દુલિપ ટ્રૉફી

March, 2016

દુલિપ ટ્રૉફી : ક્રિકેટની એક રાષ્ટ્રીય સ્પર્ધા. રણજી ટ્રૉફીના અનુસંધાનમાં ભારતના જુદા જુદા ઝોન વચ્ચે ક્રિકેટસ્પર્ધા માટેની ટ્રૉફી. 1961ની 30 સપ્ટેમ્બરે મદ્રાસ (ચેન્નાઈ) ખાતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની 33મી વાર્ષિક સામાન્યસભામાં જામ રણજિતસિંહના ભત્રીજા અને બે વિશ્વયુદ્ધના ગાળામાં ઉત્તમ ક્રિકેટ કસબ દાખવનાર દુલિપસિંહના સ્મરણાર્થે આ પ્રકારની ક્રિકેટ સ્પર્ધા યોજવાનું ઠરાવાયું અને 1961–62થી દેશના પાંચ ઝોન વચ્ચેની દુલિપ ટ્રૉફી સ્પર્ધાનો પ્રારંભ થયો. આ પૂર્વે મુંબઈમાં પચરંગી સ્પર્ધામાં કોમવાર ટીમો ભાગ લેતી હતી.  પણ, વિખવાદને કારણે તે બંધ પડી. દુલિપ ટ્રૉફી નૉક આઉટ પદ્ધતિ પ્રમાણે રમાતી હતી. આમાં શરૂઆતમાં હારી જનારી ટીમના શક્તિશાળી ખેલાડીને વિશેષ તક મળતી નહોતી તેથી 1993માં ક્રિકેટના ખેલાડીઓ અને નિષ્ણાતોના સૂચનના પરિણામે દુલિપ ટ્રૉફી લીગના આધાર પર રમવામાં આવે છે. આ ટૉફીની સૌપ્રથમ મૅચ ચેન્નાઈ ખાતે 30 સપ્ટેમ્બર, 1961ના રોજ દક્ષિણ અને ઉત્તર ઝોન વચ્ચે રમાઈ હતી.

ચિનુભાઈ શાહ