દીલેદ્દા, ગ્રાઝિયા (Diledda, Grazia)

March, 2016

દીલેદ્દા, ગ્રાઝિયા (Diledda, Grazia) (જ. 27 સપ્ટેમ્બર 1871, ન્યૂરો, ઇટાલી અ. 15 ઑગસ્ટ 1936, રોમ, ઇટાલી) : 1926નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનારાં સારડિયન ભાષામાં ગ્રેત્ઝિયા તરીકે જાણીતાં ઇટાલીનાં લેખિકા. તેમનાં સાહિત્યમાં તેમનાં વતનના ટાપુ સારડિયાના જીવન અંગેની સાર્વત્રિક સમસ્યાઓ ઊંડાણપૂર્વક અને સહાનુભૂતિથી પારદર્શક રીતે ઝિલાઈ છે. ઇટાલીમાં સાહિત્યનું પ્રથમ નોબેલ મેળવનાર અને 1909 પછી બીજી લેખિકા તરીકે પુરસ્કાર મેળવનારાં સન્નારીમાં તેમની ગણના થાય છે.

ગ્રાઝિયા દીલેદ્દા

તેમનો જન્મ મધ્યમવર્ગનાં કુટુંબમાં થયો હતો. પહેલા પ્રાથમિક શાળામાં અને પછી ખાનગી રીતે શિક્ષણ પ્રાપ્ત કરી સાહિત્યના આગળના અભ્યાસ માટે તેમણે જાતે જ શીખવાનું શરૂ કર્યું હતું. સારડિયાના પ્રસંગો વણીને ત્યાંનાં હાડમારીભર્યા જીવન વિશે નવલકથા લખવાનું તેમણે શરૂ કરી દીધું હતું. તેમના શિક્ષકે તેમનાં લખાણ સમાચારપત્રોમાં આપવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. માત્ર 13 વર્ષની વયે તેમની પ્રથમ વાર્તા સ્થાનિક સમાચારપત્રમાં પ્રસિદ્ધ થઈ હતી. 1888 અને 1889 દરમિયાન તેમનાં લખાણો પ્રસિદ્ધ થતાં રહ્યાં. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ 1890માં ‘નીલ અઝ્ઝુરો’ (Nell’ azzurro) અર્થાત્ વાદળી રંગમાં પ્રકાશિત થયો. તેમાં મુખ્યત્વે ગરીબી અને સંઘર્ષની કથા છે. ગ્રેઝિયા લખે તે તેમનાં કુટુંબને પસંદ ન હતું. તેમની પ્રથમ નવલકથા ફ્લોરિ-દ-સારદેગ્નાં 1892માં પ્રકટ થઈ. તેઓ સમાચારપત્રો અને સામયિકોમાં નિયમિતપણે લખતાં હતાં. તેમની પાસેથી માહિતીપ્રદ વાર્તાઓ અને કાવ્યો પણ પ્રાપ્ત થયાં છે.

1889માં તેઓ નાણાપ્રધાન પાલ્મિરો મોડેસનીને મળે છે. 1900માં તેમની સાથે લગ્ન કરી રોમ જાય છે. તેમના પુત્રો સાર્ડસ(1901–1938) અને ફ્રાંસેસ્કો ફ્રાંઝ(1904–1981)ના જન્મ પછી તેમનું લેખનકાર્ય યથાવત્ રહે છે. તેમની પાસેથી દર વર્ષે એક નવલકથા મળે છે. તેમનાં લખાણોની કદર રૂપે 1926માં નોબેલ પુરસ્કાર મળ્યા પછી સતત મળવા આવતા ખબરપત્રીઓ અને તસવીરકારોથી તથા અન્ય મુલાકાતીઓથી તેમને કંટાળો પણ આવતો. જોકે તેમનું લેખનકાર્ય અવિરતપણે ચાલતું રહ્યું. ગંભીર માંદગીના ઘટનાક્રમ પછી તેમનાં લેખનના વિષયો વધારે ગંભીર બન્યા. 1930માં તેમના ‘લા કેસ ડેલ પોએટા’ (La Casa del Poeta – કવિનું ઘર) અને 1933માં ‘સોલ દ-એસ્ટેટ’  (Sole d’Estate – ગ્રીષ્મનો સૂર્ય) પ્રગટ થાય છે. તેમનાં 60 કરતાં વધારે પુસ્તકો પ્રગટ થયાં છે. 64 વર્ષની ઉંમરે  કૅન્સરને કારણે તેમનું અવસાન થયું. તે પછી તેમની નવલકથા કોસીમાની સંપૂર્ણ પ્રત મળી આવતા 1937માં તે પ્રગટ કરવામાં આવી.

તેમના જન્મસ્થાનને મ્યુનિસિપાલિટી દ્વારા ખરીદી લઈને 1968થી તેને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાળવવામાં આવ્યું છે. પછીથી તે 1000 લીરા લઈને રિજિઓનલ એન્થોગ્રાફિક ઇન્સ્ટિટ્યૂટને સોંપવામાં આવ્યું છે. ત્યાં લેખિકાના સન્માનમાં તેમના જીવનને અનુલક્ષીને મોટું સંગ્રહાલય (Museo Deleddiano) બનાવવામાં આવ્યું છે.

કિશોર પંડ્યા