દુર્ગ : નગરના રક્ષણ અર્થે બાંધવામાં આવતો કિલ્લો. પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં દુર્ગ-નિર્માણને રાજ્યના અનિવાર્ય અંગ તરીકે લેખવામાં આવેલ છે. દુર્ગ વિનાના રાજાને ઝેરવિહીન સર્પ કે દંતશૂળવિહીન હાથી સાથે સરખાવવામાં આવ્યો છે. એક હજાર હાથી અને એક લાખ ઘોડા જેટલું બળ રાજા એક દુર્ગ દ્વારા પ્રાપ્ત કરી શકે છે એવું શાસ્ત્રકારોનું વિધાન છે.
ભારતીય વાસ્તુવિદ્યામાં દુર્ગના વિવિધ પ્રકારો ગણાવ્યા છે, જેમાં નૈસર્ગિક રીતે ભૌગોલિક પરિસ્થિતિઓથી, પર્વત, નદી વગેરેને આશ્રયે રચાતા દુર્ગોને સ્વાભાવિક કે અકૃત્રિમ દુર્ગ કહ્યા છે. આવા સ્વાભાવિક દુર્ગોમાં જલદુર્ગ, પ્રાસ્તારદુર્ગ, વનદુર્ગ, મિશ્રક દુર્ગ અને મરુદુર્ગ જેવા પ્રકારો પણ પડે છે. ઊંડા પાણી કે મહાજળથી ઘેરાયેલ દુર્ગ જે સાધારણ રીતે નદી કે સમુદ્રજળથી ઘેરાયેલા હોય તેને ‘જલદુર્ગ’ કે ‘સલિલદુર્ગ’ કહે છે. આવા દુર્ગ ઘણું કરીને ઊંડા વહેણવાળી નદી કે સમુદ્ર વચ્ચે આવેલ દ્વીપ પર હોય છે. યમુનાકાંઠે આવેલો મુઘલકાલીન લાલ કિલ્લો આનું સારું ર્દષ્ટાંત છે. પ્રાસ્તાર કે શૈલમય દુર્ગના ગિરિદુર્ગ, ગુહાદુર્ગ અને ગર્તાદુર્ગ એવા ત્રણ પ્રકારો જાણીતા છે. પર્વતની ટોચ પર આવેલા દુર્ગને ગિરિદુર્ગ કહે છે. એમાં ચઢાણ આકરું હોય છે અને દુર્ગને ફરતી ઝાડી હોય છે. દુર્ગમાં જળસંચય અને અનાજના કોઠાર તથા લાંબા સમય સુધી સુરક્ષાકવચ તરીકે કામ લાગે તેમજ બાહ્ય આક્રમણ વખતે પૂરેપૂરું રક્ષણ મળી રહે તેવી જોગવાઈ હોય છે. શાસ્ત્રોમાં ગિરિદુર્ગને શ્રેષ્ઠ કહ્યા છે. ભારતમાં આ પ્રકારના દુર્ગોનાં સંખ્યાબંધ ર્દષ્ટાંત મળી આવે છે. જેમ કે, દેવગિરિનો કિલ્લો, ગ્વાલિયરનો કિલ્લો, મેવાડમાં ચિતોડગઢ, જયપુરનો આંબેરગઢ, ગુજરાતમાં જૂનાગઢનો ઉપરકોટ, પાવાગઢ, ઈડરનો ગઢ, મહારાષ્ટ્રમાં રાયગઢ, સિંહગઢ વગેરે આ પ્રકારના ગિરિદુર્ગ છે.
જે દુર્ગ ચારે બાજુ પહાડીઓથી ઘેરાયેલો હોય તેને ગુહાદુર્ગ કહે છે. જયપુર અને ઉદયપુરના કિલ્લા આ પ્રકારના છે. બે પહાડોની વચ્ચેની ખીણમાં રચાયેલ દુર્ગને ગર્તાદુર્ગ કહે છે. બુંદીનો કિલ્લો આ પ્રકારનો છે. વનની મધ્યે ગીચ ઝાડીથી આવૃત દુર્ગને ‘વનદુર્ગ’ કહેવામાં આવે છે; જ્યારે પર્વત અને વન બંનેનાં તત્વોના સંયોજનવાળો દુર્ગ મિશ્રક કે મિશ્ર દુર્ગ કહેવાય છે. સાધારણ રીતે તે ડુંગરમાળની વચ્ચે જંગલોથી આવૃત હોય છે. જોકે કૌટિલ્યે કીચડ-ગારો અને પાણીના મિશ્રણથી રચાયેલ દુર્ગને ‘મિશ્રિત દુર્ગ’ કહ્યો છે. ‘મરુદુર્ગ’ એટલે વેરાન રણવિસ્તારમાં અથવા ખાડા-ટેકરા અને ગીચ કાંટા-ઝાડી-ઝાંખરાંવાળા સ્થળે કરેલો દુર્ગ. એને ઇરિણ, રિણ કે રણ-દુર્ગ પણ કહે છે. થરના રણ વચ્ચે આવેલો જેસલમેરનો કિલ્લો આનું સરસ ર્દષ્ટાંત પૂરું પાડે છે.
પૌરુષદુર્ગ એટલે માનવસર્જિત કૃત્રિમ દુર્ગ. આવા દુર્ગો મોટે ભાગે ભૂમિ પર રચાતા હોવાથી તેને ‘ભૂમિદુર્ગ’ અને તેમની રચનામાં પાષાણ, ઇષ્ટિકા (ઈંટ) અને મૃત્તિકા (માટી) પ્રયોજાતાં હોવાથી પદાર્થ પરત્વે તેમને અનુક્રમે પાષાણદુર્ગ, ઇષ્ટિકાદુર્ગ કે મૃત્તિકાદુર્ગ પણ કહે છે. મૃત્તિકાદુર્ગને લોકભાષામાં ધૂલિકોટ કે ધૂળકોટ પણ કહે છે. ભરતપુરનો કિલ્લો મૃત્તિકાદુર્ગ પ્રકારનો છે.
ઉપર્યુક્ત રચના પરત્વેના પ્રકારો ઉપરાંત ઉપયોગ પરત્વે દુર્ગના ત્રણ પ્રકારો જાણીતા છે. સેના અને યુદ્ધને લક્ષમાં રાખીને પ્રયોજાતા દુર્ગોને અનુક્રમે સૈન્યદુર્ગ કે યુદ્ધદુર્ગ કહે છે. શત્રુઓને છેતરવા, લલચાવવા અને એ રીતે આગળ વધતા અટકાવવા કરાયેલા દુર્ગને ‘કૂર્મદુર્ગ’ કહે છે. જ્યારે યુદ્ધમાં કટોકટીની પળે, રક્ષણ માટે અન્ય કોઈ ઉપાય ન રહે ત્યારે સૈનિકો સ્વયં એક કતારમાં ખડા રહી અભેદ્ય દીવાલ જેવું સ્વરૂપ ધારણ કરે તેને નૃદુર્ગ, નરદુર્ગ કે મનુષ્યદુર્ગ કહે છે.
રચના પરત્વે દુર્ગનાં સ્થાપત્યકીય અંગ-ઉપાંગોમાં દુર્ગને ફરતો પ્રાકાર કે સાલ નામની રાંગ અથવા દીવાલ અને તેને બહાર ફરતી પરિખા એટલે પહોળી અને ઊંડી ખાઈ અને પ્રાકારમાં કરેલાં પ્રવેશદ્વાર (પ્રતોલી) એ અનિવાર્ય અંગો ગણાય છે.
પ્રાકારના ઘાટ પરથી દુર્ગનો આકાર કે સ્વરૂપ નક્કી થાય છે. પ્રાકારનાં શાસ્ત્રોમાં 10, 12 અને 16 આકારો નોંધાયા છે એ પૈકી ચતુરસ્ર (ચોરસ), આવૃત્ત (લંબચોરસ), વૃત્તાકાર, ભદ્રક (તારાકાર) અને ત્રિકોણ જાણીતા છે. પ્રાકારની દીવાલ સાધારણ રીતે આઠ હાથ જેટલી પહોળી રખાય છે. તેના ઉપરના ભાગમાં સૈનિકોની હરફર થઈ શકે તેવા ‘દેવપથ’ કે ‘સુરપથ’ની રચના કરવામાં આવે છે. સૈનિકો એના ઉપર ઊભા રહીને દુશ્મનો પર વાર કરી શકે. દુશ્મનોના આક્રમણ સામે એમને પૂરેપૂરું રક્ષણ મળી શકે એવી આ રચનાને ‘કંઠવારિણી’ કે ‘કાંઠી’ પણ કહેવામાં આવતી. કાંઠીની બહારની દીવાલ પર ચોરસ, લંબચોરસ કે ત્રાંસાં બાકાં રખાતાં જેને ‘અધોમુખી’ કે ‘બાણમુખી’ કહેતા. બાકાં ત્રાંસાં કરવાને લીધે અંદર રહેલ સૈનિક દુશ્મનને સરળતાથી જોઈ તેનું નિશાન લઈ શકતો. પણ દુશ્મન તેને જોઈ શકતો નહિ. વળી કાંઠીને મથાળે ‘કપિશીર્ષ’ કે કાંગરાની રચના થતી અને બે કાંગરા વચ્ચે સહેજ જગ્યા રખાતી. કાંગરાને લઈને દુર્ગના સૌંદર્યનો વધારો થવા ઉપરાંત ઢાલરૂપ બનતા કાંગરાને લઈને સૈનિક શત્રુની હિલચાલનું નિરીક્ષણ કરવા ઉપરાંત તેના પર સુગમતાથી વાર કરી શકતો. પ્રાકારમાં સંકટ વખતે રાજા છટકી શકે તે માટે સંકટબારી (છટકબારી) પણ રાખવામાં આવતી. દુર્ગની દીવાલને નિર્ગમિત કરીને અટ્ટાલક એટલે કે બુરજની રચના કરવામાં આવતી. આથી કિલ્લાની દીવાલની એકરૂપતા તૂટતાં કિલ્લાના સૌંદર્યમાં વૃદ્ધિ થતી, ઉપરાંત એના પર ત્રણે દિશાએથી શત્રુઓ પર શસ્ત્ર ચલાવી શકાતાં. અટ્ટાલક સાધારણ રીતે વૃત્તાકાર, ચતુરસ્ર, અષ્ટભદ્રક (તારાકૃતિ) કે અષ્ટકોણાકાર બનતા. અટ્ટાલકોની દીવાલો પણ પ્રાકારની જેમ ઉભડક અને લગભગ એટલી જ પહોળાઈ-ઊંચાઈની રચવામાં આવતી. પ્રાકારમાં પ્રવેશદ્વારે સ્તંભો, પાટ અને તોરણની રચનાથી ‘પ્રતોલી’નું નિર્માણ થતું. પ્રતોલીઓને બુરજો કરતાં પણ વધુ શણગારવામાં આવતી. આ પ્રતોલીઓને બંધ કરવા મજબૂત દરવાજાઓની રચના થતી. પ્રતોલીઓ અંબાડી સહિતના હાથી સરળતાથી અવર-જવર કરી શકે એટલી ઊંચી રચાતી.
સાહિત્યિક અને પુરાવસ્તુવિદ્યાનાં પ્રમાણોને લક્ષમાં લેતાં જણાય છે કે છેક ઋગ્વેદકાળથી દુર્ગો બનતા હતા. ઋગ્વેદમાં ‘કાષ્ઠ-દુર્ગ’ના ઉલ્લેખ મળે છે. આદ્ય ઐતિહાસિક કાલમાં મોહેં-જો-દડો, હડપ્પા, કોટડીજી, લોથલ, દેશળપર વગેરે સ્થળોએથી સિંધુ સંસ્કૃતિના કિલ્લેબંધીના અવશેષો પ્રાપ્ત થયા છે. રામાયણ અને વિશેષે કરીને મહાભારતમાં દુર્ગોના ઉલ્લેખ અને તેની રચના અંગેનાં વર્ણનો મળે છે. ઐતિહાસિક કાલનો પ્રાચીનતમ કિલ્લો બિહારનો રાજગૃહનો મનાય છે. મેગેસ્થિનીસે વર્ણવેલ અને પટણાના ખોદકામમાંથી ઉપલબ્ધ થયેલ પાટલિપુત્રના કિલ્લાના અવશેષ એની પ્રતીતિરૂપ છે. ભુવનેશ્વર પાસેનો શિશુપાલગઢ, આંધ્રપ્રદેશમાં આવેલ નાગાર્જુનીકોંડાના કિલ્લાના અવશેષ, દક્ષિણમાં અઇયોળ, ગુજરાતમાં ઝીંઝુવાડા અને ડભોઈના કિલ્લા, દિલ્હીમાં બારમી સદીમાં બંધાયેલ કિલા-ઈ-રાય પિથોરા, એ જ અરસામાં બંધાયેલ દેવગિરિના યાદવોનો દુર્ગ વગેરે પ્રાચીન કાલના ઉલ્લેખનીય કિલ્લાઓ ગણાય છે.

ગ્વાલિયરનો કિલ્લો
મધ્યકાળમાં પણ દુર્ગ-નિર્માણની પદ્ધતિ પ્રચલિત રહી અને અનેક અભિનવ કિલ્લાઓની રચનામાં કલાકારો પોતાનું નૈપુણ્ય દાખવતા રહ્યા. દિલ્હીનો પુરાના કિલા અને લાલ કિલ્લો, આગ્રાનો કિલ્લો, ગ્વાલિયરનો કછવાહાઓનો દુર્ગ, ચંદેલાનો કાલિંજરનો કિલ્લો, ગુહિલોનો ચિતોડગઢ, બિહારમાં રોહતાસગઢ, કાશી પાસે ચુનારનો કિલ્લો, દક્ષિણમાં બીજાપુર, ગોલકોંડા, અહમદનગર અને માળવામાં માંડુના કિલ્લા વગેરે ઇતિહાસ-પ્રસિદ્ધ છે.
પ્રવીણચંદ્ર પરીખ