દુગ્ગલ, કર્તારસિંહ

March, 2016

દુગ્ગલ, કર્તારસિંહ [જ. 1 માર્ચ 1917, ધમીઅલ, જિ. રાવલપિંડી, (હવે પાકિસ્તાનમાં); અ. 26 જાન્યુઆરી 2012] : પંજાબી સાહિત્યકાર. ટૂંકી વાર્તા, નવલકથા, નાટક અને અનુવાદના ક્ષેત્રે વિશિષ્ટ સર્જન. બી.એ. (ઑનર્સ) પંજાબી સાહિત્યમાં અને એમ.એ. ની ઉપાધિ અંગ્રેજી સાહિત્યમાં પંજાબ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી. પ્રકાશનગૃહના મુખ્ય સંપાદક બન્યા તે પહેલાં ઑલ ઇન્ડિયા રેડિયોમાં નિયામક. નૅશનલ બુક ટ્રસ્ટના નિયામક અને પ્લાનિંગ કમિશનના સલાહકાર તરીકે તેમણે સેવા આપી હતી.

કર્તારસિંહ દુગ્ગલ

શરૂઆતમાં દુગ્ગલની ટૂંકી વાર્તાઓના સંગ્રહોમાં ‘સવેર સાર’ (1941), ‘પિપલ પતિયાં’ (1942), ‘કુદી કહાની કરદી ગઈ’ (1943), દેશના વિભાજન વેળાની હેવાનિયતની કથાઓમાં ‘ડેંગર’ (1947), ‘આગ ખાનેવાલે’ (1948) અને ‘નવાં ઘર’ (1950) છે. આ ઉપરાંત તેમની ટૂંકી વાર્તાઓના સંગ્રહ ‘ફૂલ તોરના મના હૈ’ (1952), ‘કરામત’ (1957), ‘પને પરે માયરે’ (1961) અને ‘ઇક છિત ચનાં દિ’ (1963), ‘મ્હાંજા નોહિં મોયા’, ‘સોનાર બાંગ્લા દેશ’ (1972), ‘ધોયા હોયા બુહા’ (1976), ‘ઇકરાંવાલી રાત’ (1979), ‘શર્દ પુનિયાં દિ રાત’ (1981), ‘મા પિઓ જાયે’, ‘મું પરદેશી’ (1982), ‘જલ કિ પિઆસ ન જાયે’ (1984), ‘તરકાલેં વેલે’ (1983) અને ‘હાંસ આદમી’ (1986) વગેરે પ્રકાશિત થયા છે. તેમની પંજાબીમાં લખાયેલી ટૂંકી વાર્તાઓનું હિંદીમાં ભાષાંતર ‘પચપન કલિયાં’ (1972) થયેલું છે. તેમની અન્ય કૃતિઓના પણ હિંદી અને અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ થયા છે. ઉપરાંત તેમણે ‘આંદ્રાન’ (1949), ‘નઉન તે માસ’ (1957), ‘ઇક દિલ વિકાઉ હૈ’ (1957) અને નવલકથાત્રયી ‘હાલ મુરિદા દા’ (1968) – એમ નવલકથાક્ષેત્રે પણ સર્જન કર્યું છે. તેમણે રેડિયો નાટક અને એકાંકી નાટકો પણ લખ્યાં છે. ‘ઇક સાઇફર સાઇફર’ (1941), ‘આ ગયે સાજન આ ગયે’ (1942), ‘મીઠા પાની’ (1951), ‘કોહ કું’ (1952), ‘પુરાનિયાં બોતલાં’ (1954) અને ‘ઇક આખ ઇક નઝર’ (1982) જેવી નાટ્યકૃતિઓ નોંધપાત્ર છે. તેમના કાવ્યસંગ્રહ ‘બંધ દરવાજે’ અને ‘કંધે કંધે’ છે. ‘નવીન પંજાબી કવિતા’ તેમનું વિવેચન છે. ‘કિસ પેહ ખોહલાં ગૌઠરી’ તેમની આત્મકથા છે.

તેમનું સમસ્ત સાહિત્યસર્જન ફ્રૉઇડની અસર તળે થયેલ છે. તેમની વાર્તાકથનની શૈલી અને વિષયની પસંદગી તેમને અન્ય લેખકોથી તદ્દન જુદા પાડે છે.

પંજાબ રાજ્યસરકાર દ્વારા તેમનું સન્માન શ્રેષ્ઠ સાહિત્યકાર તરીકે 1962માં કરાયેલું. સાહિત્ય એકૅડેમીએ ટૂંકી વાર્તાના સંગ્રહ ‘ઇક છિત ચનાં દિ’ માટે 1965ના વર્ષનો ઍવૉર્ડ આપેલો. 1981માં તેમને સોવિયેત લૅન્ડ નેહરુ ઍવૉર્ડ એનાયત થયેલો. આ ઉપરાંત ‘ગાલિબ ઍવૉર્ડ’, ‘ભારતીય ભાષા પરિષદ ઍવૉર્ડ’, ‘ભાઈ વીરસિંઘ ઍવૉર્ડ’ અને ‘સાહિર ઍવૉર્ડ’ મળેલ છે. ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’થી નવાજ્યા હતા.

ચન્દ્રકાન્ત મહેતા