દુ:ક્ષીણતા (degeneration) : ફરીથી સામાન્ય સ્થિતિ સ્થપાઈ શકે તેવું કોષનું કાર્ય નીચલા સ્તરે ઊતરી ગયેલું હોય તેવી સ્થિતિનો વિકાર. તેમાં કોષો કોઈક અસામાન્ય રાસાયણિક ક્રિયાને કારણે કાં તો લઘુતાકક્ષા(lower level)માં આવે છે અથવા તો કોઈ અન્ય રસાયણનો ભરાવો (infiltration) થાય છે. પોષણના અભાવે કોષ કે અવયવના કદમાં થતા ઘટાડાને અપોષી ક્ષીણતા અથવા ક્ષીણતા (atrophy) કહે છે. તેવી જ રીતે વિષમ પ્રકારના પોષણને કારણે થતા કોષમાંના વિકારને અપક્ષીણતા (dystrophy) કહે છે. દુ:ક્ષીણતાને તે બંનેથી અલગ પાડવામાં આવે છે. કોષને થયેલી ઈજા જ્યારે રુઝાઈ જાય ત્યારે જો કોષ મૂળ સામાન્ય સ્થિતિમાં આવે તો તે તેવી ઈજાને નિવર્તનીય (reversible) ઈજા કહે છે. કોષને થતી આવી નિવર્તનીય ઈજા દુ:ક્ષીણતા કરે છે, જ્યારે કોષને થતી કોઈ પણ કાયમી ઈજા કોષનાશ (necrosis) કરે છે.

પેશીના વિકાસ(development)માં થતા ઘટાડાને અલ્પવિકસન (hypoplasia) અને વિકાસ અટકી પડે તો તેને અવિકસન (aplasia) કહે છે. તેનો વિષમ પ્રકારનો વિકાસ થાય તો તેને દુર્વિકસન (dysplasia) કહે છે, જેમાંથી ક્યારેક કૅન્સર ઉદભવે છે. આમ, ક્ષીણતા, દુ:ક્ષીણતા અને અપક્ષીણતા કદ (ભૌતિક પરિબળ) કે રાસાયણિક પરિબળમાંનો ઘટાડો સૂચવે છે. અલ્પવિકસન, અવિકસન અને દુર્વિકસન કોષ કે પેશીના વિકાસનો વિકાર સૂચવે છે. દુ:ક્ષીણતા ખરેખર તો ફક્ત નિવર્તનીય રાસાયણિક લઘુતાકક્ષા સૂચવે છે.

દુ:ક્ષીણતા કરતાં પરિબળોમાં ઑક્સિજનની ઊણપ, કેટલાક ભૌતિક, રાસાયણિક કે જૈવિક ઘટકો, વિવિધ પ્રતિરક્ષાલક્ષી (immune mediated) કે જનીનીય પ્રવિધિઓ, ઘડપણ અથવા જરાવસ્થા (senescence, aging) વગેરે મુખ્ય છે. આ વિવિધ પરિબળો કે ઘટકો કોષની શક્તિના ઉત્પાદનને તથા તેના પટલો(membranes)ને અકબંધ રાખવાના કાર્યને અસર કરે છે. શરૂઆતમાં કોઈક જૈવરાસાયણિક (biochemical) વિકાર ઉદભવે છે, જે પાછળથી કોષના દેખાવમાં ફેરફાર આણે છે. સૌપ્રથમ કણાભસૂત્રો (mitochondria) અને જૈવપટલ(plasma membrane)માં ફેરફારો જોવા મળે છે. ત્યારબાદ કોષના બંધારણમાં ખૂબ ઝડપથી વિકૃતિઓ વધે છે. કોષની અંગિકાઓ (organelles) નાશ પામે છે તથા તેમાં વિષમ સ્વરૂપે ઉદભવતાં દ્રવ્યોનો ભરાવો થાય છે. કોષ ફૂલે છે અને તેમાં પાણી ભરાય છે. પાણીનાં બિંદુઓ રસધાની (vacuoles) રૂપે જોવા મળે છે. તેને રસધાનીયુક્ત દુ:ક્ષીણતા (vacuoler degeneration) કહે છે. તેને જલીય પરિવર્તન (hydropic change) પણ કહે છે. ક્યારેક યકૃત્, હૃદય, મૂત્રપિંડ તથા અન્ય પેશીઓના કોષોમાં ચરબીનાં બિન્દુઓનો ભરાવો થાય છે (દા. ત., ભૂખમરો). તેને મેદલક્ષી (fatty) દુ:ક્ષીણતા અથવા મેદીય પરિવર્તન (fatty change) કહે છે.

કેટલાક વિકારોમાં કોષો કાચ જેવા એટલે કે કાચવત્ (hyaline) દેખાવ ધરાવે છે. ક્યારેક તેમાં શ્લેષ્મ જેવું શ્લેષ્મિલ (myxomatous) પ્રવાહી ભરાય છે. ક્યારેક પેશીઓમાં ઈઓસિનરાગી નાના તંતુઓ (તંતુલો) જમા થાય છે. તેમને અનુક્રમે કાચવત્ દુ:ક્ષીણતા (hyaline degeneration), શ્લેષ્મિલ દુ:ક્ષીણતા (myxomatous degeneration) કે તંતુલાભ દુ:ક્ષીણતા (fibrinoid degeneration) કહે છે; પરંતુ આ વિકારોમાં ખરેખર કોઈ દુ:ક્ષીણતા થતી હોતી નથી. અને તેથી તે ખોટા નામવાળી અથવા મિથ્યાનામી (misnomers) સંજ્ઞાઓ ગણાય છે.

શિલીન નં. શુક્લ

શાંતિલાલ રણછોડભાઈ પટેલ