દુબે, કુંજિલાલ

March, 2016

દુબે, કુંજિલાલ (જ. 18 માર્ચ 1896, આમગાંવ, નરસિંહપુર જિલ્લો, મધ્યપ્રદેશ; અ. 2 જૂન, 1970) : મધ્યપ્રદેશના સ્વાતંત્ર્યસેનાની, કેળવણીકાર અને વિધાનસભાના અધ્યક્ષ. બી.એ., એલએલ.બી. સુધીના અભ્યાસ બાદ જબલપુરમાં વકીલાત. શરૂમાં મદનમોહન માલવિયા તથા લાલા લજપતરાય અને તે પછી ગાંધીજીથી પ્રભાવિત. તેઓ રવિશંકર શુક્લ, ડી. પી. મિશ્ર અને શેઠ ગોવિંદદાસના સંપર્કમાં આવ્યા. જાહેર જીવન શરૂ કરી 1924માં મહાકોશલ હિન્દુ મહાસભાના મંત્રી ચૂંટાયા અને 1937 સુધી તે હોદ્દા પર રહ્યા. હિન્દુ મહાસભા સાથે પાયાનો મતભેદ થતાં દુબેજીએ 1937માં કૉંગ્રેસમાં જોડાઈ મહાકોશલમાં કૉંગ્રેસ પક્ષ તથા સેવાદળનું સંગઠન મજબૂત કર્યું. ડિસેમ્બર, 1940માં મહાકોશલ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ નિમાયા બાદ વ્યક્તિગત સત્યાગ્રહ માટે તેમની  ધરપકડ થઈ અને 6 માસની કેદ ભોગવી. 1942માં ’હિંદ છોડો’ ચળવળ શરૂ થતાં તેમની ધરપકડ કરીને 18 માસ કેદમાં રાખવામાં આવ્યા.

કૉંગ્રેસની ટિકિટ ઉપર તેઓ મધ્યપ્રદેશની વિધાનસભામાં 1946થી  પાંચ વાર ચૂંટાઈ 24 વર્ષ સુધી તેના સભ્ય રહ્યા. આ દરમિયાન 1952થી માર્ચ, 1967 સુધી વિધાનસભાના અધ્યક્ષનો હોદ્દો 15 વર્ષ સંભાળ્યો.  તટસ્થતા અને શિસ્તના આગ્રહથી તેમણે ગૃહની પ્રતિષ્ઠા વધારી. 1967ની ચૂંટણી બાદ તેઓ મધ્યપ્રદેશના નાણામંત્રી બન્યા.

1946થી 1956 સુધી ત્રણ વાર તેઓ નાગપુર યુનિવર્સિટીના ઉપકુલપતિ ચૂંટાયા. તે યુનિવર્સિટીમાં શિક્ષણના માધ્યમ તરીકે 1950માં હિંદી અને મરાઠી ભાષા દાખલ કરી, વિજ્ઞાનના અભ્યાસક્રમો મુજબનાં પુસ્તકો હિંદી તથા મરાઠીમાં લખાવ્યાં. ભારત, મ્યાનમાર (બર્મા) અને શ્રીલંકાના ઇન્ટર-યુનિવર્સિટી બોર્ડના પ્રમુખ તરીકે ચૂંટાઈને રંગૂનની બેઠકનું પ્રમુખપદ તેમણે સંભાળ્યું. કેમ્બ્રિજમાં ઈ. સ. 1953માં ભરાયેલ કૉમનવેલ્થ યુનિવર્સિટીઓના પંચવાર્ષિક અધિવેશનમાં હાજરી આપીને પાછા ફરતાં યુરોપની કેટલીક યુનિવર્સિટીઓની મુલાકાત લીધી. ઈ. સ. 1954માં કિંગસ્ટન (કૅનેડા) ખાતે ભરાયેલ ‘કૉમનવેલ્થ યુનિવર્સિટીઝ કૉન્ફરન્સ’ની કાર્યવાહક સમિતિની સભામાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ત્યારબાદ કૅનેડાની યુનિવર્સિટીઓની મુલાકાત લીધી. ઈ. સ. 1958માં દુબે જબલપુર યુનિવર્સિટીના પ્રથમ ઉપકુલપતિ નિમાયા. તેમની સેવાઓની કદર કરીને તેમને જબલપુર તથા વિક્રમ યુનિવર્સિટીઓએ અનુક્રમે 1964 તથા 1966માં ‘ડૉક્ટર ઑવ્ લૉઝ’ની ઉપાધિથી તથા ભારતના પ્રમુખે ‘પદ્મભૂષણ’ના ખિતાબથી નવાજ્યા હતા.

જયકુમાર ર. શુક્લ