દુલિપસિંહ (જ. 13 જૂન 1905, સરોદર, નવાનગર રાજ્ય, સૌરાષ્ટ્ર; અ. 5 ડિસેમ્બર 1959) : ભારતના પ્રથમ પંક્તિના ક્રિકેટ ખેલાડી. ઇંગ્લૅન્ડની ચેલ્ટનહામ કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી તેજસ્વી બૅટ્સમૅન તરીકે સહુનું ધ્યાન ખેંચ્યું હતું. 1925માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટીમ તરફથી ઑક્સફર્ડ યુનિવર્સિટીની ટીમ સામે 75 રન નોંધાવ્યા અને સસેક્સ કાઉન્ટી તરફથી ખેલવાની યોગ્યતા મેળવી. સસેક્સ કાઉન્ટી તરફથી પ્રથમ મૅચમાં લેસ્ટરશાયર સામે 97 રન કર્યા. 1924માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટપ્રવેશ કર્યો. 1930માં લૉર્ડ્ઝના મેદાન પર ઑસ્ટ્રેલિયા સામે ખેલતાં શાનદાર 173 રન કર્યા.

એ વર્ષે વિસ્ડનના વર્ષના શ્રેષ્ઠ પાંચ ક્રિકેટરોમાં સ્થાન મેળવ્યું. ક્રિકેટના વિશ્વવિખ્યાત લૉર્ડ્ઝના મેદાન પર જેન્ટલમેન વિ. પ્લેયર્સ નામની મૅચમાં લારવુડ ટાટે, ફ્રીમન અને વુલી જેવા ગોલંદાજો સામે બંને દાવમાં સદી કરી. ઇંગ્લૅન્ડ તરફથી કુલ 12 ટેસ્ટ-મૅચમાં એમણે 58 રનની સરેરાશ નોંધાવી. 1932માં દુલિપસિંહ છેલ્લી મૅચ રમ્યા અને ત્યારબાદ બીમારીને કારણે માત્ર 27 વર્ષની વયે ખેલવાનું છોડવું પડ્યું. આટલી ટૂંકી કારકિર્દીમાં દુલિપસિંહે પચાસ સદી કરી, જેમાં નૉર્ધમ્પ્ટનશાયર સામે એક જ દિવસમાં નોંધાવેલા 333 રન યાદગાર બની રહ્યા. રણજીની માફક તેઓ કુશળ અને ચપળ સ્લિપ ફિલ્ડર હતા. 1946માં દુલિપસિંહ ઇન્ડિયન ફૉરેન સર્વિસમાં જોડાયા અને એક વર્ષ બાદ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડના હાઈ કમિશનર બન્યા.

દુલિપસિંહ

1953માં ભારત પાછા ફર્યા. સૌરાષ્ટ્ર રાજ્યના પબ્લિક સર્વિસ કમિશનના ચૅરમૅન બન્યા. ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑવ્ સ્પૉર્ટ્સના પ્રમુખ તરીકે સફળ કામગીરી બજાવી. દુલિપસિંહ ભારતીય ક્રિકેટના માર્ગદર્શક બની રહ્યા. આજે એમની સ્મૃતિમાં ભારતમાં જુદા જુદા ઝોન વચ્ચે દુલિપ ટ્રૉફી રમાય છે.

પ્રભુદયાલ શર્મા