દુહામેલ, જ્યોર્જ (જ. 30 જૂન 1884, પૅરિસ; અ. 13 એપ્રિલ 1966, વાલ્મોન્દોઈ) : ફ્રેન્ચ નવલકથાકાર, કવિ, વિવેચક. 1908માં વિજ્ઞાન-વિદ્યાશાખામાં પદવી મેળવ્યા બાદ તબીબી વિદ્યાનો અભ્યાસ કરીને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરની અગ્રિમ હરોળમાં સર્જન તરીકે સેવા આપી. યુદ્ધમાં ઘવાયેલ સૈનિકોની વેદના જોઈ તે દ્રવી ઊઠ્યા. યુદ્ધની નિરર્થકતાની અનુભૂતિ થતાં તેમણે ‘લા વી દે માર્તીર’ (1917) અને ‘સિવિલાઇઝેશન’ (1918) નવલકથાઓ લખી. તે પૈકી ‘સિવિલાઇઝેશન’ કૃતિને ‘પ્રિક્સ ગોન્કૉર્ત’ પુરસ્કાર મળ્યો.
તેમની પચાસ જેટલી નવલકથાઓના અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યા. આમાં ‘ન્યુઝ ફ્રોમ હાવ્ર’ (1934), ‘ધ પાસ્કવાયર ક્રૉનિકલ્સ’ (1937), ‘વ્હાય ફ્રાન્સ ફાઈટ્સ’ (1940) અને ‘લાઇટ ઑન માઈ ડેઇઝ’ (1948) સુપ્રસિદ્ધ છે. એમણે ‘મર્ક્યુરી દ ફ્રાન્સ’ સામયિકનું સુપેરે સંપાદન ર્ક્યું. 1935માં તેમને ‘અકાદમી ફ્રાન્કેઈસ’ ના સભ્યપદે ચૂંટવામાં અવ્યા. તેમને વિશેષ ખ્યાતિ અપાવનાર બે નવલકથાઓની શ્રેણીઓ છે : (1) ‘વાય એત્ એવેન્ચર્સ દ સાલવિન’(5 ગ્રંથો, 1920–32)નું અંગ્રેજીમાં ભાષાંતર ‘સાલવિન’ (ગ્રંથ 1 થી 4, 1936) નામે થયું. (2) બીજી શ્રેણી ‘ક્રૉનિક દે પાસ્કવાયર’(10 ગ્રંથો, 1933–45)નું અંગ્રેજીમાં ભાષાંતર ‘ધ પાસ્કવાયર ક્રૉનિકલ્સ’ (1937–46) નામે થયું. ‘ધ સાલવિન’ ગ્રંથશ્રેણીમાં વીસમી સદીના એક સામાન્ય માણસના અનુભવમાંથી પ્રગટતી હતાશા અને મૂંઝવણોનું હૂબહૂ વર્ણન છે, જ્યારે ‘ધ પાસ્કવાયર’ શ્રેણીમાં મધ્યમ વર્ગના એક નાયકની કથા છે જે પોતાની મુક્તિ માટે મથામણ કરે છે પણ કોઈ ધર્મ પરત્વે તેને લેશમાત્ર શ્રદ્ધા રહી નથી. બન્ને શ્રેણીઓમાં લેખકનાં રમૂજવૃત્તિ, સહાનુભૂતિ અને ઊંડું અવલોકન ર્દષ્ટિગોચર થાય છે. વિજ્ઞાન, તબીબી વિજ્ઞાન, સંગીત અને રંગભૂમિમાં તેમને સવિશેષ રસ હોવાથી તેમની લગભગ તમામ કૃતિઓ આ વિષયોનો સંસ્પર્શ પામી છે. પરિભ્રમણના શોખે તેમની કૃતિઓને જરૂરી કથાવસ્તુ પૂરાં પાડ્યાં છે. સુપ્રસિદ્ધ લેખક પૉલ ક્લૉડૅલના લખાણ તરફ પ્રથમ ધ્યાન દોરનાર દુહામેલ હતા. 1906માં તેમણે ઍબે(Abbaye) નામની સંસ્થાનું નિર્માણ ક્રીતેલ-સર-માર્નના લોકોની સેવા માટે કર્યું. તેના સભ્યો બહુધા છાપકામમાંથી આજીવિકા મેળવતા. જોકે તે બધા જાતમહેનતની સાથે બૌદ્ધિક વ્યાયામ પણ કરતા.
સાહિત્યોપાસનાની રંગત તેમના સહચિંતનમાં જોવા મળે છે. પરંતુ માત્ર ચૌદ માસ પછી સહુ સહુના રસ્તે ચાલ્યા જતાં આ પ્રયોગ સફળ થયો નહિ. જોકે આ સંગઠનમાંથી ભ્રાતૃભાવની લાગણી પ્રગટ થઈ અને સામાજિક જવાબદારીની ભાવના પણ વિકસી જેની વિશેષ અભિવ્યક્તિ દુહામેલ પોતે અને જુલે રોમાં પોતપોતાના સર્જનમાં કરે છે. 1920થી સ્વેચ્છાએ કરેલ નિરધાર મુજબ દુહામેલ સાહિત્યોપાસનામાં રચ્યાપચ્યા રહ્યા. મુખ્યત્વે તેમણે નવલકથાઓ પરના તેમના નિબંધોમાં સામાજિક અને નૈતિક પ્રશ્નોની છણાવટ કરી છે. ઉપરાંત પૂરા પાંચ ગ્રંથોમાં પ્રસરતી ‘લુમિયેર સર મા વી’ તેમની આત્મકથા છે. તેમના સમસ્ત સર્જનમાં જીવન પરત્વે માનવતાવાદી અભિગમ નીતરતો જણાય છે.
વિ. પ્ર. ત્રિવેદી