દુ ગાર્દ, રૉજર માર્ટિન (du Gard, Roger Martin) (જ. 23 માર્ચ 1881, ફ્રાંસ; અ. 22 ઑગસ્ટ 1958 ફ્રાંસ) : ફ્રાંસના નવલકથાકાર, નાટ્યકાર તેમજ સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના 1937ના વર્ષના વિજેતા. તેમણે પ્રાચીન લિપિવિદ્યા તેમ જ પુરાતત્વવિદ્યાની તાલીમ લીધી હતી. આથી જ કદાચ તેમની કૃતિઓમાં તાટસ્થ્યપૂર્ણ અભિગમ તેમજ વિગતોની ઔચિત્યપૂર્વકની ચોકસાઈ જોવા મળે છે. સામાજિક વાસ્તવલક્ષિતાને અનુલક્ષીને વૈયક્તિક વિકાસપ્રક્રિયાનું સૂક્ષ્મ પરીક્ષણ કરવાની તેમની શૈલીને કારણે તેમને ઓગણીસમી સદીની વાસ્તવવાદી (realist) અને પ્રકૃતિવાદી (naturalist) પરંપરાઓ સાથે સાંકળવામાં આવ્યા છે.
તેમણે નવલકથાઓ અને નાટકો દ્વારા પ્રતિષ્ઠા મેળવી છે. રોજર માર્ટિન દુ ગાર્દ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન વાહનવ્યવહાર ખાતામાં સેવાઓ આપતા હતા. બે વિશ્વયુદ્ધો વચ્ચેનાં વર્ષો દરમિયાન 1922થી 1941ના ગાળામાં, તેમની આઠ ભાગમાં વહેંચાયેલી નવલકથા ‘ધ થાઇબૌલ્ટ્સ’ દ્વારા તેમને ખૂબ ખ્યાતિ મળી. આ નવલકથામાં ઓગણીસમી સદીના અંતથી માંડીને પ્રથમ વિશ્વયુદ્ધ સુધીના ફ્રાન્સમાં બદલાતાં જતાં સામાજિક અને નૈતિક મૂલ્યોનો ઇતિહાસ છે. નવલકથામાં કુટુંબનો નાનો પુત્ર જૅક્સ પોતાનો કુટુંબગત રોમન કૅથલિક સંપ્રદાય તજી દઈને ક્રાંતિકારી સમાજવાદના આદર્શોને વરેલો છે. તેનાથી મોટો ભાઈ ઍન્ટની તેના મધ્યમવર્ગના સંસ્કારવારસાને સ્વીકારે છે પણ તેની ધાર્મિક શ્રદ્ધામાં આશંકા સેવે છે.
પ્રથમ વિશ્વયુદ્ધમાં બંને પુત્રો મોતને ભેટે છે. આ નવલકથાની વિશેષતા એ છે કે તેમાં વિશાળ ફલક પર માનવસંબંધોનું ખૂબ જ ધીરજથી વિશ્લેષણ રજૂ થયું છે. માંદગીના બિછાને પડેલાં પાત્રોનું તાદૃશ વર્ણન તથા મૃત્યુપ્રસંગનાં દૃશ્યોનું વાસ્તવિક વર્ણન હૃદયંગમ છે. તેના સાતમા ભાગ ‘સમર 1914’માં યુરોપના દેશો યુદ્ધમાં કેવી રીતે ઢસડાયા તેનું નાટ્યાત્મક નિરૂપણ છે.
માર્ટિન દુ ગાર્દે સૌપ્રથમ વાર તેમની ‘જ્યાં બોરિસ’ (1913) કૃતિથી સાહિત્યપ્રેમીઓનું ધ્યાન ખેંચેલું. આ કૃતિમાં એક બૌદ્ધિકના મનમાં તેના રૉમન કૅથલિક ધર્મના જન્મથી મળેલા સંસ્કારો અને પુખ્ત વયમાં જેની અનુભૂતિ થઈ છે તે વૈજ્ઞાનિક ભૌતિકવાદી વિચારો વચ્ચેનો સંઘર્ષ આલેખાયો છે.
માર્ટિન દુ ગાર્દની જાણીતી કૃતિઓમાં ‘ધ પોસ્ટમૅન’ (1954) અને ‘રીકલેકસન્સ ઑવ્ આન્દ્રે જિદ’ (1953) ગણી શકાય. ‘ધ પોસ્ટમૅન’માં ફ્રાંસના ગ્રામજીવનનું પ્રતિબિંબ પાડતાં રેખાચિત્રો છે. જ્યારે ‘રીકલેકસન ઑવ્ આન્દ્રે જિદ’માં તેમના મિત્ર અને ફ્રાંસના જાણીતા લેખક આન્દ્રે જીદના જીવન અને ચિંતનનો પ્રમાણભૂત અભ્યાસ રજૂ થયો છે. તેમનાં નાટકોમાં ‘અ સાઇલન્ટ મૅન’ (1931) ખૂબ જાણીતું છે. આ નાટકમાં દબાયેલા સજાતીય સંબંધોની સમસ્યાનું નિરૂપણ છે. ફ્રાંસના ગ્રામીણ જીવનને અને ખાસ કરીને ત્યાંના ખેડૂતોના જીવનને પ્રતિબિંબિત કરતાં તેમનાં બે પ્રહસનો ‘ઓલ્ડ લેલૂઝ વિલ’ (1914) અને ‘ધ સ્વેલિંગ’ (1928) જાણીતાં છે. 1941માં તેમણે ‘લ જર્નલ ડૂ કર્નલ દ મૉમર્ટ’ નામની નવલકથા લખવાની શરૂ કરેલી અને તે કૃતિ તેમની સર્વશ્રેષ્ઠ કૃતિ બનશે તેવી તેમની માન્યતા હતી, પણ કૃતિ પૂરી થાય તે પહેલાં જ તેમનું નિધન થયું.
પંકજ જ. સોની
મહેશ ચોકસી