દુલ્બેકો રેનાટો

March, 2016

દુલ્બેકો રેનાટો (જ. 22 ફેબ્રુઆરી 1914, કેન્ટાન્ઝેરો, ઇટાલી; અ. 19 ફેબ્રુઆરી 2012, કૅલિફૉર્નિયા) : ગાંઠોના વિષાણુ અને કોષના જનીનદ્રવ્ય (genetic material) વચ્ચેની આંતરક્રિયા શોધી કાઢવા માટે ડેવિડ બાલ્ટિમોર અને હાવર્ડ માર્ટિન ટેમિન સાથે 1975નો તબીબી વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. દુલ્બેકો ટોરીનો યુનિવર્સિટીમાં ભણ્યા અને 1936માં એમ.ડી.ની ઉપાધિ મેળવી. થોડોક સમય લશ્કરમાં રહીને તે અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં બ્લુમિન્ગટન ખાતે લુરિઆ સાથે જોડાયા.

રેનાટો દુલ્બેકો

1952થી 1963માં તેઓ કેલ્ટેક ખાતે હતા અને પછીથી તેઓ સાક ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. તેમણે સામાન્ય કોષ કેવી રીતે કૅન્સરગ્રસ્ત બને છે તે પ્રક્રિયા સમજવા માટેના પ્રયોગો કર્યા. તેમણે કોષ-રૂપાંતરણ(cell-transformation)ની સંકલ્પના વિકસાવી હતી.

શિલીન નં. શુક્લ