દુર્વિકસન (dysplasia) : અનિયમિત અને અલાક્ષણિક (atypical) સંખ્યાવૃદ્ધિ પામતા કોષોથી ઉદભવતો વિકાર. ‘દુર્વિકસન’નો શાબ્દિક અર્થ ‘કોષોનો ખોટો અને વિકારયુક્ત વિકાસ’ થાય છે. પરંતુ વ્યવહારમાં તેને વિકારયુક્ત સંખ્યાવૃદ્ધિ(proliferation)ની સ્થિતિ સાથે જોડવામાં આવે છે. તેથી પુખ્ત કોષોનાં કદ, આકાર અને બંધારણમાં વિષમતા (abnormality) આવી ગયેલી હોય છે.
પરાવિકસન(metaplasia)માં કોષો પરિસ્થિતિને અનુકૂળ થવા અન્ય રીતે અથવા અન્ય પ્રકારના કોષ તરીકે વિકાસ પામે છે. દુર્વિકસનમાં આવું લાક્ષણિક અનુકૂલન હોતું નથી. તેથી તેને અલાક્ષણિક પરાવિકસન કહી શકાય. ગર્ભનાં ત્રણ પડમાંથી શરીરનો વિકાસ થાય છે. શરીરની સપાટી પર કે પોલા અવયવની સપાટી પર બહારના પડને અધિચ્છદ (epithelium) અને અંદરના પડને અંતશ્ચછદ (endothelium) કહે છે. બંનેની વચ્ચે આવેલા કોષોના પડને મધ્યચ્છદ (mesothelium) કહે છે. દુર્વિકસન અધિચ્છદ અને મધ્યચ્છદમાં થાય છે. જોકે મુખ્યત્વે તે અધિચ્છદીય વિકાર ગણાય છે. ક્યારેક દુર્વિકસન પામેલી પેશીમાં કૅન્સર થાય છે. લાંબા સમયનો ઘસારો, ચચરાટ કે સંક્ષોભન (irritation) અથવા શોથ (inflammation) દુર્વિકસન કરે છે. સતત થતા ચચરાટની સ્થિતિને સંક્ષોભન કહે છે જ્યારે ઈજા કે ચેપ પછી પેશીમાં આવતા પીડાકારક સોજાની સ્થિતિને શોથ કહે છે. ગર્ભાશય-ગ્રીવા અથવા ગર્ભાશયની ગ્રીવા અથવા મુખ(uterine cervix)ની સપાટી પર થતું દુર્વિકસન પાછળથી કૅન્સરમાં પરિણમે છે. તેથી તેના કોષોને પેપાનિકુલાઉ કસોટી (પેપ ટેસ્ટ) દ્વારા તપાસવામાં આવે તો ગર્ભાશયના મુખના કૅન્સરનું અગાઉથી નિદાન કરી શકાય છે. તે તબક્કે તે મટે છે. આવું દુર્વિકસન શ્ર્વાસની નળીઓમાં અને અન્યત્ર પણ જોવા મળ્યું છે.
દુર્વિકસન થાય ત્યારે સપાટી પર આવેલું સ્તરીકૃત લાદીસમ અધિચ્છદ (stratified squamous epithelium) નામનું પડ જાડું બને છે. (જુઓ આકૃતિ.) તેના કોષો પાકટ (mature) થતા અટકે છે. વિવિધ જગ્યાએ કોષદ્વિભાજન થતું જોવા મળે છે. તેથી તેમાં DNAનું પ્રમાણ વધે છે અને કોષકેન્દ્રો વધુ પડતા બેઝોરાગી (basophilic) બને છે. દુર્વિકસનના ફેરફારો શમીને ફરીથી કોષો સામાન્ય સ્થિતિના થઈ શકે છે. આવું કૅન્સરના ઉદભવ પછી બનતું નથી.
શિલીન નં. શુક્લ
શાંતિલાલ રણછોડભાઈ પટેલ