દુઃખાયલ હુંદરાજ

September, 2025

દુઃખાયલ હુંદરાજ  (જ. 16 જાન્યુઆરી 1910, લાડકાણા, સિંધ; અ. 21 નવેમ્બર 2003, આદિપુર, કચ્છ) : સિંધી અને હિંદી ભાષાના કવિ અને સ્વાતંત્ર્યસેનાની.

કચ્છના રણવિસ્તારમાં વૃક્ષારોપણ દ્વારા ઉજ્જડ ભૂમિને હરિયાળી બનાવી ગાંધીધામ સ્થાપવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર હુંદરાજ દુઃખાયલે પોતાનું જીવન લેખન અને રાષ્ટ્રભક્તિમાં વિતાવ્યું. પિતા લીલારામ જેસાસિંઘ માણેક અને માતા હિરલબાઈ. પિતા સત્સંગ કરતા. એમના ભજનકીર્તનને કારણે હુંદરાજમાં ભક્તિના સંસ્કારનું સીંચન થયું. ચાર વર્ષની ઉંમરે તેમણે ગુરુમુખી ભાષા શીખવાનું શરૂ કર્યું. તેમનું શાળેય શિક્ષણ અરબી-સિંધી પ્રાથમિક શાળામાં થયું. ચોથા ધોરણ સુધી સિંધીનું શિક્ષણ લીધું. 1921માં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું. આથી એમાં જોડાવા માટે સરકારી શાળા છોડી અને લાડકાણાની કોમી શાળામાં અંગ્રેજી ત્રીજા ધોરણનો અભ્યાસ કર્યો. ફરી શાળા છોડી અને સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા.

હુંદરાજ દુઃખાયલ

તેમણે આઠ-દસ વર્ષની ઉંમરથી જ ગીતો લખવાનો પ્રારંભ કર્યો હતો. અગિયાર વર્ષની ઉંમરે તેમણે લખેલાં ભજનોનો સંગ્રહ ‘કૃષ્ણ ભજનાવલિ’ પ્રગટ થયો. ત્યારબાદ ‘આર્ય ભજનાવલિ’ની સાથે ગુરુમુખીમાં ધર્મદાસની જીવનકવિતા બે હજાર પંક્તિઓમાં પ્રકાશિત થઈ. તેમણે શાળામાં નાટકોમાં ભાગ લીધો હતો. ‘ભક્ત પ્રહલાદ’ નાટકમાં પ્રહલાદનું પાત્ર, ‘રાજા હરિશ્ચંદ્ર’માં રોહિતનું પાત્ર અને ‘ખૂબસૂરત બલા’ નાટકમાં રાજકુમારનું પાત્ર ભજવ્યું હતું. તેઓ વ્યાયામશાળા અને અખાડામાં નિયમિત જતા. તેઓ ગદા કૌશલ્યમાં પ્રવીણ હતા. 1919માં તેમનાં લગ્ન પારી (પારપતિ) સાથે થયાં.

1924માં તેમણે અભ્યાસ છોડ્યો. પિતાજી પાસે વૈદ્યનું જ્ઞાન મેળવ્યું અને દવાઓ બનાવતા, પરંતુ એમાં મન લાગતાં 1925માં સોનાચાંદીની દુકાન કરી. એ પછી સિવિલ કોર્ટમાં સ્ટૅમ્પવેન્ડરનું કાર્ય પણ કર્યું. પરંતુ સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાવાથી સરકારે એમનું લાઇસન્સ રદ કર્યું. તેમણે વાનરસેના બનાવી. સભાઓમાં સ્વાતંત્ર્યસંગ્રામને લગતાં ગીતો ગાયાં અને દારૂબંધીનો પ્રચાર પણ કર્યો. તેમના પર આર્યસમાજનો પ્રભાવ પડતાં તેમણે ધર્મને લગતાં ગીતોની રચના કરી એનું પુસ્તક પ્રકાશિત કર્યું.

1930માં તેમનાં ગીતોએ લોકોમાં નવચેતના પ્રગટાવી. એ વખતે તેઓ નામ વગર ગીતો લખતા, પરંતુ મિત્રના આગ્રહથી તેમણે ‘દુઃખાયલ’ નામ લખવાનું શરૂ કર્યું. તેઓ હાર્મોનિયમ લઈને ગાતા હતા, પરંતુ દરેક જગ્યાએ હાર્મોનિયમ લઈ જવું શક્ય નહોતું આથી એમણે હાર્મોનિયમને બદલે ખંજરીનો ઉપયોગ શરૂ કર્યો. ખંજરી સાથે ક્રાંતિનાં ગીતો ગાતા હુંદરાજે સમાજમાં રાષ્ટ્રીયભાવના જાગૃત કરી.

આઝાદીની ચળવળમાં ભાગ લેવા બદલ તેમને છ વખત જેલવાસની સજા કરવામાં આવી હતી. જેલમાં પણ તેમણે કાવ્યરચનાનું કાર્ય ચાલુ રાખ્યું હતું. મીઠાના સત્યાગ્રહ વખતે તેમણે વિદ્યાર્થીઓ સાથે મળીને ‘બંદર’ અને ‘સ્વરાજ સેના’ની સ્થાપના કરી. તેમજ ‘હનુમાન’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. ‘હનુમાન’માં સરકાર વિરોધી લેખો લખવા માટે તેમની ધરપકડ કરવામાં આવી. એ પછી 1931માં વિદેશી વસ્તુઓના બહિષ્કાર અને દારૂની દુકાનો પર પિકેટિંગ કરવા બદલ બે વર્ષ અને ત્રણ માસની જેલ થઈ. 1942 અને 1945માં ત્રણ ત્રણ માસની જેલ થઈ. 1934માં લાડકાણાની એક શાળામાં શિક્ષક તરીકે જોડાયા અને હરિજન બૅન્ક શરૂ કરી. તેમણે ‘દુઃખાયલ’ નામે સાપ્તાહિક શરૂ કર્યું જે ‘ગોઠાણી સિંધ’ નામે લોકપ્રિય બન્યું. પાકિસ્તાન સરકારે તેમના કોઈ વાંકગુના વિના પકડીને જેલમાં મોકલતાં એ બંધ થયું.

દુઃખાયલે હિન્દીમાં ‘ધરતી કે ગીત’, ‘ધૂણી કી ધૂનિ’, ‘ગાય કી પુકાર’, ‘સર્વોદય ગીત સરિતા’ પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત ‘ઝૂંગાર’, ‘કોમી લલકાર’, ‘સંગીત ફૂલ’, ‘ગુલા થા રુઅનિ તુંહિંજી યાદ મેં’, ‘સંગીત વર્ષા’, ‘રંગ-તરંગ’, લાતિયૂં’, ‘સમુંડુ વિલોડ્યો’, ‘લાહૂતી લાત’ તેમનાં નોંધપાત્ર પુસ્તકો છે. અંગ્રેજ સરકારે સિંધમાં સેન્સરશિપ લાગુ પાડતાં તેમનાં ‘ફાંસીગીતમાળા’ અને ‘આલાપ આઝાદી’ પુસ્તકો અંગ્રેજ સરકારે જપ્ત કર્યાં. તેમની ‘વણ કુહાડી’ (વૃક્ષ કુહાડી) કવિતા-કથા સિંધમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે ચિનગારી સાબિત થઈ હતી. તેઓ સિંધી પ્રતીક કૉંગ્રેસ સમિતિના પ્રમુખ પણ હતા.

તેમણે 1940માં લાડકાણાથી 19 માઈલ દૂર આવેલા રતોદેરો ગામ પાસે ‘ગાંધી ખિદમત ઘર’ નામે આશ્રમની સ્થાપના કરી. ત્યાં ચરખા બનાવવાનું અને હાથકાગળ બનાવવાનું કાર્ય શરૂ કર્યું. 1948માં પાકિસ્તાન સરકારે આરોપ મૂક્યો કે સરકારને ઉથલાવવાના કાવતરા માટે આશ્રમમાં શસ્ત્રો બનાવવામાં આવે છે. આશ્રમની જડતી લેવામાં આવી. આશ્રમના પરિસરમાંથી રસોડામાં વપરાતો છરો મળી આવ્યો. દુઃખાયલને છ મહિનાની સખત કેદ અને 200 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. અપીલ કર્યા પછી સજા બે મહિનાની કેદ અથવા 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. જેલમાંથી છૂટ્યા પછી થોડા સમય બાદ આશ્રમ બંધ કરવામાં આવ્યો અને તેઓ 1949માં ભારત આવ્યા.

ભારતમાં આવીને તેમણે ભારતભ્રમણ કર્યું અને પુનર્વસવાટના કાર્યમાં લાગી ગયા. ગાંધીજીના આશીર્વાદ મેળવી ભાઈ પ્રતાપ સાથે ગાંધીધામ – આદિપુરની સ્થાપનામાં વ્યસ્ત બન્યા. તેમણે ‘ગાંધીધામ મૈત્રીમંડળ’ નામે શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી. કંડલા બંદરના વિકાસમાં અને ઉદ્યોગોની સ્થાપનામાં ફાળો આપ્યો. વિનોબા ભાવેના કહેવાથી સર્વોદય અને ભૂદાનપ્રવૃત્તિમાં જોડાયા. 12 વર્ષ સુધી 30,000 માઈલની પદયાત્રા કરી અને ખંજરી સાથે હિંદીમાં કવિતાઓ ગાઈને ભૂદાનનો પ્રચાર કર્યો. સર્વોદયના પ્રચાર માટે સિંધી ભાષામાં ‘ધરતીમાતા’ સાપ્તાહિક અને હિંદી ભાષામાં ‘ભૂમિદાન’નું સંપાદન કર્યું. 1964માં ‘ગાંધીધામ સમાચાર’ સાપ્તાહિક શરૂ કર્યું. તેઓ આજીવન સેવાકાર્યમાં જોડાયેલા રહ્યા.

હુંદરાજની આજીવન સેવાઓને અનેક સંસ્થાઓએ બિરદાવી છે. તેમને મળેલાં સન્માનોમાં સાધુ વાસવાણી ઍવૉર્ડ (1954), ‘જિંદગી એક, રૂપ અનેક’ પુસ્તક માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ તરફથી સન્માન (1964), સાહિત્યસર્જન માટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા શિલ્ડ (1983), પદ્મશ્રી (1984), સિંધુરતન ઍવૉર્ડ (1984), ગુજરાત સિંધી સાહિત્ય અકાદમી તરફથી મૂર્ધન્ય સાહિત્યકાર સન્માન (1985), રામ પંજવાણી ઍવૉર્ડ (1989), સહયોગ ઍવૉર્ડ (1991), દિલ્હી સિંધી અકાદમી તરફથી લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ (1997), આર. જે. આડવાણી ઍવૉર્ડ (1998), સિંધી અકાદમી, દિલ્હી તરફથી મિલેનિયમ ઍવૉર્ડ (2003) મુખ્ય છે. આ ઉપરાંત તેમને અનેક ઍવૉર્ડ મળ્યા છે. તેમણે મિલેનિયમ ઍવૉર્ડના મળેલ 11 લાખ રૂપિયાનું આદિપુરમાં બી.એડ્. કૉલેજની સ્થાપના માટે દાન આપ્યું. તેમણે મળેલ બધાં જ ઇનામ-ઍવૉર્ડની રકમ ‘ગાંધીધામ મૈત્રીમંડળ’ સંસ્થાને દાનમાં આપી હતી. એટલું જ નહીં, તેમની અંગત સંપત્તિ, મકાન, બૅન્ક બૅલેન્સની રકમ બધું જ શિક્ષણસંસ્થાને દાનમાં આપીને શિક્ષણના પ્રસારનું અજોડ કાર્ય કર્યું છે.

અનિલ રાવલ