દુ:ખત્રય : સંસારમાં અનુભવવા મળતાં આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એ ત્રણે પ્રકારનાં દુ:ખોનો સમૂહ. દુ:ખ એટલે શારીરિક કે માનસિક વ્યથા અથવા પીડા. ભારતીય દર્શનોએ દુ:ખ વિશે સૂક્ષ્મ વિચાર કર્યો છે; કારણ કે રોગ, ઘડપણ, મૃત્યુ વગેરે જગતનાં દુ:ખોમાંથી છુટકારો એટલે મોક્ષ જગતના પરમ તત્વના જ્ઞાનથી થાય છે. પરિણામે દુ:ખ એ પાયાનો પદાર્થ છે. સાંખ્યદર્શન દુ:ખને ચિત્તનો ધર્મ માને છે. વૈશેષિક દર્શન દુ:ખને ગંધ વગેરેની જેમ વસ્તુને આધારે રહેતો એક ગુણ માને છે. ન્યાયદર્શન દુ:ખની વ્યાખ્યા પ્રતિકૂલવેદનીય એટલે મનથી વસ્તુનો આપણને થતો વિરોધી અનુભવ – એવી આપે છે. એક જ વસ્તુ એકને અનુકૂળ એટલે સુખ આપનાર હોય, તો બીજાને તે જ વસ્તુ પ્રતિકૂળ એટલે દુ:ખ આપનાર હોય છે. આવી દુ:ખ આપનારી વસ્તુઓ અનેક છે. ન્યાયદર્શન 21 વસ્તુઓ દ્વારા થતાં 21 પ્રકારનાં દુ:ખો માને છે. દુ:ખ વડે ભગવાનનું સ્મરણ થાય છે અને પરમ તત્વનું જ્ઞાન સરળતાથી થાય છે.

મનુષ્ય જે કંઈ કર્મ કરે તેનું સારું કે નરસું ફળ મળે જ છે, તેથી કર્મ કરવાથી સુખ કે દુ:ખ મળે એ સ્વાભાવિક છે. આવાં કર્મો વડે અજ્ઞાનની કાયમ માટે અને સંપૂર્ણ રીતે નિવૃત્તિ થતી નથી. ફક્ત પરમ તત્વનું જ્ઞાન થાય તો જ અજ્ઞાન દૂર થાય. અજ્ઞાન દૂર થતાં ભેદજ્ઞાન કે જે પ્રતિકૂળ જ્ઞાનનું કારણ છે તેનો નાશ થાય છે. પ્રતિકૂળ જ્ઞાન નાશ પામતાં રાગદ્વેષ અને ધર્મ-અધર્મ જેવી સારા કે નરસા શરીરને ધારણ કરાવનારી વસ્તુઓ નાશ પામે છે એટલે દુ:ખ દૂર થાય છે. પરિણામે દુ:ખમાંથી છુટકારો અથવા મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે ત્રણ પ્રકારનાં દુ:ખો મોક્ષ માટે પ્રેરક હોવાથી પાંડવમાતા કુંતીએ વિપત્તિઓ આપવાની પ્રાર્થના ભગવાન કૃષ્ણને કરી છે એ યોગ્ય છે.

દુ:ખના ત્રણ પ્રકારો છે : (1) આધિદૈવિક, (2) આધિભૌતિક અને (3) આધ્યાત્મિક. યક્ષ, રાક્ષસ, ગ્રહ, ભૂત, પ્રેત વગેરેથી થતું દુ:ખ એ આધિદૈવિક છે. જ્યારે મનુષ્ય, પશુ, પક્ષી, સરીસૃપ, સ્થાવર વસ્તુને લીધે થતું દુ:ખ આધિભૌતિક છે. આધિદૈવિક અને આધિભૌતિક બંને પ્રકારનાં દુ:ખો બાહ્ય ઉપાયથી દૂર થનારાં છે. જ્યારે આધ્યાત્મિક દુ:ખ આંતરિક ઉપાયથી દૂર થાય છે. આ આધ્યાત્મિક દુ:ખના (1) શારીર અને (2) માનસ એવા બે પેટાપ્રકારો છે. વાત, પિત્ત અને કફના વૈષમ્યથી શરીરનું જે દુ:ખ થાય તે શારીર આધ્યાત્મિક દુ:ખ છે. જ્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, ઈર્ષ્યા, વિષાદ, વિશિષ્ટ વસ્તુ જોવા ન મળવી વગેરેથી થતું દુ:ખ માનસ આધ્યાત્મિક દુ:ખ છે. અંતે, ઉપઘાતથી પણ દુ:ખ થાય છે.

સાપ, વાઘ, ચોર આદિ જતા રહે એ પછી સ્મૃતિથી થતું દુ:ખ એક પ્રકારનું ઉપઘાતજન્ય દુ:ખ છે. એ જ રીતે દુ:ખ આવ્યા પહેલાં દુ:ખ  આવશે એવા ખ્યાલથી થતું દુ:ખ બીજા પ્રકારનું ઉપઘાતજન્ય દુ:ખ છે. આધિદૈવિક અને આધિભૌતિક દુ:ખો અનુક્રમે મંત્રતંત્રાદિ અને શસ્ત્ર, અસ્ત્ર, દવા વગેરે ઉપાયોથી દૂર થાય છે. જ્યારે શારીર આધ્યાત્મિક દુ:ખ સારવારથી તથા માનસ આધ્યાત્મિક દુ:ખ મનનો નિગ્રહ કરવાથી દૂર થાય છે. આ ત્રણે પ્રકારનાં દુ:ખો દૂર થાય તે હેતુથી ઉપનિષદોનું પઠન કરતાં આરંભ અને અંત બંનેમાં શાંતિમંત્રનો પાઠ કરવામાં આવે છે. તેને અંતે શાંતિ શબ્દ ત્રણ વાર બોલવામાં આવે છે કે જેથી ત્રણે પ્રકારનાં દુ:ખો દૂર થાય.

પ્ર. ઉ. શાસ્ત્રી