દીવાન, શારદાબહેન

March, 2016

દીવાન, શારદાબહેન (જ. 1903; અ. ) : મહિલા શિક્ષણના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર મહિલા કેળવણીકાર. પિતા ચીમનલાલ સેતલવાડ ખ્યાતનામ કાયદાવિદ અને 12 વર્ષ સુધી મુંબઈ યુનિવર્સિટીના માનાર્હ કુલાધિપતિ હતા. માતા કૃષ્ણાગૌરી. કુટુંબમાં રાષ્ટ્રીય નેતાઓ અને મહાનુભાવોની સતત આવનજાવનને કારણે સૌ સાથે આ કિશોરીનો જીવંત સંપર્ક રહેતો. રાષ્ટ્રીયતા અને સ્વદેશીના વાતાવરણમાં બાળપણ અને કિશોરાવસ્થા વિતાવતાં તેમનો ખૂબ ભણવાનો નિર્ણય પાકો બન્યો. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી મૅટ્રિકમાં પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થતાં સુવર્ણ અને રજત ચંદ્રકોનાં હક્કદાર બન્યાં. ઇતર પ્રવૃત્તિ અને રમતગમતમાં અગ્રેસર હોવા સાથે ક્યારેક એ ક્ષેત્રે પણ ચંદ્રકવિજેતા બન્યાં હતાં.

અમદાવાદના જાણીતા જીવણલાલ દીવાનના શિક્ષણપ્રેમી કુટુંબના સૌથી મોટા પુત્ર બાબુરાવ દીવાન સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. તેમના પતિ 1920થી 1923નાં વર્ષો દરમિયાન વિદેશ ગયા ત્યારે અધૂરો રહેલો અભ્યાસ આરંભી સ્નાતક બન્યાં. પતિએ વિદેશથી પાછા આવી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ(વર્તમાન દીવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા)માં શિક્ષક તરીકે કારકિર્દી આરંભી, તો શારદાબહેને ‘વનિતાવિશ્રામ’ શાળામાં અંગ્રેજીનાં શિક્ષિકા તરીકે માનદ સેવા આપવાનું પસંદ કર્યું.

શ્વશુર જીવણલાલ દીવાન રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની લડતના અગ્રણી હોવાને નાતે આ પતિપત્નીને ગાંધીજીને મળવાની તક સાંપડી; જેનો પ્રભાવ જીવનભર તેમના પર રહ્યો. બંને પતિપત્ની ખાદીધારી અને સદાય સ્વદેશીનાં હિમાયતી થયાં. વ્યવસાયાર્થે તેમના પતિને મુંબઈમાં સ્થાયી થવાનું જરૂરી બનતાં તેઓ બંને મુંબઈ ગયાં, જ્યાં શારદાબહેને અનુસ્નાતક અભ્યાસ આરંભ્યો. ‘પૉપ્યુલેશન પ્રૉબ્લેમ ઑવ્ ઇન્ડિયા’ વિષય ઉપર શોધનિબંધ તૈયાર કરી તેમણે 1927માં અનુસ્નાતક ડિગ્રી મેળવી. 1930 સુધીના અરસામાં ગુજરાતી મહિલાઓમાં અનુસ્નાતક થનાર આંગળીના વેઢે ગણી શકાય તેટલી અનુસ્નાતક મહિલાઓમાં તેઓ પ્રથમ હતાં. પ્રેમલીલા ઠાકરશીના આગ્રહથી ‘વનિતા વિશ્રામ’(મુંબઈ)નો વહીવટ સંભાળી ઉત્કૃષ્ટ સંચાલન દ્વારા તેમાં નવજીવનનો સંચાર કર્યો. 1930થી ’36 સુધીની કારકિર્દી આગળ અલ્પવિરામ મૂકી માતૃધર્મના પાલન નિમિત્તે બે સંતાનો – પુત્ર અનિલ અને પુત્રી અંજની પ્રત્યેની જવાબદારીઓ નિભાવી. તેમની પુત્રી અંજની ભારતની પ્રથમ મહિલા ગૉલ્ફ ચૅમ્પિયન અને અર્જુન પુરસ્કાર-વિજેતા મહિલા બની. શારદાબહેન 1935માં ‘ગાંધી સેવા સેના’નાં મંત્રી બન્યાં અને ‘સેવામંદિર’નાં પ્રમુખ રહ્યાં.

1936થી કારકિર્દીના ક્ષેત્રે ફરીથી સક્રિય બન્યાં. 1936થી ’44 સુધી તેમણે શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરશી મહિલા યુનિવર્સિટીનાં રજિસ્ટ્રાર રહી તેને મજબૂત બનાવી તેના વિકાસનો રાહ કંડાર્યો. ત્યારબાદ આ જ યુનિવર્સિટીની આર્ટ્સ ફૅકલ્ટીનાં ડીન તરીકે સેવાઓ આપી. અંતે 1969થી ’75 દરમિયાન આ યુનિવર્સિટીનું કુલાધિપતિનું પદ તેમણે શોભાવ્યું. આમ, ભારતની એકમાત્ર મહિલા યુનિવર્સિટીને પ્રારંભિક વર્ષોમાં તેમનું શૈક્ષણિક સૂઝ સાથેનું નેતૃત્વ સાંપડ્યું અને મહિલાશિક્ષણનો મજબૂત પાયો બંધાયો.

રક્ષા મ. વ્યાસ