના વિકાસમાં પોતાનાં તન,મન,ધન સમર્પી દીધાં. તેમને પોતાના વેપારમાં ભારે નુકસાન ભોગવવું પડ્યું. તેમાં મિત્રો કે કુટુંબીઓએ સાથ ન આપ્યો. તેઓ એકલા પડી ગયા. તે દેશ છોડીને પૅરિસ ચાલ્યા ગયા. ત્યાં તેઓ ગરીબીમાં એકલવાયું જીવન જીવ્યા. ફ્રાંસ અને પ્રશિયા વચ્ચેના યુદ્ધ વખતે યુદ્ધભૂમિ પર જીવનની પરવા કર્યા વિના તેમણે સેવાની કામગીરી બજાવી. તે વખતે તેઓ ફ્રાંસના પ્રગતિશીલ કાર્યકર ફ્રેડરિક પેસીના સંપર્કમાં આવ્યા. 1901માં ફ્રેડરિક પેસીની સાથે શાંતિ માટેનું નોબેલ પારિતોષિક તેમને મળ્યું. 1963માં  રેડક્રૉસ સોસાયટીની શતાબ્દી ઊજવાઈ તે વખતે તે સંસ્થા 102 સક્રિય મંડળોમાં જોડાઈને 170 કરોડ જેટલા સ્વયંસેવકો ધરાવતી હતી. તેનો યશ દુનાંને ફાળે જાય છે. તેમની કબર પર એક ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે. મરણ પામતા એક સૈનિક પાસે એક વ્યક્તિ ઘૂંટણ પર નમીને પાણી આપી રહી છે તે દુનાં છે.

સાધના ચિતરંજન વોરા