દુબચેક, ઍલેક્ઝાન્ડર [જ. 27 નવેમ્બર 1921, ચૅકોસ્લોવૅકિયા (હાલનું સ્લોવાકિયા); અ. 7 નવેમ્બર 1992, પ્રાગ (હાલનું ચૅક રિપબ્લિક)] : ચૅકોસ્લોવૅકિયાના રાજપુરુષ તથા ચૅકોસ્લોવૅકિયાના સામ્યવાદી પક્ષના પ્રથમ મંત્રી (5 જાન્યુઆરી, 1968થી 17 એપ્રિલ, 1969). ચૅકોસ્લોવૅકિયાને આર્થિક-રાજકીય સુધારાઓ અને ઉદારીકરણના માર્ગે અગ્રેસર કરનાર આ મુત્સદ્દીએ પ્રાથમિક શિક્ષણ સોવિયેત મધ્ય એશિયાના કિરગીઝિયા ખાતે લીધું હતું. દુબચેકના પિતા સ્ટેફન દુબચેક ચૅકોસ્લોવૅકિયાના સામ્યવાદી પક્ષના સભ્ય હતા. 1938માં દુબચેકનું કુટુંબ ચૅકોસ્લોવૅકિયા પાછું ફર્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન દુબચેકે એક રાષ્ટ્રપ્રેમી તરીકે નાઝી કબજાનો ભૂગર્ભમાં રહીને સામનો કર્યો. યુદ્ધોત્તર સમયમાં દુબચેકે ચૅકોસ્લોવૅકિયાના સામ્યવાદી પક્ષમાં ધીમે ધીમે પ્રગતિ કરીને 1958માં બ્રાટીસ્લાવાની પ્રાદેશિક સમિતિના મુખ્ય મંત્રી તથા 1962માં દુબચેક મધ્યસ્થ સમિતિના ‘પ્રિસિડિયમ’ના પૂર્ણકાલીન સભ્ય બન્યા.
ઑક્ટોબર, 1967માં પ્રાગ ખાતે મધ્યસ્થ સમિતિમાં પક્ષ, આર્થિક સુધારાવાદીઓ અને સ્લોવાક રાષ્ટ્રવાદીઓનો ટેકો મેળવીને દુબચેકે ઍન્ટની નોવોટનીને પક્ષની નેતાગીરી છોડવા માટે ફરજ પાડી. 5 જાન્યુઆરી, 1968ના રોજ પક્ષના પ્રથમ મંત્રી તરીકે નોવોટનીના સ્થાને દુબચેકને નીમવામાં આવ્યા. સત્તા હાંસલ કર્યા પછી દુબચેકે ચૅકોસ્લોવૅકિયામાં દૂરગામી આર્થિક-રાજકીય સુધારાઓનો કાર્યક્રમ ‘ચૅકોસ્લોવૅકિયા´સ રોડ ટુ સોશિયાલિઝમ’ અમલમાં મૂક્યો. અખબારોને વાણીસ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય બક્ષવામાં આવ્યું તથા સ્ટાલિનના જમાનામાં રાજકીય દમનનો ભોગ બનેલાઓનું પુન:સ્થાપન કરવામાં આવ્યું.
ચૅકોસ્લોવૅકિયાની આ ઘટનાએ સોવિયેત સંઘમાં અજંપો ઊભો કર્યો. બન્ને દેશોના નેતાઓ વચ્ચે સ્લોવાક ખાતે દીર્ઘ વાટાઘાટો થઈ અને આ વાટાઘાટોને પરિણામે જે સમાધાન સાધવામાં આવ્યું હતું, તેને પૂર્વ યુરોપના અન્ય સામ્યવાદી દેશોએ સમર્થન આપ્યું (3 ઑગસ્ટ, 1968). આમ છતાં સોવિયેત સંઘ ચૅકોસ્લોવૅકિયાની ઘટનાથી અસંતુષ્ટ તથા ઉદારીકરણનાં પરિણામો વિશે ચિંતાતુર હતું. પરિણામે 20–21 ઑગસ્ટના રોજ સોવિયેત સંઘ તથા સાથી રાજ્યોની સેનાએ ચૅકોસ્લોવૅકિયા પર હુમલો કર્યો તથા દુબચેક અને પ્રિસિડિયમના અન્ય પાંચ સભ્યોની અટકાયત કરી તેમને મૉસ્કો લઈ જવામાં આવ્યા. સોવિયેત સંઘે આ અટકાયતી નેતાઓ પાસેથી સારી એવી છૂટછાટો હાંસલ કરી. પ્રાગ ખાતે પાછા ફરીને દુબચેકે લોકોને સહકાર આપવા માટે લાગણીભરી અપીલ કરી.
દુબચેકની નબળી સ્થિતિનો લાભ લઈને તેના પ્રગતિશીલ સાથીદારોને એક પછી એક હોદ્દાઓ પરથી દૂર કરવામાં આવ્યા. તથા એપ્રિલ, 1969માં તેમને પણ પ્રથમ મંત્રી તરીકે દૂર કરીને ‘સમવાયી પરિષદ’(Federal Assembly)ના પ્રમુખ બનાવવામાં આવ્યા. 1970માં દુબચેકને તુર્કસ્તાન ખાતે એલચી તરીકે મોકલવામાં આવ્યા; પરંતુ પક્ષમાંથી હકાલપટી પછી દુબચેકને પ્રાગ ખાતે પાછા બોલાવી લેવામાં આવ્યા તથા વનવિભાગના ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
1989ના વેલ્વેટ રેવૉલ્યૂશન (Velvet Revolution) દરમિયાન તેમણે પબ્લિક અગેન્સ્ટ વાયોલંસ (VPN) અને ‘સિવિક ફૉરમ’ ને સમર્થન પૂરું પાડેલું. ત્યારબાદ તેઓ વૉકલાવ હાવેલ સાથે 24 નવેમ્બર, 1989માં એક જાહેર પ્રસંગે જોવા મળેલા. તે પછી ‘સિવિક ફૉરમ’ના એક પ્રસંગે સામ્યવાદી પક્ષના પૂરા નેતાગણે રાજીનામું આપ્યું હતું. કારણ ચૅકોસ્લોવૅકિયામાંથી સામ્યવાદી શાસન ખતમ થયું હતું.
28 ડિસેમ્બર, 1989ના દિવસે દુબચેક ફેડરલ ઍસેમ્બ્લી(ચૅકોસ્લોવૅકિયાની સંસદ)ના અધ્યક્ષ ચૂંટાયા અને 1990 અને 1992માં તેઓ ફરી ચૂંટાતા રહ્યા. તે પછીથી તેઓ તેમના ‘માનવીય સમાજવાદી અભિગમ’ (humanistic socialist outlook) માટે જાણીતા બન્યા. તેમના આ માનવલક્ષી અભિગમ થકી ચૅકોસ્લોવૅકિયામાં વેલ્વેટ રેવૉલ્યુશન વિજયી નીવડ્યું. આથી 1990માં તેમને International Hunamistic Award એનાયત થયો. ચૅકોસ્લોવૅકિયાના વિદ્યાર્થીઓને અમેરિકામાં અભ્યાસ કરવાની તકો મળે તે માટેના પ્રયાસો થયા અને 1990માં તેમણે અમેરિકાની મુલાકાત લીધી.
1992માં તેઓ ત્યાંની સોશિયલ ડેમૉક્રૅટિક પાર્ટીના નેતા બન્યા અને તેમણે ત્યાંની ફેડરલ ઍસેમ્બ્લીમાં આ પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું. તે સાથે સ્વતંત્ર સ્લોવાક રાજ્યની સ્થાપનાને બદલે તેમણે સ્લોવાક સમવાયતંત્રની દિશામાં પણ પ્રયાસો કર્યા હતા.
રક્ષા મ. વ્યાસ
નવનીત દવે