દીવ : સૌરાષ્ટ્ર દીપકલ્પની દક્ષિણે આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ગુજરાત અને પશ્ચિમ ભારતનું પ્રાચીન સમયનું પ્રમુખ બંદર અને આ જ નામ ધરાવતો ટાપુ. તેનું નામ સંસ્કૃત શબ્દ ‘દ્વીપ’ (બેટ) ઉપરથી અપભ્રંશ થઈને ‘દીવ’ પડ્યું છે. આ ટાપુ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે અરબી સમુદ્રમાં 20° 42’ ઉ. અ. અને 70° 59’ પૂ. રે. ઉપર આવેલો છે. તેની ત્રણ બાજુ સમુદ્ર અને ઉત્તર તરફ જૂનાગઢ જિલ્લાનો ઊના તાલુકો આવેલો છે. સૌરાષ્ટ્રની મુખ્ય ભૂમિથી તે યાસી નદીની સેસલખડા ખાડીને કારણે અલગ પડેલ છે. વિક્રમની પહેલી સદી સુધી તે સૌરાષ્ટ્ર સાથે જોડાયેલો હતો. સમગ્ર ટાપુનું ક્ષેત્રફળ 40 ચોકિમી. છે. ટાપુમાં દીવ ઉપરાંત માણેકવાડા, બોચરવાડા, નાગવા અને બરાંકવાડા ગામો આવેલાં છે. શહેરનો વિસ્તાર 40 ચોકિમી. છે. ટાપુની કુલ વસ્તી 52,056 (2011) છે.

16મા શતકમાં પૉર્ટુગીઝોએ બાંધેલો દીવનો કિલ્લો

ત્યાંની આબોહવા ખુશનુમા અને સમધાત છે. વાર્ષિક સરેરાશ વરસાદ 694 મિમી. પડે છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. મુખ્ય પાક બાજરી, જુવાર અને મગફળી છે. થોડા પ્રમાણમાં ઘઉં અને શેરડીનું ઉત્પાદન પણ થાય છે. નારિયેળી, કેળાં, કેરી વગેરે ફળફળાદિના બગીચા અને સિંચાઈ માટેના કૂવા ઘણા છે. થોડા લોકો મચ્છીમારીમાં રોકાયેલા છે. ઔદ્યોગિક વસાહતની સ્થાપના પછી ત્યાં ઉદ્યોગોનો વિકાસ થયો છે. તેલની મિલો, સાબુનું કારખાનું, ફર્નિચર તથા દારૂ બનાવવાનાં કારખાનાં તથા મીઠાના અગરો છે. લઘુ અને ગૃહઉદ્યોગોનો વિકાસ થયો છે. 1988–89થી વીજળીઘર શરૂ કરાયું છે, જેને લીધે બધાં ગામોને વીજળીનો લાભ મળે છે.

ટાપુ ઉપર વણાકબારા, દીવ અને ઘોઘલા ખાતે જેટીઓ છે. બાધક ખડકો (barrier reefs) નૈર્ઋત્ય અને દક્ષિણના પવનોથી વહાણોનું રક્ષણ કરે છે. બજરા (barge) દ્વારા માલની ચડ-ઊતર થાય છે. દીવમાં રેલવે નથી. પાકા રસ્તાની લંબાઈ 60 કિમી. છે. એક હવાઈ મથક દ્વારા તે મુંબઈ સાથે જોડાયેલું છે. તે પ્રવાસન-મથક તરીકે વિકસ્યું છે. અહીં કિલ્લો, ચર્ચ, મ્યુઝિયમ, કંઠારરેતપટ જોવાલાયક છે.

અનાજ, વિલાયતી નળિયાં, ઇમારતી લાકડું, બળતણ, કેરોસીન, કોપરાં, સિમેન્ટ વગેરેની આયાત અને મીઠું, દારૂ અને મચ્છીની નિકાસ મુખ્યત્વે છે. જૂના વખતમાં ગોવા, દમણ અને દીવનો પોર્ટુગલ, ઈસ્ટ આફ્રિકા સાથે વેપાર હતો. દીવમાં ગુજરાતી, પોર્ટુગીઝ અને અંગ્રેજી ભાષાનું ચલણ છે.

ઇતિહાસ : પુરાણોના ઉલ્લેખ પ્રમાણે દીવમાં જાલંધર તીર્થ છે. ક્ષત્રપકાળ દરમિયાન રોમન શહેનશાહ કૉન્સ્ટેન્ટાઇને (ઈ. સ. 320–340)  ભારત-રોમ વચ્ચેના વેપારને હરકત ન કરવા બાંયધરી આપી હતી. અહીં રૂપાના સિક્કાઓનું ચલણ હતું. દીવનો જાવા, સુમાત્રા અને મધ્યપૂર્વના દેશો સાથે બહોળો વેપાર હતો. ઈ. સ. સાતમી સદીમાં પારસીઓ વીસ વરસ સુધી દીવમાં રહ્યા હતા. આઠમી સદીમાં અહીં ચાવડાઓનું શાસન હતું. તેમને હસ્તક માંગરોળથી સોમનાથ સુધીનો દરિયાકિનારાનો પ્રદેશ હતો. ઈ. સ. 893ના લેખ પ્રમાણે દીવમાં ચાલુક્ય રાજા બલવર્મનનું શાસન હતું. અગિયારમી સદીમાં અહીં વાઘેલાઓનું શાસન હતું. 1330માં દીવ તુગલુક વંશના સુલતાનોને કબજે હતું. 1404 પછી ત્યાં ગુજરાતના સુલતાનોનું શાસન હતું. પંદરમી અને સોળમી સદીના પૂર્વાર્ધ સુધી હિંદી મહાસાગરમાં દરિયાઈ વર્ચસ્ સ્થાપવા દીવનું બંદર ખૂબ મહત્વનું ગણાતું. મધ્યપૂર્વના વેપારમાં દીવનો ઘણો હિસ્સો હતો. આ કારણે ગોવાના પૉર્ટુગીઝ ગવર્નર આલ્બુકર્કે 1513માં દીવની મુલાકાત લીધી હતી અને પૉર્ટુગીઝ વેપાર અને લોકોના રક્ષણ માટે દીવમાં થાણું નાખવા ને કિલ્લો બાંધવા માગણી કરી હતી. 1521 અને 1531માં દીવ ઉપર પોર્ટુગીઝોએ ચડાઈ કરી હતી પણ તેમની હાર થઈ હતી. હુમાયૂંના આક્રમણથી ગભરાયેલા ગુજરાતના સુલતાન બહાદુરશાહે 1534માં કિલ્લો બાંધવા ને વેપાર કરવા પરવાનગી આપી હતી. 1535માં કિલ્લો બંધાઈ ગયો હતો. 1537થી 1961 સુધી દીવ પોર્ટુગીઝ શાસન નીચે રહ્યું. 1961માં દીવ ગોવાની સાથોસાથ ભારતીય સંઘમાં સામેલ થયું. માર્ચ, 1962થી દીવ ભારતીય સંઘનું કેન્દ્ર-શાસિત (union territory) ઘટક રાજ્ય બન્યું છે.

દીવનાં જૈન મંદિરો, ઘોઘલાની ચોપાટી, બાળકો માટેનો બગીચો, સોળમી સદીનો કિલ્લો વગેરે પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ છે. ભારતમાં ભળ્યા પછી પ્રવાસધામ તરીકે તેનો વિકાસ થયો છે.

શિવપ્રસાદ રાજગોર